કોબાલેમિન (વિટામિન B12) : ‘B કૉમ્પ્લેક્સ’ તરીકે ઓળખાતા, જળદ્રાવ્ય વિટામિન B સમૂહનો કોબાલ્ટ આયન ધરાવતો ઘટક. અનેક રૂપે મળતા કોબાલેમિનો પૈકી ઔષધરૂપે વપરાતો સાયનોકોબાલેમિન મુખ્ય છે. વિટામિન B12 ઘેરા લાલ રંગનો, સ્ફટિકમય અને જલીય દ્રાવણમાં 4થી 7 pH મૂલ્યે વિશેષ સ્થાયી પદાર્થ છે. પાંડુરોગ ઉપરની અસરને કારણે તેની ગણના પ્રતિપ્રણાશીકારક (antipernicious factor) તરીકે થાય છે. 1930માં અમેરિકન ચિકિત્સક કેસલ દ્વારા સામાન્ય માનવીના પાચનસ્રાવોમાંથી એક એવો ઘટક અલગ કરવામાં આવ્યો હતો જે વિઘાતક પાંડુરોગથી પીડાતા દર્દીઓના સ્રાવમાં ન હતો. 1948-49માં અમેરિકાના કાર્લ ફોકર્સ અને ઇંગ્લૅન્ડના ઍલેકઝાન્ડર ટોડે વિટામિન B12 અલગ પાડ્યું હતું. રાસાયણિક ર્દષ્ટિએ તે ત્રિસંયોજક કોબાલ્ટ (Co3+) ધરાવતાં, એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ પૉલિપાયરોલ સંયોજનોનો સમૂહ છે. તેનો અણુભાર 1400 અને બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે :
ચયાપચયની રીતે (metabolically) B12 ખૂબ અગત્યનું વિટામિન છે કારણ કે તે પ્રોટીન અને ન્યુક્લિયોપ્રોટીનની બનાવટમાંના અનેક સાંશ્લેષણિક તબક્કાઓ સાથે સંકળાયેલ છે. એમ પણ માનવામાં આવે છે કે કોલિન અને મેથાઈઓનીન (methionine) સંયોજનોનાં મિથાઈલ (-CH3) સમૂહના સંશ્લેષણ સાથે તે કોઈક રીતે સંકળાયેલ છે.
તેને મુખ્યત્વે કેટલાક જીવાણુઓ જ તૈયાર કરી શકતા હોવાથી તે વનસ્પતિજ આહારો દ્વારા મળી શકતું નથી. યકૃત, માંસ, માછલી, ઈંડાં, દૂધ વગેરેમાંથી તે થોડા પ્રમાણમાં મળી શકે છે. માનવશરીરમાં હાજર હોય તેવું કોબાલ્ટનું આ એક જ સંયોજન છે. શરીરમાં મુખ્યત્વે તે યકૃત, કિડની અને હૃદયમાં અલ્પ પ્રમાણમાં (દશ લાખે એક ભાગ) હાજર હોય છે. B12ની કમી ઘાતક પાંડુરોગ લાવે છે. અપૂરતા B12ને કારણે આંતરડાને અસર થતાં અપચો, બંધકોષ અને અતિસાર ઉત્પન્ન થાય છે. કરોડરજ્જુની કેટલીક પ્રેરક તંત્રિકાને અસર થતાં લકવો પણ તે કારણે થઈ શકે છે. માનવીની વિટામિન B12ની દૈનિક જરૂરિયાત 3 મા.ગ્રા. (3 × 10–6ગ્રા.) જેટલી ગણવામાં આવે છે.
જ. દા. તલાટી