કોલ્લમ (Kollam) : કેરળ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 9° 27′ ઉ. અ.થી 8° 45′ ઉ. અ. અને 76° 29′ પૂ. રે.થી 77° 17′ પૂ. રે. 2,491 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે રાજ્યના અલાપુઝા અને પથનમથિટ્ટા જિલ્લાઓ, પૂર્વમાં તામિલનાડુ રાજ્યનો તિરુનેલવેલી જિલ્લો, દક્ષિણમાં તિરુવનન્તપુરમ્ જિલ્લો તથા પશ્ચિમ તરફ લક્ષદ્વીપ સમુદ્ર આવેલા છે. 1981-91ના ગાળામાં થયેલી વસ્તીગણતરી વખતે તત્કાલીન ક્વિલોન જિલ્લાના બે વિભાગકોલ્લમ્ અને પથનમથિટ્ટાપાડવાથી આ નવો જિલ્લો અસ્તિત્ત્વમાં આવ્યો છે.

કોલ્લમ

ભૂપૃષ્ઠઆબોહવા : જિલ્લાનું ભૂપૃષ્ઠ ત્રણ કુદરતી વિભાગોમાં વહેંચાયેલું છે : દરિયાકાંઠા નજીકનો નીચાણવાળી ભૂમિનો પ્રદેશ, ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ અને ખીણોથી બનેલો મધ્ય ભાગ તથા પૂર્વ તરફનો જંગલ-આચ્છાદિત ઊંચાણવાળો પ્રદેશ. દરિયાકાંઠાથી ક્રમશ: ઊંચાઈ વધતી જાય છે, જે છેવટે પશ્ચિમ ઘાટમાં ભળી જાય છે. પશ્ચિમ ઘાટ તરફ ભૂપૃષ્ઠની સરેરાશ ઊંચાઈ 1,219 મીટર સુધી પહોંચે છે. કેરળ અને તામિલનાડુને જોડતો આર્યનકાવુ ઘાટ રેલમાર્ગ અને સડકમાર્ગથી સંકળાયેલો છે. આ રસ્તે ઘણાં બોગદાં આવેલાં છે, લાંબામાં લાંબું બોગદું 1 કિમી. લંબાઈ ધરાવે છે.

જિલ્લાની આબોહવા વિષુવવૃત્તીય પ્રકારની છે. મહત્તમ તાપમાન 32° સે અને લઘુતમ તાપમાન 21° સે. રહે છે. પહાડી પ્રદેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ 5,000-4,500 મિમી. જેટલો પડે છે. આ જિલ્લો રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો હોવાથી આખું વર્ષ ધીમો વરસાદ પડ્યા કરે છે.

જળપરિવાહ : જિલ્લામાં કલ્લાદા અને ઇથિકારા નામની બે નદીઓ વહે છે. જિલ્લાને આશરે 48 કિમી. જેટલો દરિયાકાંઠો મળેલો છે. કોલ્લમ્ અહીંનું મુખ્ય બારું છે, જ્યારે નીડાકરા અને કૉઇલથોટ્ટમ્ ગૌણ બંદરો છે. શાસ્તમકોટા અને અષ્ટમુડી અહીંનાં મુખ્ય સરોવરો છે; જ્યારે પારાવુર તેમજ ઇડાવા અને નડાયારા નામનાં નાનાં ખાડી સરોવરો (કયાલ) આવેલાં છે.

વનસ્પતિ : લાકડાં અહીંની મુખ્ય જંગલપેદાશ છે સાગ, રોઝવૂડ, જૅક, શ્વેત સીડાર, લૉરેલ, આયર્નવુડ, કરંજી, આમલી, ચેરુ જેવાં વૃક્ષો મુખ્ય છે.

ખેતીસિંચાઈપશુપાલન : ડાંગર, શેરડી, મરી, સોપારી અને ટૅપિયોકા અહીંની મુખ્ય ખેતીપેદાશો છે. રોકડિયા પાકોમાં નારિયેળ અને રબર, કાજુ, કેળાં, કઠોળ અને ચાનો સમાવેશ થાય છે. કલાદા અને પામ્બા નદી પરના પ્રકલ્પોનો સિંચાઈમાં ઉપયોગ થાય છે. તેમાંથી નીકળતી નહેરોથી સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય છે. જિલ્લાને મળેલો દરિયાકાંઠો મત્સ્યપાલન માટે ઉપયોગમાં લેવાય છે અને જિલ્લાનું મોટા ભાગનું અર્થતંત્ર તેના પર નભે છે. આ જિલ્લામાં પશુઉછેર પણ થાય છે.

ઉદ્યોગો : જિલ્લામાં 16 જેટલા ઉદ્યોગો કાર્યરત છે. અહીં ઇલ્મેનાઇટ, મૉનેઝાઇટ, ઝિરકોન, રુટાઇલ અને સિલિમેનાઇટ જેવાં ખનિજો મળી આવે છે. કોલ્લમ્ ખાતે કાપડની મિલ આવેલી છે. આ ઉપરાંત સિરામિક્સના ઉદ્યોગ પૈકી પૉર્સેલેનનાં પાત્રો, પાઇપો, અગ્નિરોધક ઈંટો બનાવાય છે. કેરાલા ઇલેક્ટ્રિકલ ઍન્ડ ઍલાઇડ એંજિનિયરિંગ કંપની ટ્રાન્સફૉર્મરો, સ્વિચગિયર તેમજ વીજળીને લગતાં અન્ય સાધનો બનાવે છે. ગૃહઉદ્યોગોમાં કાથી, વાંસની અને નેતરની ચીજવસ્તુઓ, કાષ્ઠ કોતરકામ, સાદડીઓ, થેલા, હૅટ, પટ્ટા વગેરેનો સમાવેશ થાય છે.

વેપાર : જિલ્લામાં કાથી, મરી, કાગળ, કાજુ, હાથસાળનું કાપડ વગેરેનો વેપાર ચાલે છે. કાથી, રબરની પેદાશો, કાજુની નિકાસ તથા ઘઉં, ચોખા, શાકભાજી, ખાંડ, સિમેન્ટ અને લાકડાની આયાત કરવામાં આવે છે.

પરિવહન : કોલ્લમ્, નીડાકાર તેમજ કૉઇલથોટ્ટમ્ બંદરો પરથી અવરજવર તથા વેપારી કામકાજ થાય છે. તે તિરુવનન્તપુરમ્ અને અલાપુઝા સાથે સંકળાયેલાં છે. જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્ય ઘોરી માર્ગોની સારી સુવિધા છે. મોટા ભાગનાં ગામડાં આ માર્ગો સાથે જોડાયેલાં છે.

પ્રવાસન : ભગવાન પરશુરામે સ્થાપેલું અચનકૉઇલ ખાતેનું તીર્થક્ષેત્ર, મંડલપૂજાના ઉત્સવ માટેનું અરિયનકાવુનું સ્થળ, કલામાલાની મસ્જિદનું એનાથનું સ્થળ, કલથુપુઝાની હરિયાળી ખીણ, મન્નાડીનું ઐતિહાસિક શહીદસ્થળ, કલાદા નદી પરનો ઝૂલતો પુલ, શિવ, વિષ્ણુ અને સરસ્વતીનાં મંદિરો, કોલ્લમનું પ્રાચીન સમયથી જાણીતું બનેલું વેપારી-મથક અહીંનાં જોવાલાયક સ્થળો છે. વારતહેવારે જિલ્લાનાં વિવિધ સ્થળોમાં ઉત્સવોનું તેમજ મેળાઓનું આયોજન થાય છે.

વસ્તીલોકો : 2011 મુજબ જિલ્લાની વસ્તી 26,29,706 જેટલી હતી. અહીંના લોકોની મુખ્ય ભાષા મલયાળમ અને તમિળ છે. અહીંના લોકો અંગ્રેજી ભાષાનો પણ ઉપયોગ કરે છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી લોકોની વસ્તી વિશેષ છે. અહીંના આશરે 90% લોકો શિક્ષિત છે.

ઇતિહાસ : અગાઉના સમયમાં ક્વિલોન જિલ્લો ત્રાવણકોર રાજ્યનો એક અંતર્ગત ભાગ હતો. 1835માં ત્રાવણકોર રાજ્યનું ઉત્તર અને દક્ષિણ વિભાગોમાં વિભાજન કરવામાં આવ્યું ત્યારે ક્વિલોનને દક્ષિણ વિભાગનું મુખ્ય મથક બનાવેલું. 1949માં પહેલી જુલાઈએ ત્રાવણકોર અને કોચીન રાજ્યોને ભેળવી દેવામાં આવ્યાં.

ગિરીશભાઈ પંડ્યા