‘કૌશિક’ વિશ્વંભરનાથ શર્મા

January, 2024

‘કૌશિક’ વિશ્વંભરનાથ શર્મા (જ. 1899 અમ્બાલા; અ. 1945) : હિંદી કહાની અને ઉપન્યાસક્ષેત્રે પ્રતિષ્ઠિત સાહિત્યકાર. પંડિત હરિશ્ચન્દ્ર કૌશિકના પુત્ર પરંતુ કાકા પંડિત ઇન્દ્રસેને દત્તક લીધેલા. પુત્ર મૂળ સહરાનપુર જિલ્લાના ગંગોહ નામના કસ્બાના વતની. કાકાને ત્યાં કાનપુરમાં ઉછેર. હિંદી, સંસ્કૃત, ઉર્દૂ અને ફારસીનો અભ્યાસ કર્યો. 1911થી હિંદીક્ષેત્રમાં પદાર્પણ થયું. કાનપુરના ‘જીવન’ નામની પત્રિકામાં એમની વાર્તાઓ નિયમિત પ્રગટ થવા લાગી. પં. મહાવીરપ્રસાદ દ્વિવેદીના પ્રોત્સાહનથી કેટલીક પ્રશિષ્ટ બાંગ્લા વાર્તાઓના હિંદીમાં રૂપાંતર કર્યાં. એમના મૌલિક વાર્તાસંગ્રહોમાં ‘ચિત્રશાલા’ (1924), ‘મણિમાલા’ (1919) અને ‘કલ્લોલ’ (1933) પ્રસિદ્ધ છે. એમની નવલકથાઓમાં ‘માં’ (1929) અને ‘ભિખારિની’ (1929) ઉચ્ચકોટિની રચનાઓ છે. ‘રૂસકારાહુ’ (1919), ‘સંસારકી અસભ્ય જાતિઓંકી સ્ત્રીયાં’ (1924), ‘જારિના’(રશિયાની મહારાણી જારિનાનું જીવનચરિત)એ કૌશિકજીની મૌલિક તેમ સંકલિત કૃતિઓ છે. એમની અંતિમ રચના ‘પૅરિસકી નર્તકી’ 1942માં પ્રકાશિત થઈ હતી.

કૌશિકજીની વાર્તાઓમાં માનવહૃદયના કોમળ ભાવોનું પ્રકટીકરણ ખૂબ સરસ રીતે થયું છે. લેખક પોતે કૌટુંબિક અને વ્યક્તિગત ચિત્રણ કરવામાં પ્રવીણ છે. ‘માં’ નવલકથામાં માતાના વાત્સલ્ય અને ઉદાત્ત સ્નેહમય રૂપનું યથાર્થવાદી–આદર્શવાદી ભૂમિકા પર ચિત્રણ થયું છે. જ્યારે ‘ભિખારિની’માં એક ભિખારીના અનુરાગ અને અનુપમ ત્યાગની વાર્તા નિરૂપાઈ છે. રચના પરત્વે કૌશિકજીનું કથાવસ્તુ સરળ, પ્રવાહપૂર્ણ, સ્વાભાવિક અને સુસંકલિત ઘટનાથી પરિપૂર્ણ છે. ભાષા વ્યાવહારિક, સ્વાભાવિક અને સંયમિત છે અને કથોળકથન શૈલીને કારણે અનોખી ભાત પાડે છે.

પ્રવીણચંદ્ર પરીખ