ક્રાઇસ્ટચર્ચ : ન્યૂઝીલૅન્ડનું બીજા ક્રમનું ઔદ્યોગિક નગર તથા કૅન્ટરબરી પ્રાંતનું પાટનગર. તે 43° 32′ દ. અ. અને 172° 38′ પૂ. રે. ઉપર આવેલું છે. 1848માં સ્થપાયેલ ઍંગ્લિકન ચર્ચ ઍસોસિયેશનના પ્રયત્નથી 1850ના અરસામાં આ નગરની સ્થાપના થઈ હતી. 1850-51માં ત્યાં પ્રવાસીઓનો પહેલો સમૂહ દાખલ થયો હતો અને તેમણે ઊભી કરેલી વસાહતનું મૂળ નામ કૅન્ટરબરી હતું, પરંતુ નગરની સ્થાપનામાં પ્રમુખ ભાગ ભજવનાર જ્હૉન રૉબર્ટ ગૉડલેના સૂચનથી ઑક્સફર્ડ ખાતેની તેની ક્રાઇસ્ટચર્ચ કૉલેજના નામ પરથી આ નગરને ક્રાઇસ્ટચર્ચ નામ આપવામાં આવ્યું. 1862માં તેને નગરનો દરજ્જો આપવામાં આવ્યો અને 1868માં નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી. વહીવટી દૃષ્ટિએ આજે તે ન્યૂઝીલૅન્ડનું સૌથી મોટું નગર છે.
એવન નદી પર વસેલું આ નગર ન્યૂઝીલૅન્ડના દક્ષિણ દ્વીપકલ્પના પૂર્વ કિનારા પરના બૅંક્સ દ્વીપકલ્પ પર આવેલું છે અને તે દેશના પાટનગર વેલિંગ્ટન બંદરથી નૈર્ઋત્યમાં 240 કિમી. અંતરે છે. 1945 સુધી ખેતી એ ત્યાંનો મુખ્ય વ્યવસાય હતો; પરંતુ તે પછી ઉદ્યોગનગરી તરીકે તેનો ઝડપથી વિકાસ થયો છે. આજે ત્યાં આશરે 2400 જેટલા નાનામોટા ઔદ્યોગિક એકમો છે, જ્યાં ઘઉંની બનાવટો, કૃષિઓજારો, ગાલીચા, રબરની ચીજવસ્તુઓ, કાપડ, સાબુ, ધાતુના અને કાચના ઢાળકામનાં કારખાનાં અને ઊનની બનાવટો તૈયાર કરતા એકમો વિકસ્યા છે. ત્યાંથી ઘઉં અને દૂધની બનાવટો, ઊનની ચીજવસ્તુઓ તથા માંસની નોંધપાત્ર નિકાસ થાય છે.
નગરના મધ્ય ભાગમાં ગૉથિક સ્થાપત્યશૈલીનું 72 મીટર ઊંચાઈ ધરાવતું ખ્રિસ્તી દેવળ છે. નગરમાં ઠેર ઠેર સુંદર ઉદ્યાનો વિકસાવવામાં આવ્યાં છે, જેને લીધે આ નગર ‘ગાર્ડન સિટી ઑવ્ ધ પ્લેન્સ’ નામથી વધુ જાણીતું બન્યું છે. નગરના અગ્નિ ખૂણા તરફ 11 કિમી. અંતરે લિટલટન બંદર તથા વાયવ્ય દિશામાં 10 કિમી. અંતરે આંતરરાષ્ટ્રીય વિમાની મથક છે. નગરમાં કલાવસ્તુ સંગ્રહાલયો, વનસ્પતિ બગીચાઓ, ઉપવનો તથા ઘણી જાણીતી શિક્ષણસંસ્થાઓ આવેલી છે. 1850માં સ્થપાયેલી ક્રાઇસ્ટચર્ચ કૉલેજ, 1873માં સ્થપાયેલી કૅન્ટરબરી યુનિવર્સિટી તથા કૃષિવિદ્યાઓનું શિક્ષણ આપતી સ્વાયત્ત લિંકન કૉલેજ વિશેષ જાણીતી છે. ત્યાંના ક્રિકેટ મેદાનની વિશ્વનાં પ્રથમ પંક્તિનાં ક્રિકેટ મેદાનોમાં ગણના થાય છે. વસ્તી 4,02,000 (2022) જેટલી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે