કોરમ : સંસદ કે મંડળીની કાર્યવાહીના પ્રારંભ માટે નિશ્ચિત કરેલી ઓછામાં ઓછી સભ્યસંખ્યા. સભા કે સમિતિમાં કોરમ ન થાય ત્યાં સુધી તેની કામગીરી શરૂ થતી નથી, અને જો શરૂ થાય તો તેણે લીધેલ નિર્ણયો કાયદેસર ગણાતા નથી. આ કારણથી જ કેટલીક સંસ્થાઓમાં એવો બંધારણીય પ્રબંધ કરવામાં આવતો હોય છે કે અમુક સમય સુધી કોરમ માટે રાહ જોવી. તે પછી કોરમ ન થયેલું હોય તોપણ કોરમ થયું છે તેમ ગણીને કાર્યવાહી ચાલુ કરવી.
પ્રાચીન ભારતનાં ગણરાજ્યોમાં સાર્વભૌમ સામાન્ય સભા જે આખરી અધિકાર ભોગવતી હતી તેની કાર્યવાહી પણ ચોક્કસ નિયમો પ્રમાણે ચાલતી હતી. ખાસ કરીને બૌદ્ધ સંઘની કાર્યવાહી જણાવે છે તેમ – સભાગૃહ(સંથાગાર)માં સભાનું કોરમ પૂરું કરનાર અધિકારી સભ્યને ગણતિથિ કે સંઘતિથિ તરીકે ઓળખવામાં આવતો હતો. પાણિનિએ પણ આ શબ્દપ્રયોગ કરેલ છે. કોરમ પૂરું કરવાની કામગીરી બજાવનાર અધિકારી ગણપૂરક તરીકે પણ ઓળખાતો હતો. આમ, પ્રાચીન ભારતમાં પણ સભાના સંચાલન માટે કોરમની જોગવાઈ હતી.
સંસદીય કાર્યવાહીમાં કોરમ ખૂબ જ અનિવાર્ય ગણાય છે. બ્રિટનમાં અને ભારતમાં ધારાસભાના પ્રથમ ગૃહમાં કુલ સભ્યસંખ્યામાંથી નક્કી કરેલ સંખ્યાના સભ્યો હાજર હોય ત્યારે તેને કોરમ થયેલ ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટનની આમસભામાં ચાલીસ ધારાસભ્યોની હાજરી કોરમ તરીકે સ્વીકારાઈ છે. તેમાં અધ્યક્ષનો પણ સમાવેશ થાય છે. 1972થી ત્યાં ગૃહના કામકાજ માટે કોરમનો ખાસ આગ્રહ રાખવામાં આવતો નથી. ભારતમાં લોકસભાની કુલ સભ્યસંખ્યાના દશમા ભાગને કોરમ તરીકે સ્વીકારવામાં આવેલ છે. આમ, અત્યારે લોકસભામાં ઓછામાં ઓછા 50 સભ્યો અને રાજ્યસભામાં 25 સભ્યો હાજર હોય ત્યારે કોરમ થયેલું ગણાય છે.
બ્રિટન અને ભારતમાં ગૃહની બેઠક ચાલુ હોય અને જો કોઈ સભ્ય અધ્યક્ષનું ધ્યાન દોરે કે ગૃહમાં કોરમ નથી અને જો અધ્યક્ષને ખાતરી થાય તો તે ગૃહની બેઠકને મુલતવી રાખે છે અને કોરમ માટેની ઘંટડી નિયત સમય માટે વગાડવામાં આવે છે. ઘંટડી સાંભળી ધારાસભ્યો ઝડપથી ગૃહમાં પ્રવેશે છે. ઘંટડી વાગતી બંધ થતાં અને જરૂર પડ્યે બીજી વખત ઘંટડી વગાડ્યા પછી ગૃહમાં પ્રવેશ બંધ થાય છે. સામાન્યત: અધ્યક્ષ એવું સ્વીકારીને જ ચાલે છે કે ગૃહમાં કોરમ છે. કોરમ છે કે નહિ તે નક્કી કરવા માટે તેનું ધ્યાન કોઈ પણ ધારાસભ્યે દોરવું પડે છે. ભારતમાં આવી પણ જોગવાઈ છે કે જે ધારાસભ્યે કોરમ માટે અધ્યક્ષનું ધ્યાન દોર્યું હોય તે પોતાના આવા વાંધાને પાછો ખેંચી શકતો નથી. એવી પ્રણાલી પણ સ્વીકારવામાં આવી છે કે જ્યારે ગૃહ ખાણાના વિરામ માટેનો સમય ચર્ચામાં વાપરે છે ત્યારે બપોરના એકથી અઢી વાગ્યા સુધી ગૃહમાં કોરમ અંગે ધ્યાન દોરી શકાય નહિ. જો આ ગાળા દરમિયાન મતદાન કરવાનું હોય તો મતદાન અઢી વાગ્યા પછી કરવામાં આવે છે. અલબત્ત, જરૂર જણાય અને તમામ પક્ષો તથા સભ્યો સંમત થાય તો આ ગાળા દરમિયાન પણ મતદાન કરી શકાય છે.
ટૂંકમાં, ગૃહ નિર્ણય લેવા માટે મતદાન કરે ત્યારે કોરમ હોવું અનિવાર્ય ગણાય છે. આ જોગવાઈથી ગૃહના સભ્યોમાં ચર્ચા દરમિયાન ગેરહાજર રહેવાની વૃત્તિ થાય નહિ તેની કાળજી લેવાઈ છે.
હસમુખ પંડ્યા