ક્રમશીતલન (annealing) : કાચ, ધાતુ અથવા મિશ્રધાતુને નિયત તાપમાને ગરમ કરી, એ તાપમાન ચોક્કસ સમય સુધી રાખ્યા બાદ ધીરે ધીરે તેને વાતાવરણના તાપમાન સુધી ઠંડી પાડવાની પ્રક્રિયા.
ધાતુની તન્યતા (ductility) તથા બરડપણું ઘટાડવા માટે આ વિધિ આવશ્યક છે. ધાતુ પ્રક્રમણ (processing) દરમિયાન વારંવાર ટિપાતી હોય કે અન્ય રીતે ઘડાતી હોય ત્યારે તેની ઘટતી જતી તન્યતા ફરી મેળવવા માટે વચ્ચે વચ્ચે તેને ક્રમશીતલન-વિધિમાંથી પસાર કરવી પડે છે. યંત્રઓજાર-ઉદ્યોગ(machine tool industry)માં વપરાતી ધાતુઓને સંપૂર્ણ ક્રમશીતલન-વિધિમાંથી પસાર કરવી પડે છે, જેને પરિણામે ધાતુની કાર્યસાધકતા વધે છે. ધાતુનું આંતરિક પ્રતિબળ (stress) ઘટાડવા માટે પણ ક્રમશીતલન જરૂરી છે. ધાતુઓ તથા મિશ્ર ધાતુઓના આવશ્યક ગુણધર્મો જાળવી રાખવા માટે જરૂરી ક્રમશીતલન-તાપમાન પરિવર્તનશીલ (variable) હોય છે. આ તાપમાન એવા પરિસર વિસ્તાર(range)માં હોવું જોઈએ કે જેથી ધાતુની સ્ફટિકવૃદ્ધિ (crystal growth) થાય નહિ.
કાચમાંથી પણ કોઈ વસ્તુ બનાવવાની હોય ત્યારે તેમાં આંતરિક પ્રતિબળ પ્રવર્તતું હોવાથી કાચ ખૂબ બરડ બની જાય છે. આ તણાવ દૂર કરવા તથા બરડપણું ઓછું કરવા માટે તે વસ્તુને જે તાપમાને કાચ મૃદુતા દર્શાવે તે તાપમાને એકધારી રીતે ગરમ કર્યા બાદ ધીરે ધીરે ઠંડો પડવા દેવામાં આવે છે.
જ. પો. ત્રિવેદી