ક્યુપ્રેસેસી : અનાવૃતબીજધારી વનસ્પતિઓના કોનિફરેલ્સ ગોત્રનું એક કુળ. તે વૃક્ષ કે ક્ષુપ-સ્વરૂપવાળી શંકુદ્રુમ જાતિઓ ધરાવે છે. પર્ણો નાનાં, શલ્કસમ, સંમુખ કે ચક્રિલ (whorled) અને દીર્ઘસ્થાયી હોય છે. પુંશંકુઓ નાના અને લઘુબીજાણુપર્ણો (microsporophylls) છત્રાકાર હોય છે. તેઓ 2-6 લઘુબીજાણુધાનીઓ (microspora-ngia) ધરાવે છે. માદા શંકુ બહુ ઓછા શલ્ક ધરાવતી ટૂંકી શાખાઓ ઉપર ઉદભવે છે. અંડકધારી (ovuliferous) શલ્ક ચપટા કે છત્રાકાર હોય છે અને 1-12 અંડકો ધરાવે છે. Thuja અને Cupressus-માં માદા શંકુઓ શુષ્ક, પરંતુ Juniperus-માં જોડાયેલા, રસાળ અને બદરીસમ હોય છે. આ કુળ 16 પ્રજાતિઓ અને લગભગ 130 જાતિઓનું બનેલું છે. તેને ત્રણ ઉપકુળો – (1) ક્યુપ્રેસોઇડી, (2) થુજોઇડી અને (3) જ્યુનિપેરોઇડી – માં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. Thuja, Cupressus, Juniperus વગેરે આ કુળની જાણીતી પ્રજાતિઓ છે. Cupressus semipervirens (સં. સુપ્હ્રાવા, હિં. સરા મેડિટરેનિયન અથવા ઇટાલિયન સાઇપ્રસ)નાં પર્ણોમાંથી નીકળતું સુગંધી દ્રવ્ય અત્તર અને સાબુ-ઉદ્યોગમાં વપરાય છે. તે ઉટાંટિયા (whooping cough) પર અસરકારક છે. કાષ્ઠમાં કીટપ્રતિકર્ષી (insect repellant) દ્રવ્ય હોવાથી તેનો ઉપયોગ મકાન બાંધકામ અને ફર્નિચરમાં થાય છે. C. funebris(વીપિંગ સાઇપ્રસ)નું કાષ્ઠ હોડી અને મકાનના બાંધકામમાં ઉપયોગી છે. મયૂરપંખ (Thuja orientalis) ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.
એચ. એમ. ઠક્કર