ક્રૅસ્પી પરિવાર : [ક્રૅસ્પી, જિયોવાની બાતિસ્તા (Crespi, Giovanni Battista) (જ. 1567 સેરાનો, નોવારા નજીક, ઇટાલી; અ. 23 ઑક્ટોબર 1632, મિલાન, ઇટાલી); ક્રૅસ્પી, ડેનિયાલે (Crespi, Deniale) (જ. આશરે 1598, બૂસ્તો આર્સિત્ઝિયો, ઇટાલી; અ. 1630, મિલાન, ઇટાલી); ક્રૅસ્પી, જુસેપે મારિયા (Crespi Giuseppe Maria) (જ. 16 માર્ચ 1665, બોલોન્યા, ઇટાલી; અ. 16 જુલાઈ 1774, બોલાન્યા, ઇટાલી)] : ઇટાલિયન બરોક ચિત્રકાર-પરિવાર.
ચિત્રકાર ગોદેન્ઝિયો ફેરારી હેઠળ જિયોવાનીએ ચિત્રકલાની તાલીમ લીધેલી. 1586માં જિયોવાની રોમ ગયો. અહીં કાર્ડિનલ ફેદેરિગો બોરોમિયો તેનો મિત્ર અને ગ્રાહક બન્યો. એની સાથે જિયોવાની મિલાન ગયો. મિલાનમાં આછા, ફિક્કા છતાં મધુર રંગોથી તેણે ચિત્રો ચીતર્યાં. તે માનવ-આકૃતિઓને સ્વાભાવિક વાસ્તવિક શૈલીમાં આલેખતો. વળી સાથે સાથે એનાં ચિત્રો તીવ્ર વેદનાપૂર્ણ, (agonised) આધ્યાત્મિક સ્પંદનો/અનુભૂતિ જગાડવામાં પણ સક્ષમ છે. મિલાનના મિલાન કૅથીડ્રલ માટે તેણે સેંટ ચાર્લ્સ બોરોલોમિયોના જીવનપ્રસંગોનું આલેખન કરતી ચિત્રશ્રેણી ચિત્રિત કરી. મિલાનના સેંટ માર્કો ચર્ચ માટે ચિત્ર ‘બૅપ્ટિઝમ ઑવ્ સેંટ ઑગસ્ટાઇન’ તથા વારિસેની સેંટ વિત્તોરે બસિલિકા માટે ચિત્ર ‘માસ ઑવ્ સેંટ ગ્રેગોરી’ ચિત્રિત કર્યાં. સહેલાઈથી સ્પર્શી જાય તેવી માનવીય સંવેદના તેના ધાર્મિક પ્રસંગોનાં ચિત્રોમાં જોવા મળે છે. મિલાનમાં તેણે ચીતરેલું ચિત્ર ‘ધ મેડૉના ઑવ્ ધ રોઝરી’ તેની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. એ લેખક અને સ્થપતિ પણ હતો.
ચિત્રકાર જુલિયો સિસારે પ્રોચાચિની હેઠળ ડેનિયાલે ચિત્રકલા શીખેલો; છતાં ચિત્રકાર જિયોવાની ક્રેસ્પીથી ડેનિયાલે પ્રભાવિત હતો. એનું શ્રેષ્ઠ ચિત્ર ગણાય છે : ‘સેંટ ચાર્લ્સ બોરોમિયો ઍટ સપર’.
જુસેપે રોજિંદા જીવનનાં ર્દશ્યો અને ખ્રિસ્તી ધાર્મિક પ્રસંગોના આલેખન માટે જાણીતો છે. ઘણી બધી બારીક સંકુલ રૂઢિઓ ઉવેખીને તેણે સરળ છતાં ભાવવાહી ચિત્રો ચીતરેલાં. બોલોન્યામાં ચિત્રકારો કાર્લો ચિન્યાની તથા ડૉમેનિકો મારિયા યાનુતી હેઠળ તે ચિત્રકલા શીખેલો. વેનિસની મુલાકાત લીધા પછી તેનાં ચિત્રોમાં ખુલ્લા વાતાવરણે મહત્વનું સ્થાન લીધું. એ વ્યક્તિચિત્રણામાં પણ પાવરધો હતો. ‘ધ ફલી’ અને ‘સેંટ જિયોવાની નોપોમુચેનો’ એનાં શ્રેષ્ઠ ચિત્રો ગણાય છે. વેનિસના ચિત્રકારો જિયોવાની બાતિસ્તા પિયાત્ઝેતા તથા પિયેત્રો લોન્ઘી પર તેની અસર છે.
અમિતાભ મડિયા