કોરસ (Chorus Theatre Group of Communication) : પ્રસિદ્ધ ગુજરાતી નાટ્યમંડળ. સ્થાપના : ઈ. સ. 1975. સંસ્થાપક-સંચાલક નિમેષ નિરંજન દેસાઈ. સત્વશીલ નાટ્યપ્રવૃત્તિ દ્વારા અવેતન ગુજરાતી રંગભૂમિને સતત ધબકતી રાખવાના મુખ્ય ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ સંસ્થાએ અઢાર વર્ષ (1975-1993) દરમિયાન આશરે પાંત્રીસ નાટકોનું નિર્માણ અને રજૂઆત કર્યાં છે. મૌલિક ગુજરાતી નાટ્યકૃતિઓ ઉપરાંત હિન્દી, મરાઠી તેમજ વિદેશી નાટ્યસાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિઓને નોંધપાત્ર સફળતાથી રજૂ કરીને પ્રાદેશિક તેમજ પાશ્ચાત્ય રંગભૂમિની અદ્યતન ગતિવિધિઓ અને વલણોનો સંતર્પક પરિચય ગુજરાતી નાટ્યરસિકોને કોરસે કરાવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી નાટકની સાથેસાથે કોરસે ટેલિવિઝન અને ફિલ્મક્ષેત્રે પણ પોતાનું સ્થાન સુર્દઢ કર્યું છે. દૂરદર્શન શ્રેણીઓ (serials), દસ્તાવેજી અને ટેલિફિલ્મના ક્ષેત્રે કોરસ સતત પ્રવૃત્તિશીલ રહ્યું છે.
કોરસ દ્વારા પ્રસ્તુત થયેલ પ્રાદેશિક નાટ્યકૃતિઓના પ્રયોગોમાં સર્વેશ્વર દયાલ સક્સેનાનું ‘બકરી’ (મૂળ હિંદી નાટ્યકૃતિ), મહેશ એલકૂંચવારનું ‘હોળી’ (મૂળ મરાઠી) ખાસ ઉલ્લેખપાત્ર છે. ગુજરાતીમાં રૂપાંતરિત કે અનુવાદિત પાશ્ચાત્ય નાટકોમાં ‘વેઇટિંગ ફૉર ગોદો’, ‘યર્મા’ (‘રણને તરસ ગુલાબની’), ‘ઢોલીડો’ (‘ફિડલર ઑન ધ રૂફ’), ‘સ્વપ્નભંગ’ (‘હેલો ઍન્ડ ગુડ બાય’), ‘ગુડ વુમન ઑવ્ સેત્ઝૂઆ’ (‘સગપણ એક ઉખાણું’), ‘એક્સેપ્શન ઍન્ડ ધ રૂલ’ (‘અહેવાલ સફરની વાતનો’), ‘રાફડો’ (‘વેરોનિકાઝ રૂમ’) વગેરે કોરસનાં યશસ્વી સર્જનો છે. મૌલિક નાટકો પણ આ સંસ્થાએ સુપેરે ભજવ્યાં છે. તેમાં સિતાંશુ યશશ્ચન્દ્રનું ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા ?’, ચિનુ મોદીનું ‘જાલકા’, લાભશંકર ઠાકરનાં ‘કાહે કોયલ શોર મચાયે રે’ અને ‘મનસુખલાલ મજીઠિયા’, સુભાષ શાહનાં ‘સુમનલાલ ટી. દવે’ અને ‘રંગાદાદા’, લલિત લાડનાં ‘રાતરાણી’ અને ‘પૂર્ણવિરામ’, ક. મા. મુનશીની નવલકથાના નાટ્યરૂપાંતર ‘પૃથિવીવલ્લભ’ અને પન્નાલાલ પટેલની નવલકથાના નાટ્યરૂપાંતર ‘વળામણાં’નો પણ તેમાં સમાવેશ થાય છે.
દિલ્હીની સંગીત નાટ્ય અકાદમી દ્વારા આયોજિત નાટ્યમહોત્સવોમાં કોરસે બે વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ, દિગ્દર્શક તરીકે નિમેષ દેસાઈની પસંદગી પામીને રજૂ થયેલાં બે વિવિધ નાટકોમાં કર્યું છે. આ નાટકો હતાં, ‘સગપણ એક ઉખાણું’ અને ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા ?’ ગુજરાત રાજ્યકક્ષાએ યોજાતી નાટ્યસ્પર્ધાઓમાં સંસ્થાનાં નાટકોએ અવારનવાર ઉત્તમ દિગ્દર્શન નિર્માણ અને અભિનય માટે પારિતોષિકો પ્રાપ્ત કર્યાં છે. મુંબઈની આઇ.એન.ટી. સંસ્થાએ કોરસનાં યશસ્વી સર્જનોનો નાટ્યમહોત્સવ મુંબઈ ખાતે યોજેલો. દિલ્હીની વિખ્યાત કલાસંસ્થા ‘શ્રીરામ સેન્ટર ફૉર આર્ટ ઍન્ડ કલ્ચરે’ યોજેલા નાટ્યમહોત્સવમાં, ગુજરાતનું પ્રતિનિધિત્વ કોરસે ‘સ્વપ્નભંગ’ નાટક સાથે કરેલું.
બાળકો અને તરુણો માટેની નાટ્યશિબિરોનું આયોજન તેમજ ચૂંટણી દરમિયાન લોકજાગૃતિની કેળવણી માટે શેરી નાટકોના પ્રયોગો પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
સંગીતમય નાટકોનું ચલણ જ્યારે ઓછું થઈ રહ્યું છે, ત્યારે ગાયક- અભિનેતા-દિગ્દર્શક અને નિર્માતા નિમેષ દેસાઈનું પ્રદાન નાટ્યસંગીત ક્ષેત્રે નોંધપાત્ર ગણી શકાય. ‘ટોટલ થિયેટર’ના સંદર્ભે પણ કોરસની પ્રવૃત્તિ નોંધપાત્ર છે. એનો પુરાવો આપતાં કોરસનાં નાટકો છે ‘ગુરુગણિકા’, ‘જાલકા’, ‘બકરી’, ‘દુલારીબાઈ’, ‘ઢોલીડો’, ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા ?’, ‘સગપણ એક ઉખાણું’. આ નાટકોમાં સંગીત પણ નિમેષ દેસાઈનું જ હતું. ગીતો પણ એમણે જ સ્વરબદ્ધ કરેલાં અને સ્વકંઠે રંગમંચ ઉપરથી પ્રત્યક્ષ રૂપે ગાયાં હતાં.
દૂરદર્શન જેવા વિકાસશીલ માધ્યમમાં પણ કોરસનું કામ નોંધપાત્ર છે. જોસેફ મૅકવાનની ટૂંકી વાર્તા ‘બહેરું આયખું મૂંગી વ્યથા’ પર આધારિત બે કલાકની ટેલિફિલ્મ અને ‘સરસ્વતીચંદ્ર’ ઉપર આધારિત ટેલિફિલ્મ ‘મનહર મનભર’ ઉપરાંત ઇલા આરબ મહેતા લિખિત ટી. વી. સિરિયલ ‘વારસદાર’ વગેરે દ્વારા કોરસનાં ટી. વી. પ્રોડક્શન્સ દર્શકોમાં લોકપ્રિય બન્યાં છે. ‘બહેરું આયખું મૂંગી વ્યથા’ ટેલિફિલ્મ માટે દિગ્દર્શક નિમેષ દેસાઈ અને અભિનેત્રી સોનાલી મહેતાને, અનુક્રમે ઉત્તમ દિગ્દર્શક અને ઉત્તમ અભિનય માટેનો ‘સંધાન’ દ્વારા ક્રિટિક્સ ઍવૉર્ડ પણ મળેલ છે.
આ સંસ્થાની પ્રગતિમાં નિમેષ દેસાઈ ઉપરાંત ગોપી દેસાઈ, સોનાલી મહેતા, યોગેન ભટ્ટ, બિપિન બાપોદરા, ભાનુભાઈ મિસ્ત્રી વગેરે કળાકારોએ તથા ચિનુ મોદી, મહેન્દ્ર અમીન અને લલિત લાડ વગેરે લેખકોએ મહત્વનો ફાળો આપ્યો છે.
મહેન્દ્ર અમીન