કૉમિકૉન : વિશ્વના સામ્યવાદી દેશોના અર્થતંત્ર વચ્ચે સમન્વય સાધવા તથા સ્વાવલંબનના પાયા પર એકબીજાને પૂરક બને તે રીતે દરેક સભ્ય દેશના આર્થિક વિકાસ માટે ઊભું કરવામાં આવેલું સંગઠન. સ્થાપના જાન્યુઆરી 1949, મુખ્ય કાર્યાલય મૉસ્કો ખાતે. રશિયા, હંગેરી, પોલૅન્ડ, ચેકોસ્લોવાકિયા અને બલ્ગેરિયા તેના સ્થાપક સભ્યદેશો (charter members) હતા, તે પછી સંગઠનમાં જોડાયેલા દેશોમાં આલ્બેનિયા (ફેબ્રુઆરી 1949), પૂર્વ જર્મની (GDR : 1950), માગોલિયા (1962), ક્યૂબા (1972) તથા વિયેટનામ(1978)નો સમાવેશ થાય છે. યુગોસ્લાવિયા, ચીન, લાઓસ, ઇથિયોપિયા, અંગોલા, અફઘાનિસ્તાન, મેક્સિકો, મોઝામ્બિક, નિકારાગુઆ, યેમન અને ઉત્તર કોરિયા – સંગઠનના નિરીક્ષક સભ્યો છે. 1961 પછી આલ્બેનિયાએ પોતાનું સભ્યપદ પાછું ખેંચી લીધું હતું.

1963માં સંગઠનના નેજા હેઠળ ઇન્ટરનૅશનલ બૅંક ફૉર ઇકૉનૉમિક કો-ઑપરેશનની સ્થાપના કરવામાં આવી, જેનાં બે મુખ્ય કાર્યો નીચે મુજબ હતાં : (1) બહુદેશીય ચુકવણીની વ્યવસ્થા, (2) સભ્યદેશો વચ્ચેના વ્યાપાર માટે ધિરાણ પૂરું પાડવું. ઉપરાંત, સંયુક્ત ઔદ્યોગિક પ્રકલ્પો માટે નાણાંનો પ્રબંધ કરવા માટે 1970માં ઇન્ટરનૅશનલ ઇન્વેસ્ટમેન્ટ બૅંકની સ્થાપના કરવામાં આવી હતી. પરસ્પર આર્થિક સહકાર સાધવાના હેતુથી 1971માં એક ખાસ કરાર કરવામાં આવ્યો. આ કરાર હેઠળ ખાસ પ્રકલ્પો માટે સભ્યદેશો પાસેથી નાણાભંડોળ તથા માનવશક્તિ પ્રાપ્ત કરવા માટેની શરતો નિર્ધારિત કરવામાં આવી હતી.

1989-90માં પૂર્વ યુરોપના દેશોમાં જે ઝડપભેર રાજકીય ફેરફારો થયા છે તેને કારણે આવાં સંગઠનોની ઉપયુક્તતા ઘટી ગઈ તેથી જૂન 1991માં તેને વિખેરી નાખવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે