કોરબા : છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન 22o 21′ ઉ. અ. અને 82o 41′ પૂ. રે. જિલ્લાનો વિસ્તાર 5,769 ચોકિમી. આ શહેર કોલસાના ક્ષેત્ર તથા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટથી જાણીતું બનેલું છે. તાપવિદ્યુતમથક ઊભું કરવાથી જથ્થાબંધ વીજળી સસ્તા દરે પ્રાપ્ત થાય તે હેતુથી પશ્ચિમ વિભાગ માટેના વીજળી બોર્ડ દ્વારા 200 મેવૉ.નાં ત્રણ વિદ્યુતમથકો અને 50 મેવૉ.નાં બે વિદ્યુતમથકો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, દમણ, દીવ અને દાદરા-નગરહવેલીની વધતી જતી વીજળીની જરૂરિયાત માટે ઊભાં કરવામાં આવ્યાં છે. ગુજરાતને કોરબાના તાપ-વિદ્યુતમથકમાંથી વીજળી મળે છે. ભિલાઈના પોલાદના કારખાનાને આ વિદ્યુતમથકો દ્વારા વીજળી પૂરી પડાય છે. મધ્યપ્રદેશ અને ઓરિસામાં બૉક્સાઇટનો વિપુલ જથ્થો છે. તેનું ઍલ્યુમિનિયમમાં રૂપાંતર કરવા વિપુલ પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે. તે અહીં ઉપલબ્ધ થતાં ભારત ઍલ્યુમિનિયમ કંપની 27 ઑક્ટોબર 1965ના રોજ સ્થાપવામાં આવી છે. તેની સ્થાપિત શક્તિ બે લાખ ટનની છે. બૉક્સાઇટની ધાતુ મધ્યપ્રદેશના અમરકંટક, ફૂટકા પહાડ અને ઓરિસાના ગંધમાદનની ખાણોમાંથી આવે છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રે કૉસ્ટિક સોડા, ક્લોરિન વગેરે રસાયણો બનાવવા માટે પરવાનો અપાયો છે. આમ ઔદ્યોગિક ક્ષેત્રે કોરબાનું મહત્વનું પ્રદાન છે. જિલ્લાની વસ્તી 12,06,653 (2011) અને શહેરની વસ્તી 3.65 લાખ જેટલી હતી.
શિવપ્રસાદ રાજગોર