કૌલ, બંસી (જ. 23 ઑગસ્ટ 1949, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર; અ. 6 ફેબ્રુઆરી 2021, દિલ્હી) : હિંદી રંગભૂમિના નટ અને દિગ્દર્શક, ચિત્રકાર, સન્નિવેશકાર. દિલ્હીની રાષ્ટ્રીય નાટ્યસંસ્થાની સ્નાતક કક્ષાની તાલીમ પછી એ જ સંસ્થાના નાટ્યવિસ્તરણ કાર્યક્રમના પ્રાધ્યાપક તરીકે કામ શરૂ કર્યું; સાથોસાથ અનેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થાઓમાં નાટ્યતાલીમ આપવી ચાલુ રાખી.

બંસી કૌલ

એ દરમિયાન એમણે 50 નાટકોનું દિગ્દર્શન કર્યું, 35 નાટકોની ડિઝાઇન કરી તથા કન્નડ ફિલ્મ ‘ચોમના દુદી’નું કલાનિર્દેશન કર્યું. દિલ્હીના શ્રીરામ કલા સેન્ટરના નિયામક તરીકે પણ એમણે સેવા આપી છે. પોતાનાં ચિત્રોના વન-મૅન શો પણ તેમણે યોજ્યા છે. કેન્દ્ર સરકારના શિક્ષણ ખાતાના એ ફેલો પણ હતા. ઉત્તર પ્રદેશ સંગીત નાટક અકાદમી તરફથી ઉત્તમ દિગ્દર્શક અને ડિઝાઇનર તરીકેનું સન્માન પણ તેમને મળ્યું છે. ભારતની વિદૂષક પરંપરાનાં નાટકોનાં નિર્માણ અને આયોજનમાં તેઓ સક્રિય રહ્યા.

1995માં સંગીત નાટક અકાદમીનો ઍવૉર્ડ અને 2014માં પદ્મશ્રીથી સન્માનિત થયા હતાં.

હસમુખ બારાડી