કોબાયાશિ, માકોટો (Kobayashi, Makoto) (જ. 7 એપ્રિલ 1944 નાગોયા, જાપાન) : ખંડિત સમમિતિના ઉદભવની શોધ – જેના દ્વારા ક્વાર્કના ત્રણ પ્રકારના વર્ગોનું અનુમાન થયું – તે માટે 2008નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને મળ્યો હતો.
કોબાયાશિ જ્યારે બે વરસના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તેમના શહેર પર અણુબૉમ્બ પડવાથી તેમનું ઘર નાશ પામ્યું અને તેમનું કુટુંબ માતૃગૃહે નિવાસ કરવા માંડ્યું. 1967માં તેમણે નાગોયા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી અને અહીંથી જ 1972માં ડૉક્ટર ઑવ્ સાયન્સની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તેમણે ક્યોટો યુનિવર્સિટીમાં કણ ભૌતિકશાસ્ત્રમાં સંશોધનો કર્યા. તેમના સહકાર્યકર્તા તોશિહિડે મસ્કાવા સાથે સ્ટાન્ડર્ડ મૉડલની મર્યાદામાં CP–ઉલ્લંઘન પર સંશોધનકાર્ય કર્યું. કોબાયાશિ તથા મસ્કાવાના સિદ્ધાંત મુજબ ક્વાર્કના ત્રણ પ્રકારના વર્ગ (પેઢી) હોવા જોઈએ. ચાર વર્ષ બાદ તેમનું અનુમાન પ્રાયોગિક ચકાસણી દ્વારા (બૉટમ ક્વાર્કની શોધ દ્વારા) સત્ય સાબિત થયું. આ સંશોધન માટે કોબાયાશિ તથા મસ્કાવાને નોબેલ પુરસ્કારનો અર્ધભાગ સંયુક્ત રીતે આપવામાં આવ્યો. બીજો અર્ધભાગ યોયિચિરો નામ્બુને મળ્યો.
2003માં તેમણે જાપાનના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પાર્ટિકલ ઍન્ડ ન્યૂક્લિયર સ્ટડીઝના નિર્દેશકનું સ્થાન મેળવ્યું. જૂન, 2006થી હાઈ એનર્જી ઍક્સિલરેટર રિસર્ચ ઑર્ગેનાઇઝેશનમાં નિવૃત્ત પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી.
કોબાયાશિને અનેક ઇનામો પ્રાપ્ત થયાં છે. 2007માં તેમને યુરોપિયન ફિઝિકલ સોસાયટી દ્વારા હાઈ એનર્જી ઍન્ડ પાર્ટિકલ ફિઝિક્સ ઇનામ અર્પણ થયું. 2008માં તેમને જાપાનનો ‘ઑર્ડર ઑવ્ કલ્ચર’ એનાયત થયો જેની અર્પણવિધિ ટોકિયો ઇમ્પીરિયલ પૅલેસમાં યોજવામાં આવી હતી. આ ઉપરાંત તેમને અનેક ઇનામો પ્રાપ્ત થયાં છે.
પૂરવી ઝવેરી