ક્રાંતિ : રાજ્યસત્તા કે સમાજમાં લવાતું મૂળભૂત અને ધ્યેયલક્ષી પરિવર્તન. ક્રાંતિ એક ઘટના છે. વિવિધ પરિબળોનાં સંયોજન અને આંતરક્રિયામાંથી તે આકાર પામે છે. જ્યારે કોઈ ઘટનાને ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે જ તે ઘટનાની પ્રક્રિયામાં અમુક ચોક્કસ પરિબળોની ભૂમિકા અપેક્ષિત છે. ક્રાંતિના સંદર્ભમાં પ્રક્રિયા ઉપરાંત પરિણામ પણ મહત્વનું લક્ષણ છે. અમુક પરિણામ આવે તો જ ક્રાંતિ થઈ એમ કહેવાય છે. આથી પ્રક્રિયા અને ઘટના ઉપરાંત તેના પરિણામે શું સિદ્ધ થાય છે તેના આધારે, સમગ્ર ઘટના અને પ્રક્રિયાને ક્રાંતિનું બિરુદ પ્રાપ્ત થાય છે. આમ ક્રાંતિ ચોક્કસ લક્ષ્યવાળું, વિશિષ્ટ પરિબળો ધરાવતું પરિવર્તન છે.
પરિવર્તનના ક્રાંતિકારી સ્વરૂપને મૂલવતી અનેક વ્યાખ્યાઓ થઈ છે. સર્વસંપૂર્ણ વ્યાખ્યાની ખોજ હજી પણ ચાલુ છે. પરંતુ આ પ્રયાસો દ્વારા ક્રાંતિનાં વિવિધ પરિમાણો સ્પષ્ટ થયાં છે. અલબત્ત, સામાન્ય વ્યવહારમાં ‘ક્રાંતિ’ શબ્દનો છૂટથી અને ખૂબ શિથિલ અર્થમાં પ્રયોગ થાય છે. (દા.ત., હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, સંવહન ક્રાંતિ વગેરે.) બીજી બાજુ ફ્રેન્ચ અને રશિયન ક્રાંતિ જેવી ઘટનાઓ માટે જ ક્રાંતિ શબ્દ પ્રયોજવાનો આગ્રહ રખાય છે.
ક્રાંતિના અભ્યાસીઓ દ્વારા રજૂ થયેલી વિવિધ વ્યાખ્યાઓ જોતાં તેમનાં બે જૂથો જણાય છે. બ્રિન્ટન, પેટ્ટી, લેનિન વગેરે રાજ્યની નવરચના અને સમાજના સ્વરૂપમાં ધરમૂળથી થતા પરિવર્તનને ક્રાંતિ ગણે છે; જ્યારે ચાલ્મર્સ જ્હૉન્સન, રૂડૉલ્ફ રુમ્મેલ, રેમન્ડ ટેન્ટર, પીટર કાલ્વર્ટ, જેન્સ ડેવિસ વગેરે ગેરબંધારણીય અને/અથવા હિંસક માર્ગે થતા સત્તાપલટાને ક્રાંતિ ગણાવે છે.
ક્રાંતિની વિવિધ વ્યાખ્યાઓનું પૃથક્કરણ કરીને એ. એસ. કોહેન ક્રાંતિનાં પાંચ પરિમાણો નિર્દેશે છે.
ક્રાંતિ દ્વારા (1) સમાજનાં પાયાનાં મૂલ્યો, માન્યતા કે કલ્પિત ખ્યાલ અને ભાવનાઓમાં પલટો આવે છે. આ નવું વિચારમંડળ સાંસ્કૃતિક એકતાનું મુખ્ય રાહબર બને છે. આ પરિવર્તન મૂળગત અને હિંસક હોય છે અને તેમાં બે મૂલ્યો કે માન્યતાઓ વચ્ચેનો સંઘર્ષ અને નવા મૂલ્યની સ્થાપના અગત્યની બાબત છે. આની દ્વારા એક નવી વિશ્વષ્ટિ સર્જાય છે; પરંતુ મૂલ્યો એકાએક અને ઝડપથી બદલાતાં નથી. પ્રથમ તે વ્યક્તિગત સ્તરે બદલાવા લાગે છે અને ધીરે ધીરે તે સમાજમાં વ્યાપક બને છે. વળી, હિંસા અને મૂલ્યપરિવર્તન વચ્ચે પ્રત્યક્ષ સંબંધ નથી. વધુમાં, પરિવર્તન ઝડપી છે કે નહિ તે સાપેક્ષ અને વૈયક્તિક મૂલ્યાંકનની વાત બની રહે છે. (2) પ્રવર્તમાન સામાજિક રચનાતંત્ર કે માળખામાં, સામાજિક-આર્થિક વ્યવસ્થામાં પરિવર્તન થાય તે ક્રાંતિનું બીજું લક્ષણ છે. સત્તા એક વર્ગ પાસેથી બીજા વર્ગ પાસે જાય, પરંપરાગત વ્યવસ્થાને સ્થાને આધુનિક વ્યવસ્થા રચાય, આધિપત્યની નવી શૈલી કે નવી વફાદારીઓ સર્જાય, સામાજિક સ્તરરચનામાં પરિવર્તન આવે વગેરે બાબતો આ લક્ષણ સાથે સંકળાયેલી છે. (3) ક્રાંતિમાં સંસ્થા-પરિવર્તનનો ખ્યાલ વણાઈ ગયો છે. જ્યારે એક પ્રકારની પ્રચલિત રાજકીય વ્યવસ્થાને સ્થાને નવા પ્રકારની વ્યવસ્થા; દા.ત., રાજાશાહીને સ્થાને લોકશાહી રચાય ત્યારે ક્રાંતિ થઈ ગણાય. અહીં માળખા કરતાં સંસ્થાકીય પરિવર્તન ઉપર ભાર મુકાયો છે. અલબત્ત, આવા પરિવર્તન સાથે મૂલ્યો તથા માળખામાં પરિવર્તન આવતું હોય છે. (4) ક્રાંતિ દ્વારા સમાજનો અગ્રવર્ગ પણ બદલાય છે. માર્કસના સિદ્ધાંતમાં આવું પરિવર્તન પૂર્વશરતરૂપ છે (‘બુઝર્વા’ને સ્થાને કામદારો). ટેન્ટર અને મિદલાર્સ્કીના મતે ‘વિદ્રોહીઓ રાજકીય આધિપત્યના માળખામાં અગત્યની ભૂમિકા કબજે કરે’ ત્યારે ક્રાંતિ થાય છે. ડેવિસ માને છે કે ‘જાહેર હિંસાના પરિણામે એક સત્તાધીશ જૂથ દૂર થાય અને તેના સ્થાને, વધુ બહોળા પાયા ઉપર લોકસમર્થન ધરાવતું જૂથ સત્તા હાંસલ કરે’ ત્યારે ક્રાંતિ થાય છે; જ્યારે લાસવેલ ‘અગ્રવર્ગની રચનામાં ફેરફાર’ને ક્રાંતિ ગણાવે છે. અલબત્ત, આ સાથે સમાજનાં મૂલ્યો તથા માળખામાં ફેરફાર પૂર્વઅપેક્ષિત છે. સત્તાધીશ અગ્રવર્ગની રચના અને સ્વરૂપમાં સામાન્ય રીતે લાંબા ગાળે ફેરફાર થતા હોય છે જ્યારે ક્રાંતિ આ પ્રક્રિયાને ટૂંકાવે છે. ઘણા ક્રાંતિને બિન-બંધારણીય કે ગેરકાયદેસર પરિવર્તન ગણાવે છે. ક્રાંતિમાં સ્થાપિત પ્રણાલિકા કે બંધારણીય માર્ગને બદલે અન્ય માર્ગે શાસકોમાં પરિવર્તન થાય છે. પરંતુ આવા દરેક પરિવર્તનને ક્રાંતિનું નામ ન આપી શકાય. ઘણી વાર કોઈ નાના જૂથ દ્વારા કે પ્રત્યાઘાતી બળો દ્વારા પણ આવું પરિવર્તન હાંસલ થતું હોય છે, જ્યારે સ્થાપિત માર્ગે પણ અભૂતપૂર્વ ફેરફારો સિદ્ધ થઈ શકે. સામાન્ય રીતે ક્રાંતિમાં હિંસા દ્વારા પરિવર્તન ઉપર ખૂબ ભાર મુકાતો રહ્યો છે. ઝડપી પરિવર્તન તથા રાજ્યસંસ્થામાં પરિવર્તન માટે આજ સુધી હિંસા આવશ્યક પરિબળ રહ્યું છે.
માર્કસવાદી અભિગમમાં ક્રાંતિનું કેન્દ્રવર્તી બળ હિંસા છે, ફેનોન માને છે કે હિંસા દ્વારા જ ક્રાંતિકારક ચેતના ઘડાય છે. માઓ જણાવે છે કે ‘ક્રાંતિ વિદ્રોહ છે, હિંસક પગલું છે, જેના દ્વારા એક વર્ગ બીજાને ઉથલાવી દે છે.’
પરંતુ દરેક હિંસા ક્રાંતિ નથી તેમ દરેક હિંસક સત્તાપરિવર્તન ક્રાંતિ નથી. એટલે કે હિંસા આચરવામાં આવે તેથી જ કોઈ ઘટના ક્રાંતિ બની રહેતી નથી. માત્ર સત્તાપરિવર્તન માટે વપરાયેલા સાધનને આધારે અમુક ઘટનાને ક્રાંતિના વર્ગમાં સામેલ કરવી ઉચિત નથી.
વાસ્તવમાં ક્રાંતિની પ્રક્રિયા અને ઘટના બે તત્વોમાં ચકાસવાની રહે. પ્રક્રિયા દરમિયાન મૂલ્યો અને સામાજિક-આર્થિક ક્ષેત્રે પરિવર્તનની માગ આકાર પામે છે તથા નાટ્યાત્મક ઘટના દ્વારા પદસ્થ અગ્રવર્ગ અને તેને સમર્થક મૂલ્યો તથા સંસ્થાઓ(આર્થિક/રાજકીય/સામાજિક)માં પરિવર્તન થાય છે અને નવાં મૂલ્યો તથા સંસ્થાઓને સત્તાનું પીઠબળ પ્રાપ્ત થાય છે કે લોકસ્વીકૃતિ મળે છે. ક્રાંતિને એક એવું હેતુલક્ષી રાજકીય પરિવર્તન ગણાવી શકાય જે નવાં મૂલ્યોને અધિકૃત બનાવવાના આશયથી કરાયેલા હિંસક કે અહિંસક સંઘર્ષ દ્વારા સંપન્ન થાય છે.
ક્રાંતિકારક સંજોગો વિશે ઍરિસ્ટોટલના સમયથી સમીક્ષા થતી રહી છે. ઍરિસ્ટોટલે સમાન હોય તેમના પ્રત્યે અસમાન અને/અથવા અસમાન હોય તેમની સાથે સમાન વ્યવહારથી સર્જાતી અન્યાયની ભાવનાને ક્રાંતિ માટે મહત્વની ગણી છે; જ્યારે અરાજકતાવાદીઓની દલીલ છે કે સત્તા હોય ત્યાં અન્યાય, શોષણ અને પ્રગતિમાં અવરોધ આવે જ અને તેથી વંચિતતા સર્જાતાં પ્રજાકીય વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટને યોગ્ય માર્ગદર્શન મળે તો ક્રાંતિ દ્વારા સત્તાનું વિસર્જન કરી શકાય.
માર્કસ ઉત્પાદનની પદ્ધતિને પાયાનું કારણ ગણે છે જેના કારણે સામાજિક સંબંધોનો ઢાંચો નિર્ધારિત થાય છે. આ ઢાંચામાં મૂડીવાદી શાસક વર્ગ અને શ્રમજીવી શોષિત વર્ગ હોય છે. સમાજમાં આધુનિકીકરણની પ્રક્રિયાને કારણે શોષણમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ શોષિતોમાં વર્ગ-ચેતના જાગ્રત થતાં તેઓ ક્રાંતિ કરે છે. લેનિને તેમાં પક્ષની ભૂમિકાનો સમાવેશ કર્યો જ્યારે માઓએ લોકક્રાંતિનો ખ્યાલ રજૂ કર્યો. ફેનોન સ્વયંસ્ફુરિત ક્રાંતિની વાત કરે છે તો દેબ્રે ગેરીલા લડતને (દા.ત., કાસ્ટ્રો, ચે ગ્યુવારા) અગ્રતા આપે છે. એમ. એન. રૉય ઐહિકવાદી, માનવવાદી, બુદ્ધિનિષ્ઠ મૂલ્યો-આધારિત નવજાગૃતિના આંદોલન દ્વારા વિચારપરિવર્તન અને તેને સમાંતર નૂતન તંત્રરચના દ્વારા ક્રાંતિની હિમાયત કરે છે.
ક્રાંતિની પ્રક્રિયાને સમજવા માટેના સમાજશાસ્ત્રીય અને માનસશાસ્ત્રીય અભિગમો પણ રજૂ થયા છે. સમાજશાસ્ત્રીય અભિગમના કાર્યાત્મવાદી અભિગમમાં સમાજના પરિવેશમાં અને તેના કારણે મૂલ્ય, ધોરણો કે વેશમાં પરિવર્તન જરૂરી બને, પણ કોઈ કારણોસર તે થઈ શકે નહિ અને આવું અનેક ક્ષેત્રોમાં બને ત્યારે બહુવિધ (વિકૃતિની) સ્થિતિ સર્જાય છે જે ક્રાંતિ માટે જવાબદાર છે કારણ કે આવી સ્થિતિમાં સત્તા જાળવવા દમનનો આશ્રય લેવામાં આવે છે જે સૂચવે છે કે અગ્રવર્ગ લોકસ્વીકૃતિ ગુમાવી રહ્યો છે અથવા તેના આધિપત્યનું સંકોચન થઈ રહ્યું છે. બીજા એટલે કે બહુજનસમાજ અભિગમમાં એવી દલીલ છે કે અગ્રવર્ગ અને આમપ્રજા વચ્ચેની ભેદરેખા દૂર થતાં, જૂથ-વફાદારીઓનું ધોવાણ થતાં તિરસ્કૃત, તરછોડાયેલા અથવા સીમાન્ત વર્ગ રચાય છે જે લોકઆંદોલનમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
અપેક્ષાઓ વધે (સામાજિક, આર્થિક કે રાજકીય પરિવર્તનને કારણે કે અન્યથા), પરંતુ તેને સંતોષવાની ક્ષમતામાં વધારો ન થાય ત્યારે અપેક્ષા અને ક્ષમતા તેમજ અપેક્ષા અને પ્રાપ્તિ વચ્ચે તફાવત સર્જાય છે અને આ તફાવત વંચિતતા પ્રેરે છે. વંચિતતા સાથે રોષ અને આક્રમકતા સામેલ થતાં સામુદાયિક હિંસાની પરિસ્થિતિ સર્જાય છે, જેમાં ધોરણલક્ષી તથા ઉપયોગિતાલક્ષી વાજબીપણાનો ઉમેરો થતાં સામુદાયિક રાજકીય હિંસાનું વાતાવરણ સર્જાય છે. આ તબક્કે સત્તા અને વિદ્રોહીઓ વચ્ચે દંડ-કાબૂ અને સંસ્થાકીય સમર્થનના સમતોલનને આધારે રાજકીય હિંસાની વિપુલતા માટેનો તખ્તો ગોઠવાય છે, પરંતુ આ પ્રક્રિયામાં વિસ્ફોટ અને હિંસા(ક્રાંતિના સાધન)ની ચર્ચા વધુ છે. ક્રાંતિ માટે આવશ્યક વૈચારિક સજ્જતા અને તેના પ્રભાવના પાસાને પણ વીસરી જવું જોઈએ નહિ.
જયંતી પટેલ