ક્રિકેટ : લોકપ્રિય આંતરરાષ્ટ્રીય રમત. ક્રિકેટની રમતમાં બે ટીમ મેદાન પર બૅટ અને દડાથી ખેલતી હોય છે. દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે અને ક્રિકેટનું મેદાન 122થી 152 મી. લાંબું અને ઓછામાં ઓછું 68 મી. પહોળું હોય છે. બંને બૉલિંગ ક્રીસની વચ્ચે આવેલા રમવાના મેદાનને પિચ કહે છે. મેદાનની પિચ 20 મી. લાંબી અને 3 મી. પહોળી હોય છે. વિકેટના કેન્દ્રથી બંને બાજુ 0.859 મીટર પહોળી હોવી જોઈએ. રમતની શરૂઆતમાં સિક્કો ઉછાળીને કઈ ટીમ બૅટિંગ કરે કે કઈ ટીમ ફીલ્ડિંગ કરે તે સિક્કો જીતનારો સુકાની નક્કી કરતો હોય છે. બે છેડે ત્રણ સ્ટમ્પવાળી વિકેટ પર ચકલીઓ હોય છે. આ સ્ટમ્પ 71.1 સેમી. (28 ઇંચ) ઊંચા હોય છે અને તેના પરની ચકલીઓ 11.1 સેમી. (4.4 ઇંચ) લાંબી હોય છે. બૅટ્સમૅન સામે છેડેથી ગોલંદાજી કરતા ગોલંદાજના દડાને વિકેટની ચારે બાજુ ફટકારી શકે છે. આ વિકેટનું બૅટ્સમૅન રક્ષણ કરતો હોય છે અને દડો ફટકારીને રન લે છે. દડો બાઉન્ડ્રી પાર કરે તો ચાર રન અને એક પણ ટપ પાડ્યા વિના બાઉન્ડ્રી પાર કરે તો છ રન ગણાય છે. ગોલંદાજ બૉલિંગ ક્રીસ પાસેથી દડો નાખે છે. છ દડાની એક ઓવર હોય છે. એક ઓવરને અંતે બીજા છેડેથી બીજો ગોલંદાજ બીજી ઓવર નાખતો હોય છે. આમાં બે અમ્પાયરો ક્રિકેટના કાયદા મુજબ નિર્ણય જાહેર કરતા હોય છે. એક દિવસની મૅચમાં દરેક ટીમને એક દાવ મળતો હોય છે. જ્યારે અન્ય મૅચો કે ટેસ્ટમૅચમાં દરેક ટીમને બે વાર દાવ મળતો હોય છે. ટેસ્ટમૅચની અવધિ વધુમાં વધુ પાંચ દિવસની હોય છે.
કેટલાક ઇતિહાસકારો માને છે કે ક્રિકેટની રમત ફ્રાન્સમાં જન્મી હતી અને ક્રિકેટ શબ્દ ‘croquet’ પરથી ઊતરી આવ્યો છે, કેમ કે ક્રોકિ નામની રમત ફ્રાન્સમાં પ્રચલિત હતી.
કેટલાક ઇતિહાસકારોની માન્યતા મુજબ ક્રિકેટ શબ્દ ‘cricc’ એટલે કે ભરવાડની લાકડી શબ્દ પરથી ઊતરી આવ્યો છે. ઇંગ્લૅન્ડમાં એ સમયે ઘેટાંબકરાં ચરાવવા જતા ભરવાડો સીમમાં પોતાની લાકડીથી ચીંથરાના દડાને ફટકારવાની રમત રમતા હતા. આ ‘ક્રિક’ શબ્દના પ્રયોગથી અનુમાન બંધાય છે કે આ રમત 1300ની સાલમાં અસ્તિત્વમાં હતી. 1550માં ગિલ્ડફર્ડ ખાતે ધ ફ્રી સ્કૂલમાં ક્રિકેટની રમત રમાઈ હતી. 1595ના જી. ફલોરિયોના ઇટાલિયન-અંગ્રેજી શબ્દકોશમાં ‘ક્રિકેટ’ શબ્દનો ઉલ્લેખ છે. મૅચ વિશેની નોંધ 1712માં સાંપડી. 1727માં રિચમંડના ડ્યૂક બીજા અને પીયરહેરોના મિ. બ્રોડ્રિકની બે ટીમો વચ્ચે મૅચ યોજવાના કરાર થયા.
18 જૂન, 1744ના રોજ ફિન્સબરી ખાતે આર્ટિલરી મેદાન પર કૅન્ટ તથા ઑલ ઇંગ્લૅન્ડ વચ્ચે મોટી મૅચ રમાઈ હતી. એ જ વર્ષે લંડન ક્લબે ક્રિકેટની રમત માટે પ્રથમ કાયદાકાનૂનો ઘડ્યા, જે સર્વમાન્ય થયા.
1787માં થૉમસ લૉર્ડ્ઝના પ્રથમ મેદાન પર મિડલસેક્સ તથા ઇસેક્સ વચ્ચે પ્રથમ ક્રિકેટ મૅચ રમાઈ અને એ જ વર્ષે વ્હાઇટ કૉન્ડ્યુટ ક્લબના સભ્યો દ્વારા એમ.સી.સી.(મેલબૉર્ન ક્રિકેટ ક્લબ)ની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ ક્રિકેટની રમતનું સર્વ સંચાલન એમ.સી.સી.એ હાથ ધર્યું.
શરૂઆતમાં વિકેટ 1.83 મીટર પહોળી અને ફક્ત 15.24 સેમી. ઊંચી હતી એટલે બૅટ નીચેથી વળાંકવાળું મોટું અને વજનદાર હતું.
ઇંગ્લૅન્ડમાં એ સમયે અંડર આર્મ ગોલંદાજી અમલી હતી એટલે કે નીચા હાથે ગોલંદાજી કરાતી. આ સમયમાં મહિલાઓ પણ ક્રિકેટ રમતી. 1820માં ક્રિકેટની રમતમાં મહત્વપૂર્ણ ઘટના બની. કુમારી વિલેસ નામની એક મહિલા તેના ભાઈ સામે ગોલંદાજી કરતી હતી અને તેનો હાથ વારંવાર તેના સ્કર્ટને અથડાતાં તેણે હાથ ઊંચો કરી ઘુમાવી દડો નાખ્યો, જેને ઓવરહૅન્ડ ગોલંદાજી કહેવાઈ. પછી આ પ્રથા પ્રચલિત બની ગઈ. 1864માં ઓવરહૅન્ડ ગોલંદાજીને સંપૂર્ણ માન્યતા મળી ગઈ. સમયાંતરે વિકેટમાં તથા બૅટના આકારમાં ફેરફાર થયા. ગોળાકાર દડો ઉપયોગમાં લેવાતો થયો. ખેલાડીઓના હાથ-પગ તથા માથાના રક્ષણ માટેનાં આવરણો ઉપયોગમાં આવ્યાં.
1865માં લૉર્ડ્ઝના મેદાન પર સૌપ્રથમ વાર ‘નેટ પ્રૅક્ટિસ’નો પ્રારંભ થયો.
ઇંગ્લૅન્ડના ડૉ. ડબ્લ્યૂ. જી. ગ્રેસે 1873માં ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ મોસમમાં 1,000 રન અને 100 વિકેટોની બેવડી સિદ્ધિ સૌપ્રથમ નોંધાવવાનું માન મેળવ્યું.
1877નું વર્ષ ક્રિકેટ જગતમાં સીમાચિહ્ન બની ગયું. એ વરસે ઑસ્ટ્રેલિયામાં મેલબૉર્ન ખાતે મેલબૉર્ન ક્રિકેટ મેદાન પર ઑસ્ટ્રેલિયા–ઇંગ્લૅન્ડ વચ્ચે સૌપ્રથમ પાંચ દિવસની સત્તાવાર ક્રિકેટ મૅચ રમાઈ. આ મૅચની દરેક ઓવર આઠ દડાની હતી. ઑસ્ટ્રેલિયાના ચાર્લ્સ બૅનરમૅને વિશ્વની આ સૌપ્રથમ પાંચ દિવસની મૅચમાં પ્રથમ સદી (અણનમ 165) ફટકારવાનું માન મેળવ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ આ મૅચ 45 રને જીતી લીધી હતી. આ મૅચ પાંચ દિવસની હોવાથી અને આંતરરાષ્ટ્રીય હોવાથી ‘ટેસ્ટ મૅચ’ તરીકે ઓળખાઈ અને પાંચ દિવસની સત્તાવાર આંતરરાષ્ટ્રીય મૅચ માટે ટેસ્ટ શબ્દ અમલી બન્યો.
1882માં ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટશ્રેણી દરમિયાન ઍશિઝ શબ્દનો ઉદભવ થયો. 29 ઑગસ્ટ, 1882ના રોજ ઓવલના મેદાન પર ઑસ્ટ્રેલિયાનો ઇંગ્લૅન્ડ સામે ભવ્ય વિજય નોંધાતાં વિજેતા ઑસ્ટ્રેલિયા ટીમે ઇંગ્લૅન્ડના ક્રિકેટના મૃત્યુ સમી એ મૅચમાં વપરાયેલા એક સ્ટમ્પને બાળીને તેની રાખ એક વાસણમાં ભરી દીધી હતી જે ‘ઍશિઝ’ તરીકે ઓળખાઈ. 1882ના શિયાળામાં ઇંગ્લિશ ક્રિકેટ ટીમે જ્યારે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો ત્યારે ઇંગ્લૅન્ડના કપ્તાન ઇવો બ્લીધને એ જ ‘ઍશિઝ’ એનાયત થઈ હતી. આ ‘ઍશિઝ’ ધરાવતું પાત્ર (cup) આજે લૉર્ડ્ઝ ખાતે ઇમ્પીરિયલ ક્રિકેટ મેમૉરિયલ મ્યુઝિયમમાં સંગ્રહાયેલું છે.
1890માં દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ઍસોસિયેશન અને 1894માં ન્યૂઝીલૅન્ડ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના થઈ. 1898માં ઇંગ્લૅન્ડમાં ક્રિકેટના વ્યવસ્થિત સંચાલન માટે ટેસ્ટ તથા કાઉન્ટી ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની સ્થાપના થઈ. 1905માં ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની સ્થાપના થઈ.
1909માં ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના સંયુક્ત પ્રયાસોથી ઇમ્પીરિયલ ક્રિકેટ કૉન્ફરન્સની સ્થાપના થઈ.
1912માં ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકા – એ ત્રણ દેશો વચ્ચેની સૌપ્રથમ વાર ‘ત્રિકોણી ટેસ્ટ શ્રેણી’ યોજવામાં આવી હતી.
ભારતમાં ક્રિકેટની શરૂઆત 1721માં ખંભાત બંદરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ખલાસીઓએ કરી હતી. 1792માં કોલકાતામાં સૌપ્રથમ કોલકાતા ક્રિકેટ ક્લબની સ્થાપના થઈ હતી. 1804માં ભારતમાં રમાયેલી ઓલ્ડ ઇસ્ટોનિયન્સ અને શેષ વચ્ચેની મૅચમાં રૉબર્ટ વેન્સિટર્ટ નામના અંગ્રેજ ક્રિકેટરે સૌપ્રથમ સદી ફટકારી હતી. 1886માં ભારતની પારસી ટીમે સૌપ્રથમ વાર ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો, જ્યારે 1889માં ઇંગ્લિશ ટીમે સૌપ્રથમ વાર ભારતનો પ્રવાસ ખેડ્યો હતો.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે 1932માં લૉર્ડ્ઝના મેદાન પર ટેસ્ટ મૅચ રમાયેલી. આ મૅચ દ્વારા ભારતે ટેસ્ટ મૅચો રમવાનો પ્રારંભ કરેલો. ભારતીય ટીમના કપ્તાન હતા કર્નલ સી. કે. નાયડુ.
1965માં ઇમ્પીરિયલ ક્રિકેટ કૉન્ફરન્સનું નામ બદલીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કૉન્ફરન્સ રાખવામાં આવ્યું, જેનું ટૂંકું નામ છે આઇ.સી.સી.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કૉન્ફરન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ તરીકે પણ ઓળખાય છે. હાલમાં આ સંસ્થાનાં નવ જેટલા દેશો – ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝીલૅન્ડ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સંપૂર્ણ સભ્યો છે જ્યારે બાંગ્લાદેશ, હૉંગકૉંગ, કૅનેડા, પૂર્વ આફ્રિકા, ફિજી વગેરે સંલગ્ન સભ્યો છે.
દક્ષિણ આફ્રિકાને રંગભેદની નીતિના કારણે 1970માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કૉન્ફરન્સના પૂર્ણ સભ્યપદેથી દૂર કરવામાં આવ્યું હતું. 1991માં આઇ.સી.સી. દ્વારા તેને ફરી માન્યતા આપવામાં આવી છે.
1970માં મેલબૉર્ન ખાતે ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મર્યાદિત ઓવરની એક દિવસની ક્રિકેટ મૅચ રમાઈ હતી અને ત્યારથી વિશ્વમાં એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રચલિત બની જે પછી ખૂબ જ લોકપ્રિય બની છે.
1975માં ઇંગ્લૅન્ડમાં ‘પ્રૂડેન્શિયલ કપ’ માટે આઠ દેશો વચ્ચેની એકદિવસીય આંતરરાષ્ટ્રીય વિશ્વકપ ક્રિકેટસ્પર્ધા યોજાઈ. 1979માં અને 1983માં પણ ઇંગ્લૅન્ડમાં જ આ વિશ્વકપ ક્રિકેટસ્પર્ધા યોજાઈ હતી. 1983માં કપિલદેવના નેતૃત્વ હેઠળ ભારતે અંતિમ મૅચમાં વેસ્ટ ઇન્ડિઝને પરાસ્ત કરીને પ્રૂડેન્શિયલ વિશ્વકપ જીતી લીધો હતો. 1987માં ભારત-પાકિસ્તાનના સંયુક્ત ઉપક્રમે એ બંને દેશોમાં રિલાયન્સ કપ વિશ્વ ક્રિકેટસ્પર્ધા યોજાઈ હતી, જ્યારે 1992માં ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડના સંયુક્ત ઉપક્રમે બેન્સન-હેજીસ કપ માટે પાંચમી વિશ્વકપ ક્રિકેટસ્પર્ધા યોજાઈ હતી. એકદિવસીય ક્રિકેટની સફળતાના પગલે પગલે શારજાહમાં પણ 1984થી બે કે વધુ દેશો વચ્ચે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટસ્પર્ધા રમાતી થઈ. એશિયાના દેશો વચ્ચે એશિયા કપ માટે આંતરરાષ્ટ્રીય એકદિવસીય ક્રિકેટસ્પર્ધા યોજાતી થઈ. વર્ષ 2007માં વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલ એકદિવસીય વિશ્વકપ-સ્પર્ધામાં ભારતને બાંગ્લાદેશ જેવી ‘સામાન્ય’ ગણાતી ટીમ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વિશ્વકપ-સ્પર્ધામાં અગાઉના વિશ્વકપ-ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ ફરીવાર વિશ્વકપ જીત્યો હતો અને વિશ્વની એક પ્રોફેશનલ ટીમ તરીકે પોતાની નામના ટકાવી રાખી હતી.
116 વર્ષના સત્તાવાર ક્રિકેટના ઇતિહાસમાં ઘણા ફેરફારો થયા છે અને 1978-79માં કૅરી પૅકરની સુપર વન-ડે સિરીઝ મૅચોનું ટી.વી. પર ચૅનલ-9 દ્વારા અદભુત જીવંત પ્રસારણ કરીને ક્રિકેટના ઇતિહાસમાં નવી ક્ષિતિજો ખોલી. ક્રિકેટમાં રંગીન પોશાક આવ્યો. સ્ટમ્પ નીચે માઇક રાખીને દડાના અને ખેલાડીના અવાજો પ્રસારણમાં ઝિલાવા લાગ્યા. રાત્રે ઝળહળતી લાઇટ વચ્ચે સફેદ દડા સાથે મૅચ ખેલાવા લાગી. ક્રિકેટનું વ્યવસાયીકરણ થયું. બે દેશો વચ્ચેની મૅચમાં ત્રીજા દેશના અમ્પાયરને રાખવાની પ્રથા શરૂ થઈ. બે અમ્પાયરને નિર્ણયમાં મુશ્કેલી લાગે તો પૅવેલિયનમાં રમતનો રી-પ્લે જોઈને નિર્ણય આપતા ત્રીજા અમ્પાયરની વ્યવસ્થા થઈ. ટેસ્ટ-ક્રિકેટને બદલે વન-ડે ક્રિકેટ વધુ લોકપ્રિય બની રહી.
છેલ્લા લગભગ સાડા ત્રણ દાયકા(1975-2007)નો ઇતિહાસ તપાસતાં જાણવા મળે છે કે એક જમાનામાં જે રમત માત્ર રાષ્ટ્રકુટુંબના સભ્ય દેશો વચ્ચે જ લોકપ્રિય હતી તે હવે અન્ય અનેક દેશોમાં પણ લોકપ્રિય બનતી જાય છે. આ નવી ટીમોમાં બાંગ્લાદેશ ઉપરાંત ઝિમ્બાબ્વે, આયર્લૅન્ડ, કૅન્યા તથા કૅનેડા જેવા દેશો પણ વિશ્વસ્તર પર આ રમત રમતા થયા છે. તે ઉપરાંત વિશ્વ ક્રિકેટ સ્પર્ધાઓમાં પોતાની ટીમો સારો દેખાવો કરી શકે તે માટે કેટલાક દેશોએ ‘કોચ’ નીમવાની પ્રથા પણ દાખલ કરી છે; દા.ત., ભારતે ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ખેલાડી ગ્રેગ ચૅપલની સેવાઓ પ્રાપ્ત કરી હતી તો પાકિસ્તાને બૉબ વૂલ્મરની પોતાની ટીમના કોચ તરીકે પસંદગી કરી હતી. વર્ષ 2007ની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં પાકિસ્તાનના અત્યંત કંગાળ દેખાવ પછી જે દિવસે તે વિશ્વકપની સ્પર્ધાઓમાંથી ફેંકાઈ ગઈ તે જ દિવસે બૉબ વૂલ્મરનું વેસ્ટ ઇન્ડિઝ ખાતે અવસાન થયું હતું. તેના પગલે ભારતીય ટીમના કોચ ગ્રેગ ચૅપલે ટીમ સાથે ભારત પાછા આવ્યા બાદ પોતાના હોદ્દાનું રાજીનામું આપ્યું હતું. વર્ષ 2007માં વિશ્વસ્તર પર 20-20 ઓવર્સની મૅચોની નવી પ્રથા દાખલ કરવામાં આવી છે. આમ, પાંચ દિવસની ‘ટેસ્ટ’, પચાસ ઓવરની એકદિવસીય સ્પર્ધા અને હવે તો 20-20 ઓવર્સની મૅચો – આ ત્રણ પ્રકારની સ્પર્ધાઓ યોજાતી હોય છે. ત્રિકોણિયા જંગની સ્પર્ધાઓ અલાયદી છે, જે કોકાકોલા જેવી મોટી કંપનીઓ દ્વારા પ્રયોજવામાં આવતી હોય છે. જ્યાં સુધી ભારતની ટીમના દેખાવાનો સવાલ છે, 1983માં જે ટીમે વિશ્વકપ સ્પર્ધા જીતીને પ્રૂડેન્શિયલ કપ કબજે કર્યો હતો તે ટીમમાં તે પછીના ગાળામાં સતત ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે અને ભારતીય ટીમની વિશ્વાસપાત્રતાને આંચ આવી છે. અલબત્ત, આ ગાળામાં ત્રણ ભારતીય ક્રિકેટરોએ ઘણા વ્યક્તિગત વિક્રમો સ્થાપ્યા હતા. આ ત્રણ ખેલાડીઓમાં ઑલરોઉન્ડર કપિલદેવ અને બૅટ્સમૅન સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકરનાં નામ મોખરે છે. સુનીલ ગાવસ્કરે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ દિગ્ગજ બ્રેડસનનો સર્વાધિક શતકનો વિક્રમ તોડ્યા પછી સચિન તેંડુલકરે ગાવસ્કરનો તે અંગેનો વિક્રમ પાર કરી વિશ્વમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેંડુલકર માત્ર ભારતના ક્રિકેટ-ઇતિહાસમાં જ નહિ, પરંતુ વિશ્વના ક્રિકેટ-ઇતિહાસમાં નોંધાયા છે. ઉપરાંત, એક વિશ્વાસપાત્ર બૅટ્સમૅન તરીકે અને એક સારા સુકાની તરીકે રાહુલ દ્રવિડની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની પાંચદિવસીય ટેસ્ટ મૅચોમાં અને એકદિવસીય મૅચોમાં એક જમાનામાં ભારત કરતાં પાકિસ્તાનની ટીમ ચઢિયાતી ગણાતી હતી. વર્ષ 2003માં સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે પાંચદિવસીય ટેસ્ટ મૅચો અને એકદિવસીય મૅચો બંનેમાં પાકિસ્તાનને હાર આપી બંને શૃંખલાઓ એક જ પ્રવાસમાં જીતવાનો વિક્રમ નોંધાયો હતો અને ત્યારથી પાકિસ્તાનની ટીમ કરતાં ભારતીય ટીમનું સ્થાન વધારે ચઢિયાતું ગણવામાં આવે છે. ભારતીય બૉલરોમાં છેલ્લા એક દાયકામાં અનિલ કુંબલેએ સર્વાધિક વિકેટો (604 વિકેટો) લેવાનો વિક્રમ નોંધાવ્યો છે.
વર્ષ 2008ના જાન્યુઆરી માસ સુધી ક્રિકેટની રમતમાં વૈશ્વિક સ્તર પર જે ચાર ખેલાડીઓનાં નામ મોખરે છે તેમાં ભારતના સચિન તેંડુલકર (કુલ ટેસ્ટ સદી 39, ટેસ્ટ મૅચોમાં રનસંખ્યા 11,782 અને એકદિવસીય મૅચોમાં 16,007), ઑસ્ટ્રેલિયાના શેન વૉર્ન (કુલ વિકેટો 708 ટેસ્ટ મૅચોમાં, એકદિવસીય મૅચોમાં 293 વિકેટો), વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારા (પાંચદિવસીય ટેસ્ટ મૅચોમાં 11,953 રન અને એકદિવસીય મૅચોમાં 10,405 રન) તથા શ્રીલંકાના ગેંદબાજ મુથૈયા મુરલીધરન (પાંચદિવસીય ટેસ્ટ મૅચોમાં 723 વિકેટો અને એકદિવસીય મૅચોમાં 455 વિકેટો) આ ચાર નામોનો સમાવેશ થાય છે. સર્વાધિક ટેસ્ટ મૅચો રમવાનો વિક્રમ પણ તેંડુલકર ધરાવે છે (એપ્રિલ 2007 સુધી 137 મૅચો).
તાજેતરના દાયકા દરમિયાન ક્રિકેટની રમતમાં ‘મૅચ-ફિક્સિગં’ની બદી દાખલ થઈ છે જેમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ સુકાની હૅન્સી ક્રોન્જે સંડોવાયેલા હતા એ સાબિત થયું છે.
વર્ષ 2007થી દાખલ કરવામાં આવેલી અને 20-20 નામથી ઓળખાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટસ્પર્ધાની પ્રથમ શૃંખલામાં ભારતની ‘ટીમ ઇન્ડિયા’ નામથી જાણીતી બનેલી ટીમે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ નગરમાં યોજાયેલ ફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ટીમને પરાસ્ત કરી એક અત્યંત રોમાંચક મૅચમાં વિશ્વવિજેતાપદ હાંસલ કર્યું છે. મહેન્દ્રસિંગ ધોની આ ટીમના સુકાની હતા.
ડિસેમ્બર 2007માં ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે દક્ષિણ આફ્રિકાના ગૅરી ક્રિસ્ટનની પસંદગી થઈ છે.
આણંદજી ડોસા
જગદીશ બિનીવાલે
બાળકૃષ્ણ માધવરાવ મૂળે