ક્રાયસોટાઇલ : સર્પેન્ટાઇન ખનિજનો નાજુક, નમનીય અને સહેલાઈથી જુદો પાડી શકાય એવો તંતુમય પ્રકાર. તે ઍસ્બેસ્ટૉસ તરીકે ઔદ્યોગિક ઉપયોગમાં લેવાય છે. તેનો ચળકાટ રેશમી હોય છે અને તે લીલા, પીળા, કથ્થાઈ અને લીલાશ પડતા કે વાદળી ઝાંયવાળા સફેદ રંગોમાં મળે છે. તેની વિશિષ્ટ ઘનતા 2.219 છે.
તે ઑલિવીન, પાયરૉક્સિન કે ઍમ્ફિબોલયુક્ત મૅગ્નેશિયમની ઊંચી માત્રાવાળા પેરિડોટાઇટ અને પિકરાઇટ જેવા અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકોની એક કે બીજા પ્રકારની વિકૃતિના પરિવર્તનરૂપ પેદાશ છે અને જથ્થામય સર્પેન્ટાઇનમાં નાનકડી શિરાઓ રૂપે મળે છે.
ક્રાયસોટાઇલ ઍસ્બેસ્ટૉસનો ઉપયોગ ગરમી સામેની પ્રતિકારશક્તિ તેમજ તેમાંથી દોરા તૈયાર કરી શકવાની સરળતા અને ક્ષમતા ઉપર આધાર રાખે છે. લાંબા તાંતણાવાળી જાતનો ઉપયોગ અગ્નિરોધક કાપડ તેમજ બ્રેકલાઇનિંગમાં થાય છે. ટૂંકા તાંતણાવાળી જાત ઍસ્બેસ્ટૉસનાં પાટિયાં, છાપરાં માટેનાં પતરાં, બૉઇલરનાં આવરણ, અગ્નિરોધક રંગો અને અવરોધક સિમેન્ટના ઉત્પાદનમાં વપરાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે