કોમ્પોઝિટી : ઉત્ક્રાન્તિની ર્દષ્ટિએ દ્વિદલા વર્ગની વધુ વિકસિત વનસ્પતિનું કુળ. તેમાં 1,000 પ્રજાતિ અને 15,000થી 23,000 જાતિઓનો સમાવેશ થયેલો છે. આ કુળની વનસ્પતિઓ સર્વત્ર થતી હોઈ સર્વદેશીય છે. તે જલોદભિદ, મધ્યોદભિદ કે શુષ્કોદભિદ જાતિઓ ધરાવે છે.

ઘણે ભાગે શાકીય. બહુ ઓછી જાતિ ક્ષુપ, વૃક્ષ કે કાષ્ઠમય આરોહી હોય. ઘણી વખત રાળવાહિનીઓ કે ક્ષીરવાહિનીઓની હાજરી હોય; પર્ણો સાદાં, એકાંતરિક, અનુપપર્ણીય, ક્વચિત્ સમ્મુખ કે ભ્રમિરૂપ, પુષ્પવિન્યાસ અપરિમિત સ્તબક પ્રકારનો – જે લીલા નિચક્ર વડે ઘેરાયેલ હોય ચપટા, અંતર્ગોળ કે બહિર્ગોળ બિંબ પર કેન્દ્રાભિસારી ક્રમમાં પુષ્પોની ગોઠવણી; પુષ્પો બે પ્રકારનાં : (1) કિરણ પુષ્પકો (ray florets) : બિંબના પરિઘ તરફ આવેલાં, માદા કે વંધ્ય પુષ્પકો, આકર્ષિત, રંગીન, અનિયમિત, એકલિંગી, ઉપરિજાય; (2) બિંબ પુષ્પકો (disc florets) જે ઉભયલિંગી હોવા છતાં કાર્યની ર્દષ્ટિએ નરપુષ્પો હોય છે. બંને પ્રકારનાં પુષ્પો શલ્કી નિપત્રના કક્ષમાંથી ઉદભવે, વજ્રપત્રોનો અભાવ અથવા ઘણી વાર પેપસની રચના બનાવે  જેમાં વજ્રપત્ર રોમ જેવા પાતળા તંતુમય પ્રવર્ધોમાં વહેંચાઈ પૅરેશૂટની રચનામાં પરિણમે, તે ફળવિકિરણમાં મદદરૂપ હોય છે. પવન દ્વારા ફળવિકિરણ થાય છે; દલપત્રો પાંચ, યુક્તદલપત્રી, બિંબ પુષ્પકોમાં નલિકાકાર, ધારાસ્પર્શી, કિરણ પુષ્પકોમાં જિહ્વાકાર કે દ્વિઓષ્ઠીય; પુંકેસરો પાંચ, દલલગ્ન સંપરાગ પરાગાશય (તંતુઓ મુક્ત; પરંતુ પરાગાશયો સંલગ્ન થઈને પરાગવાહિનીને ફરતે એક ચક્રમાં ગોઠવાય છે.) દલપત્રો સાથે એકાંતરિક, દ્વિયુક્ત સ્ત્રીકેસરીય, અધ:સ્થ બીજાશય. જરાયુવિન્યાસ તલસ્થ, એક જ અધોમુખી અંડક, પરાગવાહિની સાદી, પરાગાસન દ્વિશાખિત, રોમમય; ફળ રોમવલય પ્રકારનું.

સૂર્યમુખીનાં બીજમાં રહેલ ખાદ્યતેલને લીધે ખેડૂતો તેનું વાવેતર મોટા પાયા પર કરે છે. તેલ ઉપરાંત તેના ખોળનો ઉપયોગ પણ આહાર તરીકે થાય છે. સૂર્યમુખીને શોભાના વૃક્ષ તરીકે બગીચામાં ઉગાડવામાં આવે છે. ઝીનિયા, ડાહલિયા, ગુલદાઉદી વનસ્પતિને પણ બગીચામાં વાવવામાં આવે છે. ઉપરાંત આ કુળની ભાંગરો, અક્કલગરો, ગોરખમુંડી વગેરે વનસ્પતિનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે, જ્યારે કસુંબી વનસ્પતિમાંથી રંગ બનાવાય છે.

બળદેવભાઈ પટેલ