ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત
પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને ઉદ્દેશીને લખાતાં લખાણોને કારણે તેનો 1,20,000 જેટલો ફેલાવો હતો. 1940થી 1964 સુધી મૅનેજિંગ તંત્રી અને તંત્રી તરીકે રહેલા ઇર્વિન ડી. કૅનહામને કારણે આ પત્રને વિશ્વવ્યાપી પ્રતિષ્ઠા મળી. આમાં લેખકો અને તંત્રીઓની પસંદગી ઘણી સંભાળપૂર્વક કરવામાં આવતી.
1965માં અને એ પછી 1975માં આ અખબારે પોતાનું સ્વરૂપ (format) બદલ્યું. દારૂ, તમાકુ કે ચલચિત્રોની જાહેરખબરનો અસ્વીકાર કરનારું આ દૈનિક એક સમયે શિકાગો, લૉસ ઍન્જિલીઝ અને ન્યૂ જર્સીથી પણ આવૃત્તિ પ્રગટ કરતું હતું. કોઈ પણ અખબારના હેવાલનો હવાલો સૌથી વધુ ટાંકવામાં આવતો હોય તો તે ‘ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર’નો છે. લે-આઉટ અને ટાઇપોગ્રાફી માટે ઍવૉર્ડ મેળવનારા આ દૈનિક પત્રનો નિશાળો અને યુનિવર્સિટીઓમાં વ્યાપક પ્રચાર થયો. એ રીતે બૉસ્ટનના આ અખબારે અર્થપૂર્ણ ભાત ઉપસાવી છે.
પ્રીતિ શાહ