કોલ્ડ્સ્ટ્રીમ વિલિયમ સર

January, 2008

કોલ્ડ્સ્ટ્રીમ, વિલિયમ સર (જ. 28 ફેબ્રુઆરી 1908, નૉર્ધમ્બર્લૅન્ડ, બ્રિટન; અ. 18 ફેબ્રુઆરી 1987, બ્રિટન) : પ્રભાવવાદી શૈલીમાં નગરદૃશ્યોનું આલેખન કરનાર બ્રિટિશ ચિત્રકાર. લંડન ખાતેની સ્લેઇડ સ્કૂલમાં કલાની તાલીમ લીધા પછી લંડન ગ્રૂપ નામના ચિત્રકાર જૂથમાં તેઓ જોડાયા. 1934થી 1937 સુધી ફિલ્મનિર્માણક્ષેત્રે નટનટીઓ પાછળનું પર્યાવરણ ગોઠવવાનું કામ કર્યું. પ્રસિદ્ધ કલાવિવેચક કેનીથ ક્લાર્કે તેમને 1938માં ફરીથી ચિત્રો ચીતરવા તરફ વાળ્યા. બ્રિટિશ ચિત્રકારો વિક્ટોર પાસ્મોરે અને ક્લોડ રોજર્સ દ્વારા સ્થપાયેલ કલાજૂથ ‘યુસ્ટન’ રોડ સ્કૂલમાં તેઓ જોડાયા; અને પ્રભાવવાદી શૈલીમાં નગરદૃશ્યોને આલેખવાનું શરૂ કર્યું. બ્રિટન, ઇટાલી અને ઇજિપ્તના પ્રવાસો કરી ત્યાંનાં નગરો તેમણે આલેખ્યાં. નગરદૃશ્યો ઉપરાંત તેમણે નગ્ન માનવઆકૃતિઓ અને વ્યક્તિચિત્રો પણ આલેખ્યાં છે. 1960માં બ્રિટનમાં કલાશિક્ષણ ઉપરનો તેમણે તૈયાર કરેલો ‘કોલ્ડ્સ્ટ્રીમ રિપૉર્ટ’ અગત્યનો ગણાયો છે. આ રિપૉર્ટને કારણે બ્રિટનમાં શાળા-કક્ષાએ કલાશિક્ષણનું માળખું બદલવામાં આવ્યું છે.

અમિતાભ મડિયા