ક્રોટન : વર્ગ દ્વિદળીના ઉપવર્ગ અદલાના કુળ યુફોરબિયેસીની એક પ્રજાતિ. તેની એક જાતિ C. variegatum Fib. સુશોભિત રંગનાં અને વિવિધ રચના તથા આકારવાળાં પાનથી આકર્ષક લાગે છે. લાલ, પીળા, લીલા, સફેદ, ગુલાબી એમ અનેક રંગ તથા લાંબાં-પહોળાં અને સ્ક્રૂની જેમ વળેલાં, પપૈયાનાં પાન જેવા અનેક આકાર ધરાવે છે. તેની ડાળીનું સંકરણ કરી નવી નવી જાતો ઉત્પન્ન કરી શકાય છે. તેનાં મનગમતાં નામો બ્યૂટી, સુંદરી, અશોક, કસ્તૂરી, બાપુજી, પ્રેસિડેન્ટ, મહારાજા ઑવ્ માયસોર, ક્વીન વગેરે છે. સવારનો તડકો અને બપોરનો છાંયો તેને અનુકૂળ છે.
બીજ, કલમ, ગુટી તેમજ દાબ(layering)થી તે વધે છે. છોડની ટોચ અવારનવાર કાપતાં તે ભરાવદાર બને છે.
દક્ષિણ અમેરિકાનું વતની C. bonplandianum Baill રસ્તા ઉપર ઊગીને શોભા આપે છે. આયુર્વેદ અનુસાર નેપાળો તે C. tiglium-નાં બીજ છે, જે રેચક દવા તરીકે ઉપયોગી છે.
મ. ઝ. શાહ