કોરિયાની કળા : પૂર્વ એશિયાના કોરિયા દેશની કળા. ઉત્તર પશ્ચિમના પડોશી દેશ ચીન અને પૂર્વના પડોશી દેશ જાપાનના પ્રભાવમાં કોરિયાની કળા વિકસી છે; છતાં કોરિયન કળામાં ચીની કળાની ભવ્યતા તથા પ્રશિષ્ટતા નથી અને જાપાની કળા જેવું શણગાર-તત્વ નથી. કોરિયાની કળામાં સાદગી અને સરળતાનું પ્રમાણ વધુ છે.
કોરિયન કળામાં રેખાઓને વધુ પડતી સીધી કે વધુ પડતી વળાંકયુક્ત દર્શાવવામાં આવતી નથી. ભડક રંગો પણ ટાળવામાં આવે છે. આમ એમાં આત્યંતિક રજૂઆતો કરવામાં આવતી નથી.
પહેલેથી જ ચીનનાં કલા, ઇતિહાસ અને સંસ્કૃતિની કોરિયા પર ઘેરી અસર પડી છે. પથ્થરયુગમાં મૉંગોલિયા અને ઉત્તર ચીનમાંથી માનવવસ્તી કોરિયામાં પ્રવેશી અને માનવવસાહતો સ્થપાઈ. આ પ્રથમ કોરિયાવાસીઓ હેરિન્ગ માછલીનાં હાડકાં, અને પથ્થરો ઉપર બીજા પથ્થરોના ઘસરકા પાડીને રેખા અને ટપકાંથી અમૂર્ત આકૃતિઓ રચી. ઉપરાંત માટીમાંથી નાનકડી મૂર્તિઓ પણ ઘડી, ચાકડા પર કુંભ પણ ઘડ્યા. આ પથ્થરયુગીન કુંભકળા ઉપર પર ચીની પથ્થરયુગીન કુંભકળાની અસર સ્પષ્ટ છે. એમાંના અંગ્રેજી ‘યુ’ આકારના ઘડા ઉપર લાલ પૃષ્ઠભૂમાં કાળા રંગથી ચિત્રણ કરેલું છે. કાંસ્ય યુગમાં ઈસવીસન પૂર્વે 108માં ચીનના હાન સામ્રાજ્યે ઉત્તર કોરિયામાં વસાહતો સ્થાપી હતી. હાલના પ્યોન્ગ્યાન શહેર નજીક આવેલ આવી એક વસાહત લોહાન્ગમાંથી સમગ્ર કોરિયામાં ચીની કળા પ્રસરી. ભાલા, તલવાર, કટારના ધાતુના હાથા ઉપર ઘોડા, હરણ, સાબર, ગાય, રીંછ, ઘેટા જેવી પશુઆકૃતિઓ કંડારાતી. આ આકૃતિઓ પૂરા યુરેશિયા અને સાઇબીરિયામાં વ્યાપક સ્કિથિયન કલાને મળતી આવે છે.
ઈસવી સન 372માં ચીનમાંથી કોરિયામાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થતાં કલાનો ત્વરિત વિકાસ થયો. ચિત્ર અને શિલ્પકૃતિઓના કદમાં પણ વધારો થયો. તત્કાલીન કોગુર્યો રાજવંશના રાજાઓએ મોટા કદનાં મંદિરો, પૅગોડા અને મઠ બાંધ્યાં; જેમાં બુદ્ધની મૂર્તિઓ કંડારવામાં આવી. છઠ્ઠી સદી સુધીમાં સિલા અને પાક્ચે રાજાઓએ પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા બૌદ્ધ કલાને વધુ વેગ મળ્યો. પંદરમી સદી સુધી બૌદ્ધ વિષયો કોરિયન કલામાં કેન્દ્ર સ્થાને રહ્યા. આ દરમિયાન પથ્થર ઉપરાંત તાંબામાંથી પણ બૌદ્ધ પ્રતિમાઓ કંડારવામાં આવતી. આ સમયમાં લાકડામાંથી બનાવેલ પૅગોડા નષ્ટ પામ્યાં છે, પણ પથ્થરમાંથી બનાવેલા પૅગોડા હજી મોજૂદ છે. પાંચમી સદીમાં બંધાયેલ કોગુર્યો અને પાક્ચે રાજાઓની કબરોમાંથી મળી આવેલાં ચિત્રોના નમૂના કોરિયન ચિત્રોમાં પ્રથમ બહુરંગી (Polychrome) ચિત્રોના નમૂના છે. કબરમાં દફનાવેલ મૃતકનાં એ વ્યક્તિચિત્રો છે, જેમને કબરની દીવાલ પર ભીંતચિત્રો રૂપે આલેખેલાં છે. આ મૃતક રાજાઓને તેમના મદદનીશો, સાધુઓ, નર્તકીઓની સાથે આલેખવામાં આવ્યા છે.
કોરિયામાંથી મળી આવેલ સૌથી જૂનું કાંસ્ય શિલ્પ અમિતાભનું નિરૂપણ કરે છે; આશરે 539માં તે કંડારવામાં આવેલું. તેનું લાંબું મોં અને ઢળેલી પાંપણો ચીની અસરનાં સૂચક છે. એ પછી ધીમે ધીમે વધુ મૃદુ સ્મિત ધરાવતી બુદ્ધની મૂર્તિઓ ઘડાતી થઈ, પુયોમાંથી મળી આવેલ ઊભેલા બોધિસત્ત્વ તથા તુષિત સ્વર્ગમાં રહેતા ભવિષ્યના બુદ્ધ મૈત્રેય તેના ઉત્તમ નમૂના છે. આ શિલ્પોમાં દેહ સ્ત્રૈણ જણાય છે. સાતમી સદીમાં કોરિયામાં પહેલી વાર પૂન્ગ્ચોન્ગ પ્રાતમાં સોસાન ખાતે પાક્ચે રાજવંશ દરમિયાન સાતમી સદીમાં ખડકમાંથી ઊભેલા બુદ્ધની મૂર્તિ કોતરી કાઢવામાં આવી. તેમાં વચ્ચે ઊભેલ શાક્યમુનિની એક બાજુએ મંજુશ્રી તથા બીજી બાજુએ સામંતભદ્રની મૂર્તિઓ છે.
સિલા રાજવંશ (ઈ.સ. 668થી ઈ.સ. 935) દરમિયાન બૌદ્ધ કળાને વધુ વેગ મળ્યો. ઘણાં નવાં બૌદ્ધ મંદિરો અને મઠ બંધાયાં. તાંગ રાજવંશશાસિત ચીનથી ઘણા કોરિયન સાધુઓ અને કલાકારોએ મુલાકાત લીધી અને તત્કાલીન ચીની શૈલીઓ કોરિયામાં સ્વીકારાઈ. આ દરમિયાનનાં કોઈ ચિત્રો હાલમાં મોજૂદ નથી. પુગ્લુક્સા ખાતેનું પ્રભુતારત્ન પૅગોડા આ રાજવંશનું શ્રેષ્ઠ પૅગોડા ગણાય છે. તે કડિયાકામની કલાનો એક શ્રેષ્ઠ નમૂનો છે. સિલા રાજવંશનાં શ્રેષ્ઠ શિલ્પમાં કામ્સાન્સા ખાતેથી મળી આવેલ પથ્થરમાંથી કંડારેલી અમિતાભ તથા મૈત્રેયની ઊભી મૂર્તિઓ ગણાય છે. ગોળાકાર મોં અને શરીર ધરાવતી આ મૂર્તિઓના ચહેરા ઉપર મધુર સ્મિત જોવા મળે છે. આઠમી સદીના ઉત્તરાર્ધથી શિલ્પની ગુણવત્તા નીચી ઊતરવા માંડી હોય, મૂર્તિઓ વધુ ને વધુ અક્કડ બનતી ગઈ હોય તેમ જણાય છે.
કાર્પો રાજવંશ દરમિયાન (918થી 1392) શિલ્પની ગુણવત્તા નીચી જ રહી. ખેંચેલા હોઠમાં તંગ સ્મિત ધરાવતા બુદ્ધ અને બોધિસત્વોની મૂર્તિઓ ઘડવામાં આવી. વળી મૂર્તિઓનું કદ વધારવામાં આવ્યું, તેથી મૂર્તિઓની અક્કડતા પણ વધી. આંખો વધુ પાતળી અને નાક વધુ તીણાં થયાં. આ દરમિયાનની ચિત્રકલાના નમૂના જૂજ છે.
યી રાજવંશ (1392-1910) દરમિયાન રાજાઓએ ચિત્રકારોને ખાસ રાજ્યાશ્રય આપ્યો અને પરિણામે ઉત્તર ચીનની સુંગ ચિત્રશૈલીનો કોરિયામાં પ્રસાર થયો. ત્રણ ચિત્રકારો આન કયોન, ચીન ક્યોન્ગ તથા પી સાન્ગ્ચા આ તબક્કાના ઉત્કૃષ્ટ સર્જકો ગણાયા છે. ઉત્તર ચીનની સુંગ શૈલીથી પ્રભાવિત આન ક્યોનનાં વીંટાચિત્ર ‘ફેરીલૅન્ડ સીન ઇન એ ડ્રીમ’(1447)માં પર્વતો, નદીઓ અને પુષ્પિત વૃક્ષોની અદભુત સૃષ્ટિ જોવા મળે છે. યી આમ, શિન સાઇમ્હાન્ગ તથા યી ચોન્ગે વાંસ, પ્લમ અને ઓર્કિડ વનસ્પતિઓનાં આલેખનો કર્યાં. યી યુગના ઉત્તરાર્ધમાં ચિત્રકારોએ સુંગ ચિત્રશૈલી તજીને દક્ષિણ ચીનની ચીન્ગ શૈલી અપનાવી. પરિણામે હવે વાતાવરણનું નિરૂપણ કરતાં આછા ઝાંખા રંગોમાં ચિત્રો ચીતરવાં શરૂ થયાં. ચિત્રકાર ચો સોકે આ રીતે ઉત્તમ આલેખનો કર્યાં. ચિત્રકાર ચોન્ગ સોને કુમ્ગૅન્ગ પર્વતનાં અણિયાળાં શિખરો ચીતર્યાં. ચિત્રકાર કીમ હોન્ગ્ડો, શીન યૂન્ગબોક તથા કીમ તુક શીએ કોરિયાની રોજિંદી જિંદગીને ચિત્રોમાં આલેખી. ‘ટેન્વોન’ ઉપનામ ધરાવતા ચિત્રકાર કીમ હોન્ગ્ડોએ કોરિયાનાં નિસર્ગ-ર્દશ્યો આલેખવા ઉપરાંત કોરિયાના નીચલા થરના લોકોની જિંદગી નિરૂપવાની પહેલ કરી. કોરિયામાં માનવશરીર પર સ્નાયુના ઉઠાવ આલેખવામાં પણ પહેલ કરનાર ચિત્રકાર તે જ હતા. યી રાજવંશ દરમિયાન બૌદ્ધ ધર્મનાં વળતાં પાણી થયાં અને કૉન્ફ્યૂશિયાનિઝમનો પ્રસાર થતાં ધાર્મિક શિલ્પોનું સર્જન લગભગ બંધ પડ્યું.
અમિતાભ મડિયા