કોહૂટેક ધૂમકેતુ : અંતરીક્ષયાન (space craft) દ્વારા અભ્યાસનો વિષય બનેલ સૌપ્રથમ ધૂમકેતુ. ખગોળવિજ્ઞાનની ભાષામાં તેને 1973 XII વડે દર્શાવવામાં આવે છે. જર્મનીની હૅમ્બર્ગ વેધશાળાના 80 સેમી. શ્મિટ ટેલિસ્કોપ વડે ચેકોસ્લોવાકિયાના ખગોળશાસ્ત્રી ડૉ. લુબો કોહૂટેકે 7 માર્ચ 1973ની રાત્રે આશ્લેષા નક્ષત્ર પાસેના વિસ્તારની લીધેલી છબી ઉપરથી આ ધૂમકેતુની શોધ થઈ હતી. ભ્રમણકક્ષાના પ્રારંભિક અવલોકન મુજબ ‘વેસ્ટ’ ધૂમકેતુની જેમ તેનો પરિભ્રમણકાળ પણ 16,000 વર્ષનો ગણવામાં આવ્યો હતો. 28 ડિસેમ્બર 1973ના રોજ ગ્રિનિચ મધ્યમ સમય (GMT) પ્રમાણે 11 વાગ્યે તે 0.14 Astronomical Unit – AU (એટલે આશરે 2 કરોડ 13 લાખ મીટર) જેટલા સૂર્યનિકટતમ (perihelion) અંતરેથી પસાર થયો હતો અને તેનું ભ્રમણતલ ગ્રહણતલ સાથે 14°નો નમનકોણ (t) બનાવતું હતું. તેની પ્રારંભિક ભ્રમણકક્ષા દીર્ઘ વર્તુળાકાર (elliptical) હતી, પરંતુ સૂર્યમંડળના વિરાટ ગ્રહોની ગુરુત્વાકર્ષણની અસર હેઠળ બદલાઈને તે અતિપરવલયાકાર (hyperbolic) થઈ હતી. તેની ભ્રમણકક્ષાની ઉપકેન્દ્રતા (eccentricity) ‘‘e’’નું મૂલ્ય 1.000008 (એટલે કે > i) જેટલું હોવાથી, આ ધૂમકેતુ સૂર્યમંડળને છોડીને કાયમને માટે અવકાશમાં ચાલ્યો ગયો છે.
સૂર્યનિકટતમ બિંદુ પાસેથી તે પસાર થયો ત્યારે પ્રતિ સેકંડે 75 ટન જેટલું તેનું દ્રવ્ય છૂટું પડતું હતું. તે સમયે ધૂમકેતુમાંથી બહાર ફેંકાતા દ્રવ્યમાંના 0.1થી 1.0 મિમી. વ્યાસના મોટા રજકણોને લઈને, સામાન્યત: સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાતી પ્લાઝમા તથા ધૂળિયા પૂંછડીઓ ઉપરાંત સૂર્ય તરફની દિશામાં એક ઊલટી પૂંછડી (anti tail or anomalous tail) પણ જોવામાં આવી હતી. તેની તેજસ્વિતા અંગેનું પૂર્વાનુમાન ખોટું પડ્યું હતું કારણ કે તેની તેજસ્વિતામાં ધારણા મુજબ કોઈ નોંધપાત્ર વધારો જણાયો ન હતો. ભ્રમણકક્ષાનો નમનકોણ (i) માત્ર 14° જેટલો હોવાને કારણ નવેમ્બર 1973થી ફેબ્રુઆરી 1974 સુધી તેનું ક્ષિતિજસાપેક્ષ સ્થાન, વૈજ્ઞાનિક અવલોકનો માટે સાનુકૂળ હતું.
પૃથ્વી ઉપરની વેધશાળાઓ, ઉપકરણોથી સજ્જ વિમાન તથા રૉકેટ દ્વારા લેવાયેલાં અવલોકનો ઉપરાંત, અંતરીક્ષમાં તરતી રાખેલી NASAની સમાનવ પ્રયોગશાળા – ‘સ્કાયલૅબ’ – તથા શુક્ર અને બુધના ગ્રહની મુલાકાતે જઈ રહેલ અવકાશયાન ‘મૅરિનર 10’ દ્વારા ધૂમકેતુ કોહૂટેકનાં બહુમૂલ્ય અંતરીક્ષી અવલોકનો પણ સાંપડ્યાં હતાં. તેના શીર્ષ નજીકના આશરે ચાર કરોડ કિમી. જેટલો વ્યાસ ધરાવતા વિસ્તારમાં હાઇડ્રોજન-ઉત્સર્જિત વિકિરણો જણાયાં છે. શીર્ષ આસપાસના 15000 કિમી.માં H2Oનું OH અને Hમાં તથા 45,000 કિમી. અંતરેથી સૌર વિકિરણો દ્વારા OHનું O અને Hમાં સંકલિત વિઘટન (integrated disintegration) થાય છે. રેડિયોતરંગીય અવલોકનો સૌપ્રથમ લેવાયાં હોય તેવા ધૂમકેતુ તરીકે પણ કોહૂટેક ધૂમકેતુ પ્રખ્યાત છે. તેના માઇક્રોવેવ વર્ણપટમાં હાઇડ્રોજન સાયનાઇડ (HCN) અને મિથાઇલ સાયનાઇડ(CH3CN)ની વિશિષ્ટ રેખાઓ દેખાય છે. તેમની હાજરી આંતરતારકીય અવકાશમાં પણ જણાઈ છે; તેથી આંતરતારકીય વાદળ (interstellar cloud) ગ્રહીય તકતી (disc) સુધી સંકોચાયું હશે ત્યારે તેમાંથી ધૂમકેતુઓ બન્યા હશે તેવા મતને પુષ્ટિ મળે છે.
પ્ર. દી. અંગ્રેજી