કોર્ટેઝ, હરનાદો (જ. 1485, મેડેલિન; અ. 2 ડિસેમ્બર 1547, સ્પેન) : સ્પૅનિશ સાહસિક. 1504માં તે વેસ્ટ ઇન્ડિઝ ગયો. 1518માં તેને નાના સૈન્યદળ સાથે મેક્સિકો મોકલવામાં આવ્યો. થોડા જ સમયમાં આઝ્ટેક રાજ્યકર્તા મૉન્ટેઝુમાને તાબે કરીને અને ગંભીર પરિસ્થિતિનો સામનો કરીને પોતાના ઇન્ડિયન મિત્રોના સાથથી તેણે મેક્સિકો નગર જીતી લીધું.
તેથી તેને એ પ્રદેશનો ગવર્નર-જનરલ બનાવવામાં આવ્યો; પરંતુ 1528માં તે વતન પાછો ફર્યો. 1530માં ફરી તે મેક્સિકો ગયો જ્યાં તે દશ વર્ષ રહ્યો. અલ્જિયર્સ ઉપરની ચડાઈ પછી તેનું અવસાન થયું. તેના મૃતદેહને મેક્સિકો નગરમાં દફનાવવામાં આવ્યો હતો.
યતીન્દ્ર દીક્ષિત