ક્યુરી, મેરી (જ. 7 નવેમ્બર 1867, વૉર્સો, પોલૅન્ડ; અ. 4 જુલાઈ 1934, પૅરિસ) : રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ ફ્રેન્ચ મહિલા વિજ્ઞાની. જન્મનામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. પોલોનિયમ તથા રેડિયમ નામનાં બે રેડિયોઍક્ટિવ તત્વોના શોધક તથા 1903માં ભૌતિકશાસ્ત્રમાં તેમજ 1911માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારવિજેતા. 1903માં તેમના પતિ પિયેર ક્યુરી તથા વિજ્ઞાની આંરી (Henri) બૅકરલ સાથે રેડિયોઍક્ટિવિટીની શોધ માટે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ ત્રણે વચ્ચે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યું હતું.
ઘણાં વર્ષો સુધી શિક્ષિકા તથા ગવર્નેસ તરીકે કામ કર્યા પછી, મેરી પોતાની બહેન બ્રોનિયાને ત્યાં પૅરિસ જઈને સૉરબૉન યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કરી, 1893માં ગણિતશાસ્ત્રમાં અને 1894માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયાં. 1894ની વસંતઋતુમાં ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી પિયેર ક્યુરી સાથે મુલાકાત થઈ, જે એક વર્ષ બાદ 1895માં લગ્નમાં પરિણમી. 1897માં પહેલી પુત્રી આઇરીન અને 1904માં બીજી પુત્રી ઈવને જન્મ આપ્યો.
લગ્ન પછી પિયેર તથા મેરીએ પૅરિસની સ્કૂલ ઑવ્ ફિઝિક્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રીની પ્રયોગશાળામાં (1882થી પિયેર તેના વડા હતા.) ડૉક્ટરેટની ઉપાધિ માટેનું સંશોધનકાર્ય જારી રાખ્યું. ડૉક્ટરેટના મહાનિબંધ માટે માદામ ક્યુરીએ આંરી બૅકરલે 1896માં શોધેલાં રહસ્યમય રેડિયોઍક્ટિવ વિકિરણોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. પિયેર તથા તેમના ભાઈ ઝાકે આયોજિત કરેલા ઇલેક્ટ્રોમિટર ઉપકરણની મદદથી, યુરેનિયમનાં સંયોજનોમાંથી ઉત્સર્જિત થતાં વિકિરણની માત્રા (strength) માપી અને શોધી કાઢ્યું કે આ વિકિરણોની પ્રબળતા (intensity) પ્રમાણમાં લાંબા સમયગાળા માટે પણ સંયોજનમાં રહેલા યુરેનિયમના જથ્થાના સમપ્રમાણમાં હોય છે; અને તેની ઉપર દબાણ કે તાપમાન જેવાં બાહ્ય પરિબળો કોઈ અસર ઉપજાવી શકતાં નથી. આવું જ નિર્વિકાર (immutable) વિકિરણ, થોરિયમના સંયોજનમાં પણ રહેલું હોવાનું તેમણે શોધી કાઢ્યું. તેને માટેનાં પરિણામોની ચકાસણી કરતાં, અનપેક્ષિત રીતે જ શોધી કાઢ્યું કે યુરેનિયમ પીચબ્લેન્ડ તથા ચાલકોલાઇટના ખનિજમાં આવેલા યુરેનિયમના જથ્થામાંથી અપેક્ષા રાખી શકાય તેના કરતાં ચારગણું વધારે વિકિરણ મળે છે. આ ઉપરથી 1898માં તેમણે ક્રાંતિકારી નિષ્કર્ષ તારવ્યો કે આવા વિકિરણનું ઉત્સર્જન કરતું કોઈક અજ્ઞાત તત્ત્વ, પીચબ્લેન્ડમાં થોડા પ્રમાણમાં રહેલું હોવું જોઈએ. આ નિરીક્ષણની અગત્યનો પિયેર ક્યુરીને તરત જ ખ્યાલ આવતાં, તે તેને લગતા સંશોધનકાર્યમાં પોતાનાં પત્ની સાથે જોડાયા. બીજા જ વર્ષે સ્વયંસ્ફુરિત વિકિરણ(spontaneous radiation)નું ઉત્સર્જન કરતાં બે નવાં રેડિયોઍક્ટિવ તત્વો શોધી કાઢ્યાં. તેમાંના એકનું નામ મેરી ક્યુરીના વતન પોલૅન્ડ ઉપરથી પોલોનિયમ રાખ્યું અને બીજાને રેડિયમ કહ્યું. તે જ અરસામાં ઍક્ટિનિયમ નામના ત્રીજા રેડિયોઍક્ટિવ તત્વની શોધ તેમના સાથી આંદ્રે દબિયર્ને કરી. રાસાયણિક ગુણધર્મો નક્કી કરી શકાય તે માટે આ બંને રેડિયોઍક્ટિવ તત્વોને તેમની ખનિજ ધાતુમાંથી અલગ કરવાનું કંટાળાજનક પણ મહત્વપૂર્ણ કાર્ય મેરીએ શરૂ કર્યું. રેડિયોઍક્ટિવ પદાર્થ વિશેના મહાનિબંધ માટે મેરી ક્યુરીને 1903માં ડૉક્ટરેટની ઉપાધિ મળી. આ જ અરસામાં આંરી બૅકરલની સાથે મળેલા નોબેલ પારિતોષિકની રકમથી ક્યુરી દંપતીની આર્થિક મુશ્કેલી દૂર થઈ. બીજા જ વર્ષે સૉરબૉન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે પિયેરની નિયુક્તિ થઈ અને મેરી તેમની સહાયક (assistant) બની. 19 એપ્રિલ, 1906માં પૅરિસના માર્ગ ઉપરના એક ટ્રક-અકસ્માતમાં પિયેરનું અવસાન થયું. આ આઘાતને જીરવવા માટે મેરીએ, પતિની સાથે આયોજિત કરેલા સંશોધનકાર્યને આગળ ધપાવવા માટે પોતાની બધી જ શક્તિ કામે લગાડી લીધી. સૉરબૉન યુનિવર્સિટીએ પિયેરની જગ્યા ઉપર વ્યાખ્યાતા તથા પ્રયોગશાળાના ઉપરી તરીકે મેરીની નિમણૂક કરીને, સંશોધનકાર્યને આગળ ધપાવવાની તક આપી. આમ મેરી ક્યુરી સૉરબૉન યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા વ્યાખ્યાતા બન્યાં. 1908માં પ્રાધ્યાપક તરીકે તેમની નિયુક્તિ થઈ અને કાચી ધાતુમાંથી શુદ્ધ રેડિયમને અલગ કરવા માટે 1911માં તેમણે બીજું નોબેલ પ્રાઇઝ રસાયણશાસ્ત્રમાં મેળવ્યું.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તબીબી ક્ષેત્રે, ઍક્સ-કિરણોના ઉપયોગને વિકસાવવા માટે મેરીએ પોતાની જાતને પૂરેપૂરી સમર્પિત કરી. 1918માં રેડિયમ ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાન વિભાગનું સંચાલન કર્યું. તેનું આયોજન મેરીએ પોતાના પતિ સાથે કર્યું હતું. વખત જતાં તેમની પુત્રી આઇરિન ઝોલિયો ક્યુરીએ પોતાના પતિ ફ્રેડરિક ઝોલિયો સાથે ત્યાં જ સંશોધનકાર્ય કર્યું હતું. મેરીએ પોતાનું શેષ જીવન રેડિયોઍક્ટિવ પદાર્થો અને તેના તબીબી ઉપયોગના સંશોધન પાછળ ગાળ્યું હતું. વ્યાખ્યાન આપવા માટે તે વારંવાર પરદેશ જતાં હતાં. વૈજ્ઞાનિકો માટે આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિઓની સ્થાપના માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા હતા. લાંબા સમય સુધી શરીર ઉપર રેડિયોઍક્ટિવ વિકિરણોનું ઉદભાસન (exposure) થવાને કારણે લ્યૂકીમિયા(રક્તના કૅન્સર)ના દર્દથી તેમનું અવસાન થયું હતું.
ક્યુરી દંપતીનું કાર્ય પરમાણુનાભિ(nucleus)માં થતા ફેરફારને લગતું હતું. તેમણે વિશ્વને એક એવી આધુનિક સમજ આપી છે કે પરમાણુના વિભંજન વડે વિપુલ પ્રમાણમાં ઊર્જા વિમુક્ત થતી હોય છે.
એરચ મા. બલસારા