ક્રૅગ, એડવર્ડ ગૉર્ડન (જ. 16 જાન્યુઆરી 1872, સ્ટીવનેજ, હર્ટફોર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 જુલાઈ 1966, વેનિસ, ફ્રાંસ) : બ્રિટનના વિખ્યાત રંગભૂમિ-દિગ્દર્શક, સ્ટેજ-ડિઝાઇનર અને નાટ્યશાસ્ત્રના તત્ત્વજ્ઞ. પ્રારંભિક તાલીમ મેળવી હૅન્રી ઇર્વિગ પાસેથી. 1897માં લાઇસિયમ થિયેટર છોડ્યું તે પહેલાં અગ્રણી યુવાન અભિનેતા તરીકેની તેમની પ્રતિષ્ઠા બંધાઈ ચૂકી હતી. હ્યૂબર્ટ વૉન હરકૉમર તથા પ્રતીકવાદીઓની શૈલીના પ્રભાવ નીચે તેમણે કેટલીક રચનાઓનું દિગ્દર્શન તથા ડિઝાઇનકામ સંભાળ્યું; આ કૃતિઓમાં ઑપેરા (‘ડાઇડો ઍન્ડ ઇનિયૅસ’ 1900; ‘ધ માસ્ક ઑવ્ લવ’ 1901 વગેરે), ઈશુના જન્મોત્સવનું નાટક (‘બેથ્લેહેમ’ 1902) તથા ઇબ્સનકૃત ‘ધ વાઇકિંગ’ (1903) જેવી ભિન્ન ભિન્ન પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. આ બધા નાટ્યપ્રયોગો ખૂબ વખણાયા પણ આવકની દૃષ્ટિએ નિષ્ફળ નીવડ્યા. ત્યાર પછી તે જર્મની ગયા. ત્યાં કેટલાક નાટ્યપ્રયોગો માટે તેમણે ડિઝાઇનકામ કર્યું અને ઇસાડોરા ડંકન સાથેના સહયોગનો ત્યાં જ પ્રારંભ થયો.

એડવર્ડ ગૉર્ડન ક્રૅગ

1905માં તેમણે ‘ધી આઇ ઑવ્ ધ થિયેટર’ નામનો સૌપ્રથમ નિબંધ પ્રગટ કર્યો. ખૂબ ખ્યાતિ પામેલા આ નિબંધમાં તેમણે અ-પ્રકૃતિવાદી (non-naturalistic) અભિગમ અપનાવ્યો છે જેથી થિયેટર પણ સંગીત કે કવિતા જેવો જ સુંદરતાલક્ષી કલાપ્રકાર બની શકે. રંગભૂમિજગતમાં દિગ્દર્શકનું સ્થાન સર્વોચ્ચ હોવું અને રહેવું જોઈએ એવું પણ આ નિબંધમાં તેમણે દૃઢ મંતવ્ય વ્યક્ત કર્યું. ત્યાર બાદ તેમણે ઇંગ્લૅન્ડ માટે રાષ્ટ્રીય રંગમંચનો પ્રસ્તાવ રજૂ કર્યો. એ પ્રસ્તાવમાં તેમણે પરંપરાગત અભિનયશૈલીની આકરી ટીકા કરી માનવ-અભિનય(human performance)નું તત્ત્વ દૂર કરવાનો આગ્રહ રાખ્યો. આ નિબંધ ‘ધ માસ્ક’ના પ્રથમ અંકમાં પ્રગટ થયો હતો. હકીકતમાં 1908થી 1929 સુધી આ ત્રિમાસિકનું ક્રૅગે એકલે હાથે સંપાદન અને પ્રકાશનકાર્ય સંભાળ્યું હતું; રંગભૂમિના ઇતિહાસનાં તમામ પાસાં અને સઘળી હકીકતોને આવરી લેતા લેખો લખવા તેમણે લગભગ 30 જેટલાં તખલ્લુસ ધારણ કર્યાં હતાં. આ વિવિધ તત્ત્વચર્ચા દરમિયાન તેમણે ઍબ્સ્ટ્રૅક્ટ તથા રિચ્યૂઅલિસ્ટિક થિયેટરનો આગ્રહ રાખ્યો છે જેથી ગ્રીસની પ્રશિષ્ટ ટ્રૅજેડી કે જાપાનના નોહ-શૈલીના નાટ્યપ્રકાર જેવી અર્થગંભીરતા તેમાં પ્રગટી શકે અને નાટકના કેવળ સાહિત્યિક તત્ત્વ તથા વાસ્તવવાદનો તે સબળ પ્રતિકાર કરી શકે. તેમણે કલ્પેલા અભિનવ નાટ્યની આધારભૂમિકા તરીકે પ્રકાશ-આયોજન અને લયબદ્ધ અભિનયચેષ્ટાને મહત્ત્વ આપ્યું છે. આ માટે તેમણે મોકળાશભરી રંગભૂમિની જરૂરત પણ સ્વીકારી છે જેથી નાટ્યપ્રયોગ દરમિયાન સ્થાપત્યલક્ષી આકારોનું અપાર વૈવિધ્ય સર્જી શકાય. 1913માં તેમણે ફ્લૉરેન્સમાં રંગભૂમિની શિક્ષણસંસ્થા શરૂ કરી અને દૃશ્યરચનાને સ્થાને ખસેડી શકાય તેવા પડદા(movable screen)ની શોધ કરી. આ પડદાનો ડબ્લ્યૂ. બી. યીટ્સે તેમજ ક્રૅગે પોતે 1912માં ‘હૅમ્લેટ’ જેવા પ્રખ્યાત નાટ્યપ્રયોગમાં ઉપયોગ કર્યો હતો. તેમનાં લખાણોની મૌલિકતા, વિચારોની દૂરંદેશિતા તથા તેમની ડિઝાઇન-યોજનાની કલ્પનાપ્રચુરતાનો વીસમી સદીની રંગભૂમિ પર ચિરસ્થાયી પ્રભાવ રહ્યો છે.

ગોવર્ધન પંચાલ