કોરી, ઈલિયાસ જેમ્સ (જ. 12 જુલાઈ 1928, મૅથ્યુએન, યુ.એસ.) : પ્રખર કાર્બનિક રસાયણવિદ અને મોટા સંકીર્ણ અણુઓના સંશ્લેષણને સરળ બનાવતી પશ્ચસાંશ્લેષિત (retrosynthetic) વિશ્લેષણપદ્ધતિ અંગેના સંશોધનકાર્ય બદલ 1990ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી 1948માં સ્નાતક(B.S.)ની અને 1951માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉય, ચેમ્પેઇન-ઉર્બાના ખાતે સૌપ્રથમ નિર્દેશક તરીકે શૈક્ષણિક હોદ્દો સંભાળેલો (1951-59). 1959માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક જ્યારે 1968માં શેલ્ડન એમરી પ્રાધ્યાપક બન્યા. ત્યાં તેમણે તે સમયમાં ફક્ત કુદરતમાં જ પ્રાપ્ય એવા 100 જેટલા અણુઓનું સંશ્લેષણ કરેલું.
અંત:સ્રાવો જેવાં પ્રોસ્ટાગ્લેન્ડિન સંયોજનો કે જે વંધ્યપણા(infertility)ના ઉપચાર તથા પ્રસવ પ્રેરવા માટે વપરાય છે. તેના એક વર્ગના સંશોધન માટે તેઓ નામાંકિત બનેલા. મૂળ જિન્કગો (ginkgo) વૃક્ષમાંથી પારખવામાં આવેલ પદાર્થ જિન્કગોલાઇડ B તેમણે સૌપ્રથમ બનાવેલો. આ પદાર્થ દમ તેમજ રુધિર-પરિવહનની સારવારમાં વપરાય છે.
કોરી દ્વારા વિકસાવેલ પશ્ચસાંશ્લેષિત વિશ્લેષણની પદ્ધતિમાં પૂર્ણ અક્ષત (intact) અણુ લઈ, તેની સંરચનાનું ધ્યાનપૂર્વક પૃથક્કરણ કરી તેનું રાસાયણિક રીતે વિભાજન કરવામાં આવે છે. મૂળ લક્ષ્ય-અણુમાંના મુખ્ય ઘટકોને જોડતા રાસાયણિક આબંધો(bends)ને વ્યવસ્થિત રીતે તોડતા જવાથી રસાયણવિદોને છેવટે સાદા પૂર્વગામીઓનો સમુચ્ચ્ય (set) મળે છે. સાદી શક્ય રાસાયણિક પ્રક્રિયા દ્વારા શક્ય એટલા ઓછા તબક્કાઓ મારફતે આવા ભાગોનું પુન:જોડાણ કરવાથી લક્ષ્ય-અણુ મળે છે. તેમની પદ્ધતિને કારણે ઝડપથી, સસ્તું અને વધુ સક્ષમ રીતે સંશ્લેષણ શક્ય બને છે. તેમનાં બનાવેલાં કેટલાંક સંયોજનો પ્રતિરક્ષારસાયણ(immunocheme-stry)માં ઘણાં ઉપયોગી છે. નોબેલ પારિતોષિક-વિજેતા રોઆલ્ડ હૉફમૅને તેમની સંશ્લેષણપદ્ધતિને કુદરત સાથેની શેતરંજ(chess)ની રમત તરીકે ગણાવી છે.
શિકાગો, ઑક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓએ તેમને ડી.એસસી.ની માનાર્હ પદવી આપી છે. 1960માં તેમને અમેરિકન કેમિકલ સોસાયટીનો શુદ્ધ રસાયણશાસ્ત્રનો ઍવૉર્ડ; 1973માં લિનસ પાઉલિંગ ઍવૉર્ડ; 1974માં રેમ્સેન ઍવૉર્ડ; 1981માં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ તરફથી કેમિસ્ટ્રી પાયોનિયર ઍવૉર્ડ; 1982માં યુનિવર્સિટી ઑવ્ ઝુરિક તરફથી પોલ કાટર ઍવૉર્ડ; 1986માં વુલ્ફ ફાઉન્ડેશન તરફથી વુલ્ફ પ્રાઇઝ ઇન કેમિસ્ટ્રી જેવા અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
પ્રહ્લાદ બે. પટેલ