ક્યુબિટ (Qubit) : ક્વૉન્ટમ બિટ ટૂંકાણમાં ક્યુબિટ તરીકે ઓળખાય છે, જે ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગ(પરિકલન)માં માહિતીનો મૂળભૂત એકમ છે. બિટ એટલે નાનો ટુકડો. જેમ શાસ્ત્રીય (classical) કમ્પ્યૂટિંગમાં દ્વિઅંકી (binary) બિટ મૂળભૂત એકમ છે તે રીતે ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગમાં ક્યુબિટ મૂળભૂત એકમ છે. આમ ક્યુબિટ એ બાઇનરી બિટનું પ્રતિરૂપ છે. માહિતીના સંગ્રહના કાર્યમાં ક્યુબિટ, બિટ જેવો જ ભાગ ભજવે છે, પરંતુ ક્વૉન્ટમ ગુણધર્મોને કારણે તેની વર્તણૂક જુદી છે.

ક્વૉન્ટમ કમ્પ્યૂટરમાં મૂળભૂત કણો જેવા કે ઇલેક્ટ્રૉન અથવા ફોટૉનનો ઉપયોગ થયો છે અને તેમના વિદ્યુતભાર અથવા ધ્રુવીકરણ દ્વારા તેઓ 0 અથવા 1 સ્થિતિ દર્શાવે છે. આ દરેક મૂળભૂત કણ ક્યુબિટ તરીકે ઓળખાય છે. આ કણોના ગુણધર્મો અને વર્તણૂક (ક્વૉન્ટમ સિદ્ધાંત મુજબ) ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગનો આધાર અથવા પાયો બને છે.

પૂરવી ઝવેરી