કોસ્ટરેન્જ

January, 2008

કોસ્ટરેન્જ : ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે સાન્ટા બાર્બરા- (કૅલિફૉર્નિયા)ની સમીપથી શરૂ થઈને મેક્સિકો, બાજા, કૅલિફૉર્નિયા, ઑરેગોન, વૉશિંગ્ટન, બ્રિટિશ કોલંબિયા થઈને કેનાઈ દ્વીપકલ્પ (અલાસ્કા) સુધી વિસ્તરેલી પર્વતીય હારમાળા. ભૌગોલિક સ્થાન : 41° 00´ ઉ. અ. અને 123° 00´ પ.રે. તેની પૂર્વમાં કૅલિફૉર્નિયાની ગ્રેટ વૅલી અને ઑરેગોનની વિલમેટ ખીણ આવેલ છે. કૅનેડામાં જ્વાળામુખીય શિખરોનો બનેલો માઉન્ટ લોગન ઊંચામાં ઊંચો (5,950 મી.) પર્વત છે. દક્ષિણ તરફ આ હારમાળામાં વિશ્વનો એક સૌથી લાંબું બૅથલિથ પ્રકારનું પર્વતજૂથ આવેલું છે, જેમાં ખડકો વિશાળ કમાન આકારે જોવા મળે છે. હિમકૃત ઘસારાને કારણે તીક્ષ્ણ ગિરિશૃંગો અને કરાડો ર્દશ્યમાન થાય છે. કેટલાક ભાગોમાં વાણિજ્ય અને મિશ્ર ખેતી પ્રવૃત્તિ, ડેરી પ્રવૃત્તિ અને શંકુદ્રુમ જંગલોની પેદાશો મેળવવાની પ્રવૃત્તિ વિકસી છે. દક્ષિણ અલાસ્કામાં સેન્ટ ઍલિઆસ પર્વત આવેલો છે.

વસંત ચંદુલાલ શેઠ