ક્રૅંક : યાંત્રિક બંધતા (linkage) અથવા યંત્રરચના(mechanism)માં પરિભ્રમણકેન્દ્ર(centre-of-rotation)ની આજુબાજુ ઘૂમતી કડી (link). ક્રૅંકનું પરિભ્રમણકેન્દ્ર સામાન્યત: ક્રૅંકશાફ્ટની અક્ષ (axis) હોય છે. ક્રૅંક તેના કેન્દ્રની આસપાસ સંપૂર્ણ પરિભ્રમણ (360°) કરી શકે તેવી રીતે ગોઠવેલી હોય છે [જુઓ આકૃતિ (અ)], તો કેટલીક ડિઝાઇનમાં તે ફક્ત દોલિત (oscillate) અથવા ત્રુટક (intermittent) ગતિ કરે છે. બેલક્રૅંક સામાન્યત: ગતિની દિશા બદલવા માટે વપરાય છે. [જુઓ આકૃતિ (આ).]

ક્રૅંક : (અ) ભ્રમણત્રિજ્યા; (આ) સ્થાનાન્તરણની દિશા બદલવા માટેની ક્રૅંકો
વ્હીલ બાદ ક્રૅંક, ગતિનું સંચારણ કરવા માટેનો અગત્યનો ભાગ છે. સંયોજી દંડ (connecting rod) સાથેનું તેનું જોડાણ રેખીય (linear) ગતિનું પરિભ્રામી (rotary) ગતિમાં અને પરિભ્રામી ગતિનું રેખીય ગતિમાં રૂપાંતર કરે છે. ક્રૅંકનો પ્રથમ વાર ઉપયોગ વર્ષો પૂર્વે ચીનમાં થયો હતો.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ