કોમવાદ : રાષ્ટ્ર કે સમાજના બદલે કોમને કેન્દ્રમાં રાખી સ્વહિત અને સલામતી આદિનો આગ્રહ રાખવાનું વલણ. કોમવાદ મનો-રાજકીય અને મનો-સામાજિક ખ્યાલ છે. જ્યારે આ લાગણીને રાજકીય ર્દષ્ટિ અને હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તે મનો-રાજકીય ઘટના બને છે. અહીં રાજકીય સત્તા અને પ્રભાવ વિસ્તારવા માટે કોમી લાગણીને ઉશ્કેરવામાં આવે છે. તે જ પ્રમાણે જ્યારે કોમ કોમ વચ્ચેના અળગાપણા કે જુદાઈના આધારે સંબંધો ટાળવાની, સામાજિક-આર્થિક બહિષ્કારની લાગણી પોષવામાં આવે છે ત્યારે તે મનો-સામાજિક ઘટના બને છે. કોમવાદની આ બંને બાજુઓ – મનો-સામાજિક અને મનો-રાજકીય એકમેકને પૂરક અને પોષક હોય છે.
આ પરિસ્થિતિમાં બધા જ પ્રશ્નો કોમની સંકુચિત ર્દષ્ટિએ જોવાય અને મૂલવાય છે. કોમની ઓળખનું મુખ્ય ધોરણ તેનો સંપ્રદાય અને તેની સાથે સંકળાયેલા વિવિધ વ્યવહારો અને પરંપરાઓ બનતાં હોવાથી એક વિશિષ્ટ કોમવાદી માનસ ઊભું થાય છે. રાષ્ટ્રના સ્થાને કોમને મૂકવામાં આવતી હોવાથી કોમવાદ વિભાજનનું વાહન બને છે. લોકલાગણીની ઉત્તેજના ઉપર કોમ-કોમ વચ્ચે વિવાદ, વિસંવાદ અને વિગ્રહનાં બીજ રોપાય છે અને રાજકીય દંગલ ખેલાય છે.
એક કોમવાદ બીજા કોમવાદને જન્મ આપતો હોવાથી કયો કોમવાદ કારણ અને કયો કોમવાદ પરિણામ તે કહેવું મુશ્કેલ છે. ભારતમાં બહુમતી ધરાવતા (85 %) હિન્દુઓમાં હાલ જે કોમવાદી માનસ વધતું જતું દેખાય છે તેનું મોટું કારણ લઘુમતી-મુસ્લિમો પ્રત્યે અમુક રાજકીય પક્ષોએ અપનાવેલ આળપંપાળ કે તુષ્ટીકરણની નીતિ અને રાજકીય હેતુ પાર પાડવા તે કોમનાં કટ્ટરતાવાદી તત્ત્વો આગળ નમતું જોખવાની વૃત્તિ જવાબદાર હોય તેમ લાગે છે. બીજી બાજુ કેટલાક હિન્દુઓમાં એક એવું આગ્રહી અને પ્રભાવક વલણ વિકસતું અને પ્રસાર પામતું રહ્યું છે કે જો મુસ્લિમોએ ભારતમાં રહેવું હશે તો બહુમતીએ નક્કી કરેલી શરતો અને ધોરણોસર રહેવું પડશે, બહુમતીની લાગણીઓને માન આપીને રહેવું પડશે. હિન્દુઓના આ વલણ પાછળ અનેક કારણો અને પરિબળો જવાબદાર છે. તેમને પોષવા માટે ધાર્મિક કટ્ટરતા અને ઝનૂનનો સહારો લેવાય છે.
અન્ય પક્ષોની નીતિ સામેની પ્રતિક્રિયાના સ્વરૂપે બહુમતી કોમવાદ વિકસતો રહ્યો છે. પરંતુ 6 ડિસેમ્બર 1992ની બાબરી મસ્જિદની તોડફોડ પછી તે વધારે આક્રમક અને કટ્ટરતાવાદી સ્વરૂપે બહાર આવ્યો છે. આવો બહુમતી કોમવાદ ભારતીય સમાજ અને રાજકારણના ભાગરૂપ ઉદારમતવાદ, લોકશાહી શાસનપ્રથા તથા જીવનશૈલી, ભારતીય સંસ્કૃતિની આધારશિલા ગણાય તેવી વૈવિધ્યમય નીતિરીતિ અને સહિષ્ણુતા ઉપરાંત સામાજિક-આર્થિક પ્રગતિશીલ નીતિ ઉપર કુઠારાઘાત કરે છે.
ભારતમાં હિન્દુ ઉપરાંત મુસલમાન, ખ્રિસ્તી, પારસી, શીખ એમ વિવિધ કોમો વર્ષોથી એકમેકની સાથે રહી છે; પરંતુ કોમવાદ મુખ્યત્વે કરીને હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે વિકસવા પામ્યો છે. ધર્મ ઉપરાંત તેમની રહેણીકરણી, રીતરિવાજો, વસવાટ, કાયદા-કાનૂન વગેરે પરત્વે બંને કોમોમાં ભિન્નતા અંગેની તીવ્ર સભાનતા રહેલી છે. આમ છતાં અમુક અપવાદ બાદ કરતાં મુસ્લિમ શાસન દરમિયાન હુલ્લડો થયાં હોય તેવું જણાયું નથી. આજના કોમવાદની શરૂઆત બ્રિટિશ શાસન દરમિયાન અને વિશેષ તો 1857ના બળવા પછી થાય છે, જેને યથાર્થ રીતે પાછળથી ‘કોમી ત્રિકોણ’ની સંજ્ઞા આપવામાં આવેલી. હિન્દુઓ અને મુસલમાનો જો ત્રિકોણની બે ભુજાઓ હોય તો તેમને જુદા રાખતી ત્રીજી ભુજા તે અંગ્રેજ શાસન હતી. એક સમયે એક કોમને અને બીજા સમયે રાજકીય જરૂરિયાત અને લાભ ખાતર બીજી કોમને લાભ આપીને બ્રિટિશ શાસને બંને કોમોને એકમેકથી જુદી રાખી તેમની વચ્ચે ઝઘડાનાં બીજ રોપ્યાં હતાં. આનું પરિણામ એ આવ્યું કે પ્રમાણમાં નાની લઘુમતી હોવા છતાં મુસ્લિમોની પોતાની સંખ્યાના પ્રમાણમાં વધુ ને વધુ પ્રતિનિધિત્વ માટેની માગણીઓ રજૂ થતી રહી. હિન્દુઓ સાથે સમાનતાની ભૂમિકા રચવાના આ પ્રયાસના ફલસ્વરૂપે ‘બે રાષ્ટ્રો’નો સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યો, જેનું અંતિમ પરિણામ દેશના ભાગલામાં આવ્યું.
કોમવાદનાં કારણો : એક પ્રદેશમાં સમાન ઐતિહાસિક વારસો અને સંસ્કૃતિ ધરાવતા લોકોના સામુદાયિક સંગઠનને રાષ્ટ્ર કહેવાય છે. એશિયા અને આફ્રિકામાં અનેક કારણોસર, રાજકીય સત્તા માટે કોમ અને રાષ્ટ્ર એટલે સુધી મિશ્રિત થઈ ગયાં કે તે એકબીજાનાં પર્યાય બની ગયાં. સંસ્થાનવાદી સામ્રાજ્ય સામે રાષ્ટ્રવાદી ચળવળ સ્વતંત્રતા અને અસ્મિતાની સ્થાપના માટે હતી, જેમાં કોમનો આધાર સંસ્કૃતિ હતી. આ આંદોલન વખતે અને ત્યારપછી કેટલાક કોમવાદી નેતાઓએ કોમને ધાર્મિક જૂથ તરીકે આગળ કરી. આમ કરવામાં ધર્મનો અર્થ પણ બદલાયો. ધર્મ વ્યક્તિની ઈશ્વર વિશેની શ્રદ્ધા અને તેની સાથેના સંબંધ કે જીવનપદ્ધતિના અર્થમાં ગૌણ બન્યો; તેને બદલે રાજકીય સત્તા મેળવવા કે ટકાવવા માટેના સાધનરૂપ વિચારસરણી બન્યો. ચૂંટણીઓમાં સત્તા પ્રાપ્ત કરવા માટે રાજકારણીઓએ કોમવાદનો ઉપયોગ કરીને મત મેળવવાનો ટૂંકો રસ્તો અપનાવ્યો. આમ, કોમવાદે સમય જતાં રાજકીય વિચારસરણીનું મહત્વ પ્રાપ્ત કર્યું.
કોમનો રાજકીય ર્દષ્ટિએ ઉપયોગ કરવાની વિવિધ પદ્ધતિઓમાં તેને એક ‘વોટ બક’ તરીકે ગણવાની નીતિ મોટા પ્રમાણમાં અપનાવવામાં આવી છે. જેનો એક દાખલો તે ગુજરાત રાજ્યની ચૂંટણીમાં KHAM એટલે કે K (Kshatriya), H (Harijan), A (Adivasi) અને M (Muslim) એમ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ કોમોના ટેકા સાથે ચૂંટણી જીતવાનો પ્રયોગ ગણાવી શકાય. તે જ પ્રમાણે અનામતની નીતિ દ્વારા અસ્પૃશ્યો, આદિવાસીઓ તથા અન્ય દલિતોને ખાસ લાભ અને સુવિધા આપવાની પદ્ધતિ પણ આ જ પ્રકારના કોમી અભિગમનો દાખલો પૂરો પાડે છે.
કેટલાક ઇતિહાસવિદો અને રાજનીતિજ્ઞોના મત મુજબ કોમવાદ સંસ્થાનવાદી વિષમતાઓમાંથી મુક્ત થવાના સામૂહિક પ્રયત્નમાં પ્રગટ થયેલ નિર્બળતાઓ અને નિષ્ફળતાની આડપેદાશરૂપ છે. અર્ધવિકાસ અને આર્થિક સ્થગિતતાએ એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે જેને લીધે સમાજમાં આંતરિક ભાગલા અને કલહને ટેકો મળતો રહ્યો. લોકો માટે આર્થિક વિકાસની તકો સતત ઓછી થતી ચાલી. મધ્યમવર્ગમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ સતત વધતું ચાલ્યું. આર્થિક મંદી, કટોકટી અને ભવિષ્ય અંગેની નિરાશા વધુ ઘેરી બનતી ગઈ. આને પરિણામે મધ્યમવર્ગ અસ્વસ્થતા અનુભવી રહ્યો.
બીજું એક કારણ એ પણ બતાવાય છે કે આધુનિક વિકાસની તરાહનો મેળ દેશની તળભૂમિ સાથે સધાયેલો નથી. પરિણામે સમાજમાં વિસંવાદિતા સર્જાઈ છે. આ સાથે સત્તાનું કેન્દ્રીકરણ અને રાજ્યે સ્વીકારેલાં પશ્ચિમી સંસ્કૃતિનાં મૂલ્યોને કારણે માનવીની દિશાહીનતા અને સમાજમાં અનુભવાતો એક પ્રકારનો અલગાવ (alienation) વધવા પામ્યાં છે. તેને લીધે માનવીનું વ્યક્તિત્વ અને ગૌરવ વારંવાર ઘવાય છે. એક બાજુ આમજનતાનો સામાજિક મોભો, પરંપરાગત ઓળખ, અસ્તિત્વ અને દરજ્જો ભયમાં છે તો બીજી બાજુ નવી તકો, ઓળખ અને દરજ્જો ઉપલબ્ધ નથી. હતાશા, નિરાશા, બિનસલામતી, ડર અને અસ્વસ્થતાએ લોકોને ઘેરી લીધા છે. સામાજિક મૂલ્યોનો સતત હ્રાસ થતો રહ્યો છે. અપેક્ષા, મહત્વાકાંક્ષા અને તક વચ્ચે મોટું અંતર પડી ગયું છે.
કડવાશભર્યા સામાજિક વાતાવરણમાં કોમવાદી માનસને ઊછરતાં વાર લાગતી નથી. આછીપાતળી તકોને પોતાના તરફ ખેંચી લેવા, પોતા પૂરતી સીમિત રાખવા અને ભવિષ્યમાં પણ તે ઉપલબ્ધિ ચાલુ રહે તેવી ખાતરી કરી લેવા કોમના લોકો એકત્ર થવા લાગ્યા છે. કોમવાદી પક્ષો જે ભાષાનો પ્રયોગ કરે છે, જે પ્રતીકો અને ક્રિયાકાંડો વિકસાવે છે તેમાં તે કોમના લોકને સ્વત્વ, સ્વકીયતા કે અસ્મિતાની પ્રતીતિ થાય છે. લોકોની આ મન:સ્થિતિ કોમવાદી રાજકારણીઓને મોકળું મેદાન પૂરું પાડે છે. આમાં રાષ્ટ્રના નામે આધુનિકતા અને ધર્મના નામે પરંપરા બંનેનો ભાસ એકસાથે અનુભવાય છે.
કોમવાદી વિચારસરણીના પ્રસારમાં નવા ઊભા થયેલા મધ્યમવર્ગ – જે 10 કરોડથી વિશેષ સંખ્યા ધરાવતો થયો છે-નો ફાળો મોટો છે. આ વર્ગ લશ્કરી તાકાત, અણુશસ્ત્ર સહિત અદ્યતન અસ્ત્રશસ્ત્ર અને એક પ્રભાવક સત્તા-કેન્દ્ર તરીકે ભારતનું રાષ્ટ્રનિર્માણ થાય તેવી હિમાયત કરે છે. તેમાં લઘુમતીઓ, ગરીબો, પછાત વર્ગોને અવગણવામાં આવે છે. શક્તિ, બળ અને તાકાતની આ ખોજ સાથે કોમવાદી વિચારસરણી સુસંગત છે. આ અભિગમ મુસોલિની અને હિટલરના પ્રખર રાષ્ટ્રવાદની યાદ તાજી કરાવે છે. સંભવ છે કે યુરોપના ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
ભારતમાં કોમવાદનો ઇતિહાસ : આઠમી અને ચૌદમી સદીની વચમાં જુદે જુદે સમયે બીજા આક્રમણકારોની જેમ તુર્કો, અફઘાનો અને મોગલોએ રાજ્યસત્તા વિસ્તારવા અને સંપત્તિ લૂંટવા માટે આ દેશના જુદા જુદા વિસ્તારો પર હુમલા કર્યા હતા. આમાંના કેટલાક લૂંટીને ચાલ્યા ગયા. તેઓ નીમેલા સૂબા દ્વારા રાજ કરતા. પાછળથી આવેલા કેટલાક પોતાના જીતેલા પ્રદેશોમાં અહીં જ ઠરીઠામ થયા; આ સમયે સ્થાનિક કક્ષાએ કોઈ કોઈ વખત સ્થાનિક અને બહારના કે ઇસ્લામ ધર્મમાં વટલાયેલાઓ વચ્ચે જમીનના સવાલો કે નાનામોટા ધાર્મિક રીતરિવાજો કે સામાજિક સંબંધોને કારણે ઘર્ષણ થતું. પણ આ ઘર્ષણ સ્થાનિક સ્તર પૂરતું મર્યાદિત રહેતું. કોઈ કોઈ બાદશાહોએ પોતાની વગ વધારવા કે નાણાં ભેગાં કરવા સ્થાનિક વતનીઓને ઇસ્લામ અંગીકાર કરવા દબાણ કર્યું હતું, તો કોઈકે તેમની પર ખાસ વેરો (જજિયા વેરો) નાખ્યો હતો. આને લીધે પણ બે કોમ વચ્ચે અંટસ રહેતું.
બ્રિટિશ શાસકોએ સમાજમાં રહેલાં વિવિધ જૂથોને ઉત્તેજન આપ્યું. પોતાની સત્તા ટકાવવા એનો ઉપયોગ કર્યો. શરૂઆતના તબક્કામાં અંગ્રેજોને સ્થાનિક નવાબો (જેમાંના ઘણા મુસ્લિમ હતા) સામે યુદ્ધ કરવાં પડ્યાં. એટલે તેઓએ મુસ્લિમો સામે હિન્દુઓનો ઉપયોગ કર્યો. તેમને ખાસ હોદ્દા અને નોકરીઓ આપ્યાં. કાગ્રેસની સ્થાપના પછી જેમ જેમ રાષ્ટ્રીય ચળવળ વિસ્તરતી ગઈ તેમ તેમ બ્રિટિશ શાસકોએ મુસ્લિમ જમીનદારો અને અમીરોને કૃપાપાત્ર બનાવ્યા. કોઈ કોઈ વખત હિંદુ અને મુસ્લિમ બંને કોમવાદી પરિબળોને રાજ્યે આશરો આપ્યો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ત્યારપછી પ્રાંતીય અને મધ્યસ્થ સરકારોમાં અને બીજી સંસ્થાઓમાં જે-તે કોમના આગેવાનોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. 1920ના દાયકામાં મુસ્લિમ લીગના આગેવાનોએ દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત રજૂ કર્યો. તેઓની રજૂઆત એવી હતી કે હિન્દુઓ અને મુસ્લિમો ભિન્ન ભિન્ન સંસ્કૃતિ ધરાવે છે. તેઓને ભય હતો કે હિન્દુઓની બહુમતી છે એટલે આઝાદી પછી તે સત્તા ઝૂંટવી લેશે અને લઘુમતીઓને કચડી નાખશે. મુસ્લિમ લીગના નેતા મહંમદઅલી ઝીણાએ 1937 પછી મુસ્લિમોની અલગ સંસ્કૃતિ પર વારંવાર ભાર મૂક્યો અને હિન્દુ-મુસ્લિમ બંને અલગ રાષ્ટ્રો છે તેવો દાવો કર્યો. પણ ઘણા મધ્યમ અને શ્રીમંત મુસ્લિમ ખેડૂતોએ, ઘણા હિન્દુઓની માફક દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતનો વિરોધ કર્યો હતો. જમિયત-ઉલ-ઉલેમાએ તો ‘અખંડ ભારતીય રાષ્ટ્રીયતા’ની વાત કરી હતી. બ્રિટિશ શાસકોએ મુસ્લિમ લીગને ખુલ્લંખુલ્લા ટેકો આપ્યો.
હિન્દુ કોમવાદ કોઈક વખત નગ્ન સ્વરૂપમાં તો કેટલીક વખત રાષ્ટ્રીયતાના ઓઠા નીચે છૂપી રીતે વિકસ્યો છે. મુસ્લિમ લીગ સામે કૉંગ્રેસે બિનસાંપ્રદાયિક (secular) હોવાનું વલણ લીધું; પણ કૉંગ્રેસ-સમાજવાદીઓની માફક હિન્દુ મહાસભાને પણ પક્ષમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો. 1917માં સાવરકરે ‘હિન્દુત્વ’ પર પુસ્તક લખીને હિંદુ રાષ્ટ્રની વાતનું પ્રતિપાદન કર્યું. 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. 1920ના દાયકામાં ઠેર ઠેર કોમી હુલ્લડો થયાં, જેનાથી કોમવાદી માનસ પોષાતું ગયું. આ બધાંનાં પરિણામે છેવટે 1947ના ઑગસ્ટમાં દેશનું ભારત અને પાકિસ્તાન રૂપે વિભાજન થયું.
સ્વતંત્ર ભારતમાં કોમવાદ : આઝાદીના ટાંકણે દેશમાં ઠેરઠેર કોમી હુલ્લડોનો દાવાનળ ભભૂકી ઊઠ્યો હતો. ભારતના વિભાજનને કારણે અને કાશ્મીર પ્રશ્ને હિન્દુઓનું અહમ્ ઘવાયું હતું. 1948માં કોમવાદે મહાત્મા ગાંધીનો ભોગ લીધો. પરિણામે કોમી સંગઠનો પર પ્રતિબંધ મુકાયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) પરનો પ્રતિબંધ દૂર થતાં 1951માં જનસંઘની સ્થાપના થઈ. પચાસના દાયકામાં હિન્દુ-મુસ્લિમ કોમી પ્રશ્ન પ્રમાણમાં શાંત હતો. જોકે કોમી હુલ્લડોનો સિલસિલો ચાલુ રહ્યો હતો. પણ પછીના દાયકા કરતાં તેનું પ્રમાણ ઓછું હતું. આ દાયકામાં દર વર્ષે સરેરાશ 65 હુલ્લડો નોંધાયાં. મોટા ભાગનાં હુલ્લડો સ્થાનિક સવાલોને કારણે થયાં હતાં. તેમનું સ્વરૂપ રાજકીય ન હતું.
1960ના દાયકામાં ભારત-પાકિસ્તાન યુદ્ધ, આર્થિક ક્ષેત્રે નબળો દેખાવ, કૉંગ્રેસ પક્ષનાં વળતાં પાણી અને પંડિત નેહરુના મૃત્યુથી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિભાશાળી નેતાની ખોટ વગેરે પરિબળોને કારણે કોમવાદ ઉગ્ર થતો ગયો. કોમી ઘર્ષણોની સંખ્યા 1961થી 1965માં દર વર્ષે 291 અને પછીનાં પાંચ વર્ષમાં દર વર્ષે 346 થઈ. કોમી રમખાણોની વધતી સંખ્યાએ મુસ્લિમોમાં ભયનું વાતાવરણ સર્જ્યું. મુસ્લિમોના જુદા જુદા પક્ષો રચાયા જેવા કે મુસ્લિમ લીગ, ખિલાફત પક્ષ, મુસ્લિમ બ્લૉક, મુસ્લિમ મજલિસ વગેરે. કેટલાંક મુસ્લિમ સંગઠનોએ મુસ્લિમોના અલગ અલગ પક્ષની તરફદારી ન કરી. તેમણે જુદે જુદે સમયે-સ્થળે કૉંગ્રેસ, ભારતીય લોકદળ કે સ્વતંત્ર પક્ષને ટેકો આપ્યો.
સિત્તેરના દાયકાની શરૂઆતમાં ‘ગરીબી હટાઓ’નાં સૂત્રો અને પાકિસ્તાનના વિભાજનમાં ભારતે ભજવેલ મહત્વની ભૂમિકાના પરિણામે કોમવાદના રાજકારણમાં રુકાવટ આવી. પણ તે સાથે ગુજરાત અને બિહારનાં આંદોલનો, કટોકટી અને જનતા સરકારે જનસંઘને જીવતદાન આપ્યું. જનતા સરકારમાં રહી જનસંઘે જુદાં જુદાં ક્ષેત્રોમાં પોતાનો વ્યાપ વિસ્તાર્યો. એનાં સાથી-સંગઠનો આર.એસ.એસ., અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદની પ્રવૃત્તિઓને વેગ મળ્યો. આ દાયકામાં કોમી રમખાણોની વાર્ષિક સરેરાશ 256 હતી, જે 1960ના દાયકા કરતાં ઓછી હતી. 1960 અને 1970ના દાયકાનાં કોમી રમખાણોમાં ગૌહત્યા પર પ્રતિબંધની માગણી, પાકિસ્તાન પ્રત્યે રોષની લાગણી, મુસ્લિમોની દેશ પ્રત્યેની વફાદારી અંગેની આશંકા વગેરે મુદ્દા કેન્દ્રસ્થાને હતા.
1980ના દાયકામાં પંજાબની ખાલિસ્તાન ચળવળ વિરુદ્ધ કૉંગ્રેસે હિન્દુ લાગણીને પંપાળી. રાષ્ટ્રીય અખંડિતતા અને ‘મેરા ભારત મહાન’ને પ્રચારાત્મક સ્વરૂપ આપીને શ્રીમતી ઇંદિરા ગાંધીની હત્યાની લોકલાગણીનો 1984ની ચૂંટણીમાં કૉંગ્રેસે ઉપયોગ કર્યો. ભા.જ.પ. અને વિશ્વ હિન્દુ પરિષદે ગંગાજળની એકતા યાત્રા કાઢી અને પછી રામજન્મભૂમિ–બાબરી મસ્જિદનો પ્રશ્ન ઊભો કર્યો. તેમાં કૉંગ્રેસે ઢીલું વલણ અપનાવ્યું. શાહબાનુના પ્રશ્નમાં કૉંગ્રેસે 1986માં મુસ્લિમ રૂઢિચુસ્તોનું કહ્યું માન્યું અને તે રીતે સલમાન રશ્દીના પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો. આમ, હિન્દુ અને મુસલમાન બંને કોમવાદી તત્વોને કૉંગ્રેસે પોતાના સત્તાના રાજકારણ માટે પોષ્યાં એમ કહી શકાય.
આ ભૂમિકા બહુમતી હિન્દુ કોમવાદને વકરાવવા માટે સાનુકૂળ પુરવાર થઈ, જેનો લાભ ભારતીય જનતા પક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ., શિવસેના અને બજરંગ દળ જેવી સંસ્થાઓને મળ્યો. આ કોમવાદી સંસ્થાઓએ રામજન્મભૂમિના પ્રશ્નને ચગાવ્યો; હિન્દુત્વ, રાષ્ટ્રને વફાદારી, વંદે માતરમ્ વગેરે મુદ્દા પર હિન્દુ લોકલાગણીને 1985 પછી ઉશ્કેરી. 1991ની ચૂંટણીમાં રામજન્મભૂમિનો પ્રશ્ન મુખ્ય મુદ્દો બન્યો. લોકસભામાં ભા.જ.પક્ષે 119 બેઠકો (22 % મત) મેળવીને મુખ્ય વિરોધ પક્ષ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. 1992ની 6ઠ્ઠી ડિસેમ્બરે કૉંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડીને કોમી પરિબળોએ દેશની ‘બિનસાંપ્રદાયિક નીતિ’ પર વજ્રાઘાત કર્યો છે.
1980ના દાયકામાં પહેલાં કદી ન થયાં હોય તેટલી સંખ્યા અને તેટલા વ્યાપમાં કોમી હુલ્લડો થયાં. ’90ના દાયકાની શરૂઆતથી જ આ સંખ્યા વધતી જાય છે. 1918થી 1987 સુધીમાં દર વર્ષે સરેરાશ 550 હુલ્લડો થયાં અને 1988થી 1991માં તેનો સરેરાશ આંકડો 750 સુધી પહોંચી ગયો. 1960 પછીનાં મોટાભાગનાં કોમી હુલ્લડોમાં રાજકીય આગેવાનોનાં ઉશ્કેરાટભરેલાં ભાષણોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે પૂર્વઆયોજિત રહ્યાં. સામાન્યપણે સરકાર અને ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાનું તંત્ર લઘુમતીઓને સમયસર રક્ષણ આપવામાં નિષ્ફળ ગયું. પોલીસ અને રાજ્યનાં બીજાં તંત્રોનો મુસ્લિમો તરફનો દ્વેષભાવ અવારનવાર સ્પષ્ટ દેખાયો છે.
ભારતમાં આધુનિક સમયમાં હિન્દુ કોમવાદે બહુમતી કોમવાદનું ઉગ્ર લડાયક સ્વરૂપ લીધું છે. ભારતીય રાજ્યબંધારણમાં બિનસાંપ્રદાયિકતા અગત્યનું સ્થાન ધરાવે છે. તેની સામે હિન્દુ કોમવાદ પડકારરૂપ બની રહેલ છે.
કલ્પના શાહ
ઘનશ્યામ શાહ