કોલ્મૅન ઓર્નિટ

January, 2008

કોલ્મૅન, ઓર્નિટ (Coleman, Ornette) (જ. 19 માર્ચ 1930, ફૉર્ટ વર્થ, ટૅક્સાસ, અમેરિકા) : અગ્રણી જાઝ-સેક્સોફોનવાદક, સંગીતનિયોજક તથા ‘ફ્રી જાઝ’ નામે ઓળખાતી જાઝ-શૈલીનો પ્રણેતા.

ઓર્નિટ કોલ્મૅન

ચૌદ વરસની ઉંમરે કોલ્મૅને સેક્સોફોન શીખવું શરૂ કર્યું અને બેત્રણ વરસમાં જ એમાં નૈપુણ્ય હાંસલ કર્યું. 1949માં ‘બ્લૂઝ’ શૈલીના એક જાઝ-બૅન્ડ સાથે તેમણે અમેરિકાની યાત્રા કરી ઠેર ઠેર સંગીતના જલસા કર્યા. થોડા સમય માટે ન્યૂ ઑર્લિન્સમાં સ્થિર થઈ 1950માં ટૅક્સાસ પાછા ફર્યા. 1952માં લૉસ એન્જેલસ જઈ એક મકાનમાં લિફ્ટ-ઑપરેટરની નોકરી કરી અને સાથે સાથે સંગીતના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો. 1955માં તેમણે પોતાની સાથે ટ્રમ્પેટ વાદક ડૉન ચેરી, ડ્રમર બિલી હિગિન્સ અને બાસ ચેલિસ્ટ ચાર્લી હેડન સાથે ક્વાર્ટો બૅન્ડ રચ્યું તથા આ ચાર વાદકો માટેની બે ઉત્તમ કૃતિઓ સર્જી : ‘સમથિંગ એલ્સ’ (1958) અને ‘ધ શેઇપ ઑવ્ જાઝ ટુ કમ’ (1959). 1959માં આ ત્રણેય સંગીતકારો સાથે કૉલ્મૅન ન્યૂયૉર્ક નગરમાં સ્થિર થયા; જ્યાં તેમણે ‘ફ્રી જાઝ’ શૈલી વિકસાવી, જેમાં મુખડું (opening theme) જ નિશ્ચિત હોય અને પછીનું સંગીત નિર્બંધ સ્વર, ગતિ, લય, હાર્મની ધરાવતું સહજસ્ફુરિત ‘ઇમ્પ્રુવાઇઝન’ હોય.

1963થી 1970 સુધી કૉલ્મૅને પોતાના ત્રણ સાથી સંગીતકારો સાથે અમેરિકા અને યુરોપનો પ્રવાસ કરી સંગીતના અનેક જલસા કર્યા. પોતાના ચાર વાદકના જૂથ ક્વાર્ટેટનાં સિમ્ફનિક ઑર્કેસ્ટ્રા સાથેની જુગલબંધીની રચના ‘ સ્કાઇઝ ઑવ્ અમેરિકા’ લખી. આ રચના લખવા માટે તેમને ગુગેન્હાઇમ (Guggenheim) ફેલોશિપ મળી હતી. 1975માં તેમણે સાત જાઝવાદકોના જૂથ ‘ઑર્નિટ કોલ્પૅન સેપ્ટેટ’ની સ્થાપના કરી. 1979માં તેમણે ઇલેક્ટ્રિક વાજિંત્રોની સંગીતમંડળી ‘પ્રાઇમ ટાઇમ’ની સ્થાપના કરી; જે જાઝ, રૉક, બ્લૂઝ અને ફન્ક જેવી આધુનિક શૈલીઓનું ફ્યુઝન-મિશ્રણરૂપ સંગીત વગાડતી.

એ. બી. સ્પેલ્મૅન કૉલ્મૅનની જીવનકથા ‘ફોર લાઇવ્ઝ ઇન ધ બૅબોય બિઝનેસ’ (1966) લખી, જેનું પુન:સંસ્કરણ ‘બ્લૅક મ્યુઝિક, ફોર લાઇવ્ઝ’ (1970) શીર્ષક હેઠળ છપાયેલ. પોતાની પછીની પેઢીના જાઝ-સંગીતકારો ઉપર કૉલ્મૅનનો ભારે પ્રભાવ રહ્યો છે.

અમિતાભ મડિયા