ક્યુરાઇલ ટાપુઓ : જાપાનના હોકાઇડોથી સાઇબીરિયાના કામચાટકા દ્વીપકલ્પ સુધી આશરે 1,050 કિમી. લંબાઈમાં પથરાયેલા ટાપુઓની શ્રેણી. ભૌગોલિક સ્થાન : તેનો 46° 10′ ઉ. અ. અને 152° 00′ પૂ. રે.નો 15,599 ચોકિમી વિસ્તાર છે. દરિયાકિનારાની લંબાઈ 1,210 કિમી. આ ટાપુશ્રેણીમાં 30 મોટા અને 20 નાના ટાપુઓ તથા બીજા ઘણા ખડકાળ વિભાગો આવેલા છે. આ ટાપુઓનું સ્થાનિક જાપાની નામ ‘ચિશિમા’ (અર્થાત્, સહસ્ર ટાપુઓ) છે. ટાપુઓના બંને છેડા જ્વાળામુખીઓથી બનેલા છે. ટાપુઓમાં 40 જેટલાં જ્વાળામુખો (craters) છે. ટાપુઓ પર ઊંચા પર્વતો પણ છે. ટાપુઓની નજીકમાંથી જ ક્યુરાઇલનો ઠંડો સમુદ્રપ્રવાહ પસાર થાય છે, તે અહીંની આબોહવાને ધુમ્મસવાળી અને પવનોના તોફાનવાળી બનાવે છે.
આ ટાપુઓ પર ઑટર અને સીલ જેવાં પ્રાણીઓ રહે છે; પરંતુ હવે શિકારીઓએ તેમની ઘણી વસ્તીને સાફ કરી નાખી છે. પર્વતવિસ્તારોમાં રીંછ, વરુ અને બીજાં નાનાં પ્રાણીઓ વસે છે.
આ ટાપુઓ પરના લોકો લાકડાં, રુવાંટી અને માછલીની નિકાસ કરે છે. 1643માં જ્યારે ડચ લોકોએ ક્યુરાઇલ ટાપુઓની શોધ કરેલી, ત્યારે ત્યાં ઐનુ નામથી ઓળખાતા લોકો વસતા હતા. 1795માં રશિયાના રુવાંટીના વેપારીઓએ ક્યુરાઇલ ટાપુઓ પર મથક સ્થાપેલું. 1830 સુધીમાં તેમણે ઉત્તરના અને મધ્યના ટાપુઓ પર તેમનો કબજો હોવાનો દાવો કરેલો. ઈ.સ. 1875માં રશિયા અને જાપાન સાથે સંધિ થઈ, જેમાં રશિયાએ સખાલિન ટાપુના બદલામાં ક્યુરાઇલ ટાપુઓ જાપાનને સોંપ્યા. આ પરિસ્થિતિ 1945 સુધી રહી; પરંતુ ત્યારબાદ રશિયાએ પુન: ક્યુરાઇલ ટાપુઓ જીતી લીધા. પરિણામે આજે પણ જાપાન આ ટાપુઓ વાટાઘાટો દ્વારા પાછા મેળવવા પ્રયત્ન કરે છે. વસ્તી 21,501 (2021) જેટલી હતી.
નીતિન કોઠારી