કોહ્લબર્ગ, લૉરેન્સ (જ. 25 ઑક્ટોબર 1927, બ્રોંક્સવિલ, યુ.એસ.; અ. 20 જાન્યુઆરી 1987, વિનટ્રોપ, મેસેચૂસેટ્સ) : બાળકો નૈતિક નિર્ણય કરવામાં જુદી જુદી છ કક્ષાઓમાંથી પસાર થાય છે તે પ્રતિપાદનથી જાણીતા થયેલ મનોવિજ્ઞાની. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની વેપારી સ્ટીમરોમાં કામ કરતાં પૅલેસ્ટાઇન નાવિક પર બ્રિટને લાદેલા પ્રતિબંધમાંથી પસાર થવામાં યહૂદી વસાહતીઓને મદદ કરતી વખતે તેમને નૈતિક વિમાસણ પેદા થઈ. તેમને પોતાને જે હિતાવહ લાગતું હતું તે કરવા જતાં કાયદાનો ભંગ થતો હતો તેથી પોતે યોગ્ય કરી રહ્યા હતા કે કેમ તેવો પ્રશ્ન તેમના મનમાં થયો. યુનિવર્સિટીમાંનાં તેમનાં મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં બાળકોમાં જે રીતે નૈતિક તર્કનો વિકાસ થાય છે તેનો અભ્યાસ કરી તેમણે નૈતિક નિર્ણયનાં છ સોપાનો નિશ્ચિત કર્યાં.
તેમણે કેટલાક કિસ્સા બાળકો સમક્ષ મૂક્યા છે જે વાંચીને બાળકે પોતાને શું યોગ્ય લાગે છે તે જણાવવાનું હોય છે; ઉદાહરણ તરીકે, એક સ્ત્રી એક ખાસ પ્રકારના કૅન્સરથી પીડાતી હતી. ડૉક્ટરોને લાગ્યું કે એક ખાસ દવા જો તેને આપવામાં આવે તો તેનાથી તે મટે એમ છે. શહેરના એક દવાવાળા પાસે તે દવા હતી જે તે 2000 ડૉલરમાં વેચવા માગતો હતો, જોકે તેણે તે માટે માંડ 200 ડૉલર ખરચ્યા હતા. પેલી માંદી સ્ત્રીનો પતિ હાઇન્સ પોતાના ઓળખીતા-પાળખીતા પાસેથી માંડ 1000 ડૉલર ભેગા કરી શક્યો એટલે તેણે જઈને દવાવાળાને કહ્યું કે, ‘મારી પત્ની મરણને આરે છે એટલે કાં તો પેલી દવા મને તું ઓછી કિંમતે આપ અથવા પૈસા બાકી રાખ. પછીથી હું તને તે આપી દઈશ’; પરંતુ દવાવાળાએ કહ્યું, ‘મેં આ દવા શોધી છે અને તેમાંથી હું પૈસા બનાવવા માગું છું.’ આથી હાઇન્સે રાત્રે દુકાન તોડીને પોતાની પત્ની માટે તે દવા ચોરી લીધી.
આ કિસ્સો વાંચીને બાળકે નક્કી કરવાનું છે હાઇન્સે દવાની ચોરી કરવી જોઈતી હતી ? તેમ કરવામાં તેણે સારું કર્યું હતું કે ખોટું ? શા માટે ?
આવી પરિસ્થિતિમાં નૈતિક નિર્ણય કરવામાં બાળક નીચેનાં જેવાં છ સોપાનોમાંથી કોઈક સોપાન પર હોય છે :
|
હા | ના |
1 | 2 |
3 |
સોપાન 1 : આજ્ઞાના પાલન કે શિક્ષા પ્રત્યે અભિમુખતા. જે નિયમો લાદે છે તે શક્તિમાંથી વર્તનના નિયમો ઉદભવે છે. |
દવા ચોરી લેવી તે કંઈ ખોટું નથી. તે ખરેખર તો 200 ડૉલરની કિંમતની છે અને હાઇન્સ ચોરી કરવામાં પકડાઈ નહિ જાય. |
દવાની કિંમત 2000 ડૉલર છે અને તેથી તેવડી મોટી ચોરી કરવી તે ગુનો છે. વળી કદાચ હાઇન્સ પકડાઈ જાય તો તેને શિક્ષા થાય. |
સોપાન 2 : જે કરવાથી સુખ મળે તે વર્તન પ્રત્યે અભિમુખતા. પોતાના સ્વાર્થ માટે વ્યાવહારિક હેતુઓ દ્વારા વર્તનના નિયમો ઉદભવે. |
જો હાઇન્સે પોતાની પત્ની ગુમાવવી ન હોય તો તેણે દવાની ચોરી કરવી જ જોઈએ. માત્ર ચોરી કરવાથી જ તે મળે એમ છે. |
પોતાની પત્ની માટે પોતાને સજા ભોગવવી પડે એવું જોખમ હાઇન્સે ખેડવું ન જોઈએ. જો પત્ની મરી જાય તો તે બીજી પત્ની કરી શકે છે. તેણે પેલી માંદી પત્ની માટે આટલો બધો ભોગ આપવો ન જોઈએ. |
સોપાન 3 : પરસ્પર મેળ પ્રત્યે અભિમુખતા. પોતે ‘સારો’ માણસ કે પતિ કે અમેરિકન ગણાય તેવા વર્તનમાંથી વર્તનના નિયમો ઉદભવે. |
હાઇન્સ માટે અન્ય કોઈ માર્ગ ન હતો. સારા પતિએ દવાની ચોરી કરી પત્નીને બચાવવી જ જોઈએ. જો તે તેમ ન કરે તો લોકો તેને દોષ દે. |
હાઇન્સે દવાની ચોરી કરવી જોઈએ નહિ. દવાની ચોરી ન કરવા માટે કાંઈ તેને કોઈ દોષ દેશે નહિ. સારા નાગરિકથી ચોરી ન કરાય. |
સોપાન 4 : સ્થાપિત સમાજની વ્યવસ્થા પ્રત્યે અભિમુખતા. સમાજની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોતાની ફરજ શી છે તેમાંથી વર્તનના નિયમો ઉદભવે. |
જ્યારે હાઇન્સે લગ્ન કર્યાં ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી હતી કે તેણે પોતાની પત્નીનું રક્ષણ કરવું. તે પ્રતિજ્ઞા પાળવા તેણે દવાની ચોરી કરવી જોઈએ. જો પતિઓ પત્નીઓનું રક્ષણ નહિ કરે તો કુટુંબની વ્યવસ્થા અને તેની સાથે સમાજ તૂટી પડશે. |
ચોરી કરવી તે ગેરકાયદે છે. હાઇન્સે ગમે તે ભોગે પણ સમાજના કાયદાનું પાલન કરવું જોઈએ. જો બધા ચોરી કરે તો સમાજ ક્યાં જશે તેની કલ્પના કરો. |
સોપાન 5 : ‘સામાજિક કરાર’ પ્રત્યે અભિમુખતા. વ્યક્તિઓની અને સરકારોની પરસ્પર ફરજો અને તેમના હકોમાંથી વર્તનના નિયમો ઉદભવે. |
હાઇન્સે દવાની ચોરી કરવી જ જોઈએ. પોતાની પત્નીના જીવવા માટેના હકનું રક્ષણ કાયદો કરી શકતો નથી તેથી, તેવા કાયદાનું પાલન કરવાની કાંઈ હાઇન્સની જવાબદારી નથી. |
સમાજના સભ્ય તરીકે હાઇન્સે દવાવાળાની પોતાની મિલકતના હક પ્રત્યે આદર દાખવવો જોઈએ. તેથી દવાની ચોરી કરવી તે ખોટું ગણાય. |
સોપાન 6 : નીતિશાસ્ત્રના નિયમો પ્રત્યે અભિમુખતા. કાયદાની સત્તાથી પર એવા નિયમોમાંથી વર્તમાન નિયમો ઉદભવે. |
જીવનની પવિત્રતાના નિયમમાંથી એવું ફલિત થાય છે કે હાઇન્સે દવાની ચોરી કરવી જોઈએ, પછી ભલે કાયદો ગમે તે કહેતો હોય. |
માત્ર પોતાની પત્નીને બચાવી શકે તે માટે સમાજના ‘બહુજનહિતાય’ સિદ્ધાંતથી એવું ફલિત થાય છે કે ન્યાયની દૃષ્ટિએ હાઇન્સે દવાની ચોરી કરવી જોઈએ નહિ. |
કોહ્લબર્ગે આવા ઘણા કિસ્સા બતાવ્યા છે. તેમાં બાળક જે નિર્ણય કરે અને તેનાં કારણો આપે તે પરથી તે નૈતિક નિર્ણયના કયા સોપાન સુધી પહોંચ્યો છે તે નક્કી થાય. આ સોપાનો બધા સમાજોમાં એકસરખાં જોવા મળ્યાં છે એમ કોહ્લબર્ગ માને છે. ઝ્યાં પ્યાઝેની પૂર્વ-રૂઢિગત કક્ષા, રૂઢિગત કક્ષા અને ઉત્તર-રૂઢિગત કક્ષા પરથી કોહ્લબર્ગે આ છ સોપાનો રચ્યાં છે.
કૃષ્ણકાંત ગો. દેસાઈ