ક્રિસ્ટ્મસ ટાપુ : હિંદી મહાસાગરમાં દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને જાવા વચ્ચે જાવાથી 360 કિમી. અંતરે 105° દ. અ. અને 40° પૂ. રે. પર આવેલો ટાપુ. જ્વાળામુખીને કારણે બનેલા આ ટાપુનું ક્ષેત્રફળ 135 ચોકિમી. છે. 6-6-1888ના રોજ તેને ગ્રેટ બ્રિટને ખાલસા કરેલો. તેનો વહીવટ સિંગાપોર સંભાળતું હતું. 1942 અને 1945માં તેના પર જાપાનનું પ્રભુત્વ હતું. પહેલી ઑક્ટોબર, 1958થી તે ઑસ્ટ્રેલિયા નીચે મુકાયો છે. 1984માં તેને મતાધિકાર પ્રાપ્ત થયો. અહીં પ્રવાસન- ઉદ્યોગનો વિકાસ કરવામાં આવ્યો છે. વસ્તી : 2,500 (1994). આ નામના ટાપુઓ મધ્ય પૅસિફિક મહાસાગરમાં પણ આવેલા છે. જે હવે કીરીતીમાતી અથવા કીરીબતી નામથી ઓળખાય છે. જુઓ કીરીબતી.
શિવપ્રસાદ રાજગોર