કોબ્રા (cobra) : બીજા વિશ્વયુદ્ધ પછીનું યુરોપના અભિવ્યક્તિવાદી ચિત્રકારોનું કલાજૂથ. તેના સભ્યો યુરોપના જે જે નગરોના રહેવાસી હતા તે તે નગરો કોપનહેગન, બ્રુસેલ્સ અને ઍમ્સ્ટરડૅમનાં નામના શરૂઆતના બબ્બે અક્ષરો લઈને ‘કોબ્રા’ (Cobra) એવું નામાભિધાન કરવામાં આવ્યું. આ જૂથના કલાકારોમાં કારેલ એપલ, એસ્ગર જૉર્ન, પિયેરે એલેકિન્સ્કી, ગુઇલોમ બેવર્લૂ કોર્નીલે, લુસેબર્ટ અને જ્યૉ ઍટલાનનો સમાવેશ થાય છે.
આ જૂથે બે મોટાં પ્રદર્શન કર્યાં : પહેલું પ્રદર્શન ઍમ્સ્ટરડૅમના સ્ટેડેલિક મ્યુઝિયમમાં 1949માં થયું અને બીજું બેલ્જિયમના ધ લીગ ખાતે 1951માં થયું. લોકકલા, બાળકલા, પ્રાગૈતિહાસિક કલા અને આદિમતાવાદી કલા આ કલાજૂથના Primitive કલાકારોના પ્રેરણાસ્રોત હતા. એમણે પીંછીના સાહજિક લસરકા વડે ચિત્રસર્જન કર્યું છે.
અમિતાભ મડિયા