ક્રાયસોબેરિલ : રા. બં. : BeAl2O4; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્વ.: જાડા, પાતળા, મેજ આકારના, ચપટા, પ્રિઝમ સ્ફટિક; ‘a’ અક્ષને સમાંતર લિસોટાવાળા, સાદી કે ભેદિત યુગ્મતા ધરાવતા તારક આકારમાં કે હૃદય આકારમાં, ષટ્કોણ આકારમાં, યુગ્મસ્ફટિકો; રંગ : પીળો, પીળાશ પડતો કે લીલો, લીલા રંગની વિવિધ ઝાંયવાળો, રાખોડી, કથ્થાઈ, નીલો, નીલમ જેવો લીલો; સં. : (110) સ્વરૂપોને સમાંતર સંભેદ સુવિકસિત, (010) સ્વરૂપોને સમાંતર સંભેદ અપૂર્ણ વિકસિત, (001) સ્વરૂપોને સમાંતર સંભેદ અસ્પષ્ટ; ચ. : કાચમય પારદર્શકથી અર્ધ પારદર્શક; ભં. સ. : વલયાકાર, ખરબચડી; ક. : 8.5; વિ.ઘ. : 3.6થી 3.8 અથવા 3.75 0.10; પ્ર. અચ. : (અ) વક્રી. α = 1.746, β = 1.748, γ = 1.756. (બ) 2V = 70°; પ્ર. સં. : દ્વિઅક્ષી, ધન (+) ; પ્રા. સ્થિ. : ગ્રૅનાઇટ, પેગ્મેટાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાં; નાઇસ, માઇકાશિસ્ટ કે ડૉલોમાઇટયુક્ત આરસપહાણ જેવા વિકૃત ખડકોમાં; કણજન્ય રેતી કે ગ્રૅવલમાં. રત્નપ્રકાર યુરલ, શ્રીલંકા, માડાગાસ્કરમાં મળે છે.

ક્રાયસોબેરિલ રત્ન તરીકે : રત્નોમાં જેની સામાન્યત: માગ રહે છે એવું પારદર્શક અને રેશમી દેખાવવાળું અતિ આકર્ષક કીમતી ખનિજ. 8.5 કઠિનતા ધરાવતું હોઈ ટકાઉ છે અને કાપ્યા પછી ઉત્કૃષ્ટ તેજસ્વિતા પ્રાપ્ત કરી શકતું હોઈ કદરપાત્ર બની રહે છે. સત્તરમીથી અઢારમી સદી દરમિયાન પોર્ટુગલ અને સ્પેનમાં ઝવેરાત માટે તેની ઘણી માગ રહેલી. તેની રંગવિહીન જાત મ્યાનમાર(મોગોક)માંથી ક્યારેક મળી રહે છે. બ્રાઝિલમાંથી આછા પીળા કે પીળા, કથ્થાઈ કે લીલા રંગની વિવિધ ઝાંયવાળી જાતો પણ મળી રહે છે. લોહ અશુદ્ધિને કારણે તે લીલા રંગમાં અને ક્રોમિયમ અશુદ્ધિને કારણે તે આછા ગુલાબી રંગોમાં જોવા મળે છે, જે ઍલેક્ઝાન્ડ્રાઇટને નામે ઓળખાય છે. આ ઉપરાંત કૅટ્સ આઈ એટલે કે લસણિયો નામે ખૂબ જાણીતું ક્રાયસોબેરિલ પણ મળે છે. ક્રાયસોબેરિલ દૂધિયા-પીળાશ પડતા લીલા રંગનું હોય તો તે સાઇમોફેનને નામે ઓળખાય છે. ક્રાયસોબેરિલ બ્રાઝિલ અને મ્યાનમાર ઉપરાંત યુરલ પર્વતો, નૉર્વે, શ્રીલંકા, ટાસ્માનિયા, યુ.એસ.માંથી તેમજ કૅનેડા, આયર્લૅન્ડ, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, ફિનલૅન્ડ, ઝાઇર, રોડેશિયા, જાપાન અને ઑસ્ટ્રેલિયામાંથી પણ ક્યારેક મળી રહે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડ્યા