ક્યૂપોલા ભઠ્ઠી : કાસ્ટિંગ માટે લોખંડને પિગાળવા તથા તેમાંથી સ્ટીલ બનાવવા માટે વપરાતી ઊભી (vertical) નળાકાર ભઠ્ઠી. સૌપ્રથમ 1720માં ફ્રાન્સના રેમુરે તે બનાવી હોવાનો ઉલ્લેખ છે. ક્યૂપોલા ગલન આજે પણ આર્થિક ર્દષ્ટિએ વ્યવહારુ ગલનપ્રક્રિયા ગણાય છે. મોટાભાગનું ભૂખરું (grey) લોખંડ આ ભઠ્ઠીમાં પિગાળવામાં આવે છે.
બ્લાસ્ટ ફરનેસની માફક ક્યૂપોલા ભઠ્ઠી પણ 6.09થી 10.36 મીટર ઊંચાઈની ઉચ્ચતાપસહ (refractory) અસ્તરવાળી પોલાદની થપ્પીઓથી બને છે. આ ભઠ્ઠીને સ્ટીલના ચાર પાયા પર ઢાળેલા લોખંડની પ્લેટ ઉપર ગોઠવેલી હોય છે. ભઠ્ઠીને તળિયે મધ્યસ્થ સ્તંભને આધારે ટેકવેલાં બે મિજાગરાંવાળાં દ્વાર રાખેલાં હોય છે. આ દ્વાર બંધ કરી તેના ઉપર રેતીનું અસ્તર કરવામાં આવે છે, જે કોક સ્તર, પીગળેલ ધાતુ તથા વિશેષ ઉમેરણને આધાર આપે છે. ક્યૂપોલાની નીચેની કિનારીમાં રાખેલી નળીઓ દ્વારા ભઠ્ઠીમાં દહન માટે ભારે દબાણે હવા પસાર કરવામાં આવે છે. તેની ઉપરના ભાગમાં જ્યાં તાપમાન સૌથી વધુ હોય ત્યાં કોકસ્તર ઉપર લોખંડ, કોક તથા ચૂનાના પથ્થર ગોઠવવામાં આવે છે. પિગલનપ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવે છે અને પીગળેલ ધાતુ ભઠ્ઠીના નીચેના ભાગમાં રાખેલ છિદ્ર દ્વારા સતત પ્રવાહરૂપે બહાર નીકળતી જાય છે અથવા કોઈ વાર સ્ટીલના સળિયા વડે તેને ખટખટાવીને પ્રવાહીનું નિષ્કાસન કરાય છે. નિરુપયોગી ધાતુકાદવ (slag) ભઠ્ઠીના નીચેના ભાગમાં રાખેલ ધાતુ-કાદવ-ટોટી (spout) દ્વારા બહાર કાઢી લેવામાં આવે છે. આખી પ્રક્રિયાને અંતે નીચેનાં દ્વારો મારફત બાકી રહેલા અંદરના પદાર્થને બહાર કાઢી શકાય છે.
જ. પો. ત્રિવેદી