કોષચક્ર

January, 2008

કોષચક્ર : કોષોનું જીવનચક્ર. કોષના જીવનના મહત્વના તબક્કાઓ એટલે તેનો ઉદભવ, તેનું વિભેદન (differentiation), તેનું જીવનકાર્ય, તેનો નાશ અથવા સંખ્યાવૃદ્ધિ માટે તેનું દ્વિભાજન (mitosis) અને આ દ્વિભાજનને અંતે ઉદભવતા નવા કોષોનું પણ જીવન ક્રમશ: આ જ રીતે ચાલે. જનકકોષમાંથી કોષદ્વિભાજન દ્વારા ઉદભવતો કોષ જો સંખ્યાવૃદ્ધિની તાત્કાલિક જરૂર ન હોય તો પુખ્તતા (maturity) મેળવે છે અને તે માટે તેમાં વિશિષ્ટ ગુણો અને દેખાવ ઉદભવે છે. આ પ્રક્રિયાને વિભેદન કહે છે. વિભેદન પામેલો કોષ તેને કરવાનું નિશ્ચિત કાર્ય કરે છે. જેમ કે યકૃતકોષ (liver cell) ચયાપચયનું કાર્ય કરે, સ્નાયુકોષ સંકોચનનું કાર્ય કરે અને ચેતાકોષ ચેતાના આવેગો સર્જે અથવા તેમનું વહન કરે. દરેક પેશીમાં મુખ્ય કોષો આવા વિભેદિત કોષો હોય છે. ઈજા કે ઘસારાને કારણે તેમ જ સમયાંતરિત નવીનીકરણ માટે નવા કોષો ઉત્પન્ન કરવાની જરૂર રહે છે. આ સમયે સ્થિર સ્થિતિમાં રહેલા કોષોમાં વિવિધ, હાલ મોટે ભાગે અજ્ઞાત રહેતાં પરિબળો તેમને સક્રિય કોષચક્રમાં પ્રવેશ આપે છે અને તે સ્થિર સ્થિતિમાં દેખાવા છતાં કોષના દ્વિભાજન માટે તૈયાર થાય છે.

કોષચક્ર : G0, G1, G2 સ્થિરસ્થિતિના તબક્કા; S – રંગસૂત્ર અને DNAના દ્રવ્યનું સંશ્લેષ્ણ M-દ્વિભાજન

આમ, બે પ્રકારની સ્થિર સ્થિતિઓ છે : (અ) પ્રથમ સ્થિરસ્થિતિ કે જેમાં વિભેદિત કોષ તેનું દેહધર્મી (physiological) કાર્ય કરતો હોય અને બીજી સ્થિર સ્થિતિ કે જેમાં કોષ દ્વિભાજન માટે તૈયાર થતો હોય. બંને તબક્કાઓમાં કોષનું દ્વિભાજન થતું હોતું નથી તેથી તેને રિક્ત તબક્કાઓ (gap periods) કહે છે. તેમને અનુક્રમે G0 અને G1ની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. G0 તબક્કાના વિભેદિત કાર્યરત કોષો પેશીનું દેહધાર્મિક કાર્ય કરે છે અને G1 તબક્કાના કોષો કોષદ્વિભાજન માટે તૈયાર થાય છે. G1 તબક્કા પછી આવતો તબક્કો રંગસૂત્રો અથવા DNAના સંશ્ર્લેષણ(synthesis)નો તબક્કો છે. તેને ‘S’ તબક્કો કહે છે. આ સમયે રંગસૂત્રો તેમજ કોષરસ (cytoplasm) અને કોષ-અંગિકાઓ(organelles)નું પણ સંશ્લેષણ થાય છે. તેથી કોષનું દ્રવ્ય તથા કદ વધે છે. સંશ્લેષણના તબક્કા પછી કોષ ફરીથી સ્થિરસ્થિતિ ધારણ કરે છે. આ ત્રીજી સ્થિરસ્થિતિના તબક્કાને G2 તબક્કો કહે છે. તેના પછી તરત કોષ દ્વિભાજનના વિવિધ ઉપ-તબક્કામાં ક્રમશ: પ્રવેશે (M તબક્કો) છે. આમ એક જનકકોષમાંથી બે સંતતિકોષો ઉદભવે છે જે જરૂરિયાત પ્રમાણે G0 કે G1 તબક્કામાં પ્રવેશીને પોતાનું કાર્ય કરે છે.

કોષચક્રની સંકલ્પનાની મદદથી કૅન્સર સામે વપરાતી દવાઓનાં વર્ગીકરણ, તેમજ એકથી વધુ દવાઓ વડે કરાતી કૅન્સરની ઔષધસમૂહ (combination chemotherapy) વડે કરાતી સારવારમાં દવાઓની પસંદગી, ક્રમ અને તેમની વચ્ચેના સમયગાળાનો નિર્ણય કરી શકાય છે. તેને કારણે દવાઓની અસર વધારી શકાય છે. કોષચક્રની સંકલ્પના કૅન્સરની ગાંઠ તથા સંખ્યાવૃદ્ધિ કરતી પેશીઓના વૃદ્ધિકારી અંશ (growth fraction) અને દ્વિગુણનકાળ(doubling time)ની સંકલ્પનાઓ સાથે સંકલિત છે.

શિલીન નં. શુક્લ