ક્રેસા (Cressa) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી કન્વોલ્વ્યુલેસી કુળની એક પ્રજાતિ. ગુ. નામો રુદ્રવંતી, ખરેડી, ઉના, ખારિયું, પડિયો છે.
તેની એક જ જાતિ ગુજરાતના દરિયાકિનારે, વેરાવળ – દ્વારકા – ઓખા તેમજ ભાલવિસ્તાર – ધોળકાથી ધંધૂકા સુધી સૂકા તળાવની આસપાસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ભૂખરા રંગની રોમમય શાકીય વનસ્પતિ છે. તે નવેમ્બર-ડિસેમ્બર માસ સુધી સફેદ કે આછાં ગુલાબી પુષ્પો ધરાવે છે. પર્ણના કક્ષમાંથી સમૂહમાં પુષ્પો ઉદભવે છે અને દરેક પુષ્પ બે નિપત્રો ધરાવે છે. વજ્રપત્રો-5, દીર્ઘ લંબગોળ; દલપુંજ નિવાપાકાર; પુંકેસરો-5, બીજાશય દ્વિકોટરીય, અંડકો-4, પરાગ-વાહિની-2 મુક્ત; પ્રાવર અંડાકાર વગેરે આ વનસ્પતિનાં લક્ષણો છે.
આયુર્વેદિક ર્દષ્ટિએ તે પોષણવર્ધક, જઠરની સક્રિયતા વધારનાર અને જાતીયતા-ઉત્તેજક છે. ઢોર તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
બળદેવભાઈ પટેલ