ક્રેટિનિઝમ : માનસિક ક્ષતિનો એક ચિકિત્સાલક્ષી પ્રકાર. જન્મ પૂર્વે અથવા તો જન્મ પછીની શરૂઆતની શૈશવાવસ્થા દરમિયાન કંઠગ્રંથિ(thyroidgland)ના અંત:સ્રાવ (hormones) થાઇરૉક્સિનની ઊણપને લીધે આ રોગ થાય છે. કંઠગ્રંથિનો વિકાસ ન થયો હોય અથવા તેને ઈજા થઈ હોય અથવા તેનો ક્ષય (degeneration) થયો હોય તો થાઇરૉક્સિનની ઊણપ ઉદભવે છે.
ક્રેટિનિઝમનાં મુખ્ય બે લક્ષણો છે : શારીરિક વૃદ્ધિની ગંભીર નિષ્ફળતા અને માનસિક પછાતપણું (mental retardation). આ ક્ષતિવાળો દર્દી કદ અને ઊંચાઈમાં ઠિંગુજી જેવો હોય છે. તેની ઊંચાઈ આશરે 91.44 સેમી. હોય છે. ચહેરો એટલો લાક્ષણિક હોય છે કે બધા દર્દીઓ એકબીજાને ઘણા મળતા આવે છે. તેમનો ચહેરો ગોળમટોળ અને પીળાશ પડતો હોય છે. માથું ખૂબ મોટું હોય છે. વાળ પુષ્કળ કાળા અને બરછટ હોય છે. આંખનાં પોપચાં જાડાં હોઈ વ્યક્તિ ઊંઘણશી દેખાય છે. તેમના હોઠ જાડા હોય છે. જીભ મોટી અને બહાર પડતી હોય છે. નાક પહોળું, ચપટું અને જાડું હોય છે. કાન મોટા હોય છે. તેમની ચામડી સૂકી અને જાડી હોય છે. સ્પર્શસંવેદન મંદ હોય છે. પગ થોડા વળેલા હોય છે. કરોડરજ્જુ પણ વળેલી હોય છે. તે વિશિષ્ટ રીતે ચાલે છે. પેઢુ બહાર નીકળેલું હોય છે. જાતીય રીતે તે અપરિપક્વ હોય છે. અવાજ ઘેરો અને કઠોર હોય છે. તેમને દાંત મોડા આવે છે અને કઢંગા હોય છે. આવું બાળક બોલતાં-ચાલતાં પણ મોડું શીખે છે. તેની શ્રવણશક્તિ ક્ષતિયુક્ત હોય છે. વિચારક્રિયા મંદ (sluggish) હોય છે. તેથી માનસિક વિકાસ ખૂબ જ ધીમો થાય છે. ક્રેટિનિઝમના મોટા ભાગના દર્દીઓનો બુદ્ધિઆંક 20થી 51ની વચ્ચે હોય છે. માનસિક પછાતપણાના પ્રમાણનો આધાર મગજને કેટલી ક્ષતિ પહોંચી છે તેના પર રહેલો છે. તેમનાં શારીરિક લક્ષણો અને માનસિક પછાતપણા વચ્ચે ઘેરો સહસંબંધ હોય છે એટલે કે શારીરિક રોગલક્ષણો જેમ વધુ તેમ પછાતપણાની માત્રા વધુ.
ક્રેટિનિઝમ સ્થાનવર્તી (endemic) કે પ્રાસંગિક (sporadic) હોઈ શકે. સ્થાનવર્તી ક્રેટિનિઝમ અમુક વિશિષ્ટ ભૌગોલિક પ્રદેશમાં રહેતા લોકોમાં જોવા મળે છે; જેમ કે, સ્વિટ્ઝર્લૅન્ડની ખીણમાંની જમીનમાં આયોડિનની ઊણપ હોવાથી ત્યાં ઊગેલા અનાજમાં તેમજ પાણીમાં પણ આયોડિનની ઊણપ હોય છે. આવા ભૌગોલિક વિસ્તારમાંની સ્ત્રીઓને જન્મેલાં બાળકોમાં કંઠગ્રંથિની ખામી ઉદભવે છે. આવા વિસ્તારના લોકોને કંઠમાળ(goitre)નો રોગ થવાની સંભાવના રહે છે. સ્થાનવર્તી ક્રેટિનિઝમ કંઠમાળ ધરાવતાં માબાપનાં સંતાનોને જ થાય છે. સ્થાનવર્તી ક્રેટિનિઝમમાં કંઠગ્રંથિ થાઇરૉક્સિનનો અંત:સ્રાવ ઉત્પન્ન કરવા અશક્ત બને છે. પુખ્ત ઉંમરે કંઠગ્રંથિની ઊણપ ઉદભવે તેને માઇક્સેડેમા કહે છે. આયોડિનની ઊણપની ક્ષતિપૂર્તિ માટે કંઠગ્રંથિ અસાધારણ કદ ધારણ કરે તેને કંઠમાળ કહે છે.
કંઠમાળનો રોગ ન થતો હોય તેવા પ્રદેશોમાં રહેતાં સમધારણ માતાપિતાનાં સંતાનોમાં પ્રાસંગિક ક્રેટિનિઝમ જોવા મળે છે. આવા કિસ્સામાં કંઠગ્રંથિ સામાન્ય રીતે નિષ્ક્રિય અથવા ગેરહાજર હોય છે; કારણો જાણી શકાયાં નથી. આ ક્ષતિ અનપેક્ષિત પરંતુ જૂજ હોય છે.
જોકે ક્રેટિનિઝમના મોટા ભાગના કિસ્સામાં ખોરાકમાં આયોડિનની ઊણપ જવાબદાર હોય છે, પરંતુ કેટલીક વાર જન્મ વખતે થતી ઈજા કે જેમાં કંઠગ્રંથિમાંથી રક્તસ્રાવ થાય તેથી અથવા ઓરી, ઉટાંટિયું કે ડિફ્થેરિયા જેવા ચેપી રોગને પરિણામે પણ કંઠગ્રંથિનું કાર્ય ખામીયુક્ત બને છે. કેટલીક વાર ઉત્સેચક(enzyme)ની વારસાગત ખામીને પરિણામે પણ થાઇરૉક્સિનની ઊણપ ઉદભવે છે. આવી ઊણપનાં પરિણામનો આધાર વ્યક્તિની ઉંમર, ઊણપની માત્રા અને ઊણપના સમયગાળા ઉપર રહેલો છે.
ક્રેટિનિઝમનો ભોગ બનેલ બાળકને એની એક વર્ષની ઉંમર પહેલાં સારવાર આપવામાં ન આવે તો કાયમ માટે તેની બુદ્ધિ મંદ રહે છે. ત્યાર બાદ થાઇરૉક્સિનની સારવાર અંશત: લાભપ્રદ નીવડે છે, પરંતુ ચેતાતંત્રને થયેલી ક્ષતિ અને શારીરિક વિકાસની ખામી સુધારી શકાતી નથી.
આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની બાબતે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણે જાહેર સ્વાસ્થ્ય અંગેનાં પગલાં તેમજ શરૂઆતની અવસ્થામાં જ થાઇરૉક્સિનની ખામીના નિદાન અને તેની સારવારને પરિણામે ક્રેટિનિઝમના ગંભીર કિસ્સા આધુનિક યુગમાં ભાગ્યે જ જોવા મળે છે.
બિપીનચંદ્ર મગનલાલ કૉન્ટ્રાક્ટર