કોલેસ્ટેરૉલ (આયુર્વિજ્ઞાન) : સ્ટેરૉલ વર્ગમાં રહેલો એક અગત્યનો રાસાયણિક ઘટક. તે વનસ્પતિમાં નથી હોતો પણ સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે. તેનું સૌથી વધારે પ્રમાણ મગજના ચેતાતંતુમાં, અધિવૃક્કના બાહ્યક(adrenal cortex)માં, શુક્રપિંડ(testis)માં અને ઈંડાના પીળા ભાગમાં હોય છે. તેનું મધ્યમસરનું પ્રમાણ યકૃત, બરોળ, મૂત્રપિંડ અને ચામડીમાં જોવા મળે છે. તે પાણીમાં દ્રાવ્ય નથી; પરંતુ ઈથર, ક્લૉરોફૉર્મ, બેન્ઝીન અને દારૂ જેવા પ્રવાહીમાં ઓગળે છે. કોલેસ્ટેરૉલ એ પિત્ત અમ્લ (bile acid) , અધિવૃક્ક ગ્રંથિના અંત:સ્રાવો અને અમુક લૈંગિક ગ્રંથિના અંત:સ્રાવોનું પુરોગામી છે. સૌપ્રથમ તેને પિત્તમાંથી છૂટું પાડવામાં આવેલ તેથી તેને ‘પિત્તના ઘટ્ટ દારૂ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિત્તની નળી (bile duct) અને પિત્તાશય (gall bladder)માં ઉદભવતી પથરીમાં તેનું વિષમ પ્રમાણ છે.
ખોરાકમાં કોઈ પણ પ્રકારે લીધેલા કોલેસ્ટેરૉલના અવશોષણ માટે અસંતૃપ્ત મેદીય અમ્લ(fatty acids) અને પિત્ત અમ્લ અગત્યનો ભાગ ભજવે છે. કોલેસ્ટેરૉલની તપાસ માટે સાલ્કોનીઝ ટેસ્ટ, લીબરમૅન-બર્ચાર્ડ રિઍક્શન અને ઝેડ મેથડ વગેરેનો ઉપયોગ થાય છે. શાકાહારી માણસોના શરીરમાં તેનું પ્રમાણ ઓછું હોય છે. રાસાયણિક ક્રિયાઓ દ્વારા કોલેસ્ટેરૉલની અપચય(catabolism)ની ક્રિયા યકૃત(liver)માં થાય છે. 60 % જેટલા પ્રમાણમાં તે પિત્ત અમ્લમાં રૂપાંતર થઈને પિત્તરસમાં બહાર પડે છે. વિવિધ અંત:સ્રાવી ગ્રંથિના અંત:સ્રાવ બનાવવામાં અને વિટામિન-ડી3ના સંશ્લેષણમાં પણ તેનો ઉપયોગ થાય છે.
કોલેસ્ટેરૉલનું લોહીમાં પ્રમાણ 150થી 250 મિગ્રા. % હોય છે. તે ગલગ્રંથિ(thyroid)ના અલ્પસ્રાવવાળા વિકાર(myxoedema)માં તેમજ મૂત્રપિંડશોફ સંલક્ષણ(nephrotic syndrome)માં વધે છે. કોલેસ્ટેરૉલનું પ્રમાણ શરીરમાં વધે છે ત્યારે શરીરની ધમનીઓની દીવાલ જાડી થતી જાય છે. તેને પોપડીજન્ય ધમનીકાઠિન્ય (atherosclerosis) કહે છે. તેને કારણે તે ભાગને લોહી ઓછું મળે છે. આથી હૃદયરોગનો હુમલો, મગજનો લકવો તથા લોહીના દબાણના રોગો થાય છે. કોલેસ્ટેરૉલને તેના વાહક લાઇપોપ્રોટીન સાથેના જોડાણને આધારે વિવિધ પ્રકારોમાં વહેંચવામાં આવે છે. દા.ત., વધુ ઘનતાવાળું લાઇપોપ્રોટીન (high density lipoprotein, HDL), ઓછી ઘનતાવાળું લાઇપોપ્રોટીન (LDL), બહુ જ ઓછી ઘનતાવાળું લાઇપોપ્રોટીન (VLDL) વગેરે. બધા જ પ્રકારના કોલેસ્ટેરૉલ જોખમી હોતા નથી. HDLનું વધુ પ્રમાણ હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે જ્યારે LDLની અસર તેનાથી વિપરીત છે. તેને કારણે તે બંને પ્રકારના લાઇપોપ્રોટીન સાથે જોડાયેલા કોલેસ્ટેરૉલના ગુણોત્તર પ્રમાણને ધ્યાનમાં રાખીને સલાહસૂચનો અપાય છે. ઘણી વાર લોહીમાં કોલેસ્ટેરૉલ વધવાનું વારસાગત હોય છે. તેનું પ્રમાણ શરીરમાં વધવાથી પીતઅર્બુદ (xanthoma) નામની ગાંઠો ચામડી પર થાય છે. મધુપ્રમેહના દર્દીઓમાં પણ તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. યકૃત અને પિત્તના રોગોમાં તથા દારૂના વધારે પડતા સેવનથી પણ કોલેસ્ટેરૉલનું પ્રમાણ શરીરમાં વધે છે.
લોહીની નળી જાડી થવાના રોગો વધારે પ્રમાણમાં અમેરિકામાં જોવા મળે છે, જ્યારે આર્થિક રીતે પછાત એવા આફ્રિકા અને પૂર્વ એશિયાના લોકોમાં આનું પ્રમાણ ઓછું છે. ચરબીયુક્ત પદાર્થ ઓછા ખાવાથી તથા દારૂ ન પીવાથી તેનું પ્રમાણ ઘટે છે. સાથે સાથે ક્લોફિબ્રેટ, ગુવારગમ, નિકોટિનિક ઍસિડ, કોલેસ્ટિરેમાઇન વગેરે ઔષધો ઉપલબ્ધ છે. નિયમિત કસરત પણ કોલેસ્ટેરૉલના નિયમનમાં ઉપયોગી છે.
ભરત ત્રિવેદી