કોયાજી, જહાંગીર કુંવરજી (જ. 11 સપ્ટેમ્બર 1875, મુંબઇ; અ. 14 જુલાઈ 1937, મુંબઇ) : ભારતના અર્થશાસ્ત્રી અને ભારતીય અર્થશાસ્ત્રના નિષ્ણાત. શિક્ષણ મુંબઈ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. 1910થી 1930 દરમિયાન કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક, 1930થી 1931 દરમિયાન તે જ કૉલેજમાં આચાર્ય અને 1932થી 1935 દરમિયાન આંધ્ર વિશ્વવિદ્યાલયની વિનયન કૉલેજના આચાર્યપદે કાર્ય કર્યું. 1930થી 1932 દરમિયાન લીગ ઑવ્ નૅશન્સમાં ભારતીય પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક થઈ હતી. આ સંસ્થાની સામાન્ય સભામાં વિશ્વમહામંદી(1929)નાં કારણોની તપાસ અને વિશ્લેષણની જરૂરિયાત પર ભાર મૂકતો ઠરાવ તેમણે રજૂ કર્યો હતો, જેને આધારે વિખ્યાત અર્થશાસ્ત્રી બર્ટિલ ઓહલીને ‘ધ કોર્સ ઍન્ડ કૉઝીઝ ઑવ્ ધ વર્લ્ડ ઇકૉનૉમિક ડિપ્રેશન’ નામથી જાણીતો થયેલો અહેવાલ તૈયાર કર્યો હતો. ‘રૉયલ કમિશન ઑન ઇન્ડિયન કરન્સી ઍન્ડ એક્સ્ચેન્જ’ તથા ‘ઇન્ડિયન ફિસ્કલ કમિશન’ આ બંનેના તે સભ્ય હતા.

1989માં પદ્મભૂષણ, 1992માં પુણ્યાભૂષણ ઍવૉર્ડ અને 1993માં મેગ્સેસે ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતાં.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘ધી ઇન્ડિયન ફિસ્કલ પ્રૉબ્લેમ’, ‘ઇન્ડિયન કરન્સી ઍન્ડ ઍક્સ્ચેન્જ’, ‘ઇન્ડિયન કરન્સી સિસ્ટમ’, ‘ઇન્ડિયા ઍન્ડ ધ લીગ ઑવ્ નેશન્સ’ વિશેષ નોંધપાત્ર છે. તેમનો ‘કલ્ટ્સ ઍન્ડ લિજન્ડ્ઝ ઑવ્ એન્શન્ટ ઈરાન ઍન્ડ ચાયના’ ગ્રંથ પણ જાણીતો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે