કોપાલ : કેટલાંક ઝાડના રસમાંથી મળી આવતાં કુદરતી રેઝિન. કોપાલના ઍસિડ આંક ડામરના કરતાં સામાન્ય રીતે વધારે હોય છે. જુદી જુદી જગ્યાના ઝાડમાંથી મળતા કોપાલને તે પ્રમાણે નામ આપેલાં છે, જેમ કે કૌરી કોપાલ, મનિલા કોપાલ, કાગો કોપાલ વગેરે.
કૉંગો કોપાલ અગત્યનું રેઝિન છે. તેનો ઉપયોગ સૌપ્રથમ ફ્રા ફોર્ચ્યુનેટો ડી રાવીગે(1659-1711)એ કરેલો. બેલ્જિયન કૉંગોની જમીનમાંથી આ અશ્મીભૂત (fossil) રેઝિનને ખોદી કાઢવામાં આવે છે. કૉંગો કોપાલનો ઍસિડ આંક 100, સાબુનીકરણ આંક 125, વિશિષ્ટગુરુત્વ 1.05 અને વક્રીભવનાંક 1.54o છે. તે કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે પણ આલ્કોહૉલ, એસિટોનમાં લાંબા સમય સુધી રાખતાં ચીકણું (gelatinous) દ્રાવણ મળે છે. આ રેઝિન ઉપર ઉષ્મીય વિધિ કરવાથી મળતો પદાર્થ ઘણા કાર્બનિક પ્રવાહીઓ, ચરબીજન્ય ઍસિડ તથા તેલમાં દ્રાવ્ય છે. તેમાં ઍસિડ અને આલ્ડિહાઇડ ઉપરાંત ટર્પીન્સ પણ રહેલાં હોય છે. કાગો કોપાલમાંથી બે ઍસિડ મેળવાય છે. (1) કૉંગો કોપેલિક ઍસિડ (C38H60O4) અને (2) કૉંગો કોપેલોઇક ઍસિડ (C22H34O3).
સફેદ ડામરને ઇન્ડિયન કોપાલ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઍસિડ આંક 25થી 35 છે. તે હાઇડ્રોકાર્બનમાં ઓગળે છે.
કૌરી કોપાલનો પહેલવહેલો નિર્દેશ કૅપ્ટન જેમ્સ કૂકની ડાયરી (16 નવેમ્બર, 1769)માં મળે છે. કૌરી પાઇન પ્રકારના ઝાડમાંથી આ રેઝિન મળે છે. તેમાં કૌરીનિક ઍસિડ (C10H16O2) તથા a-કૌરેલિક ઍસિડ (C12H20O2) તથા અગેથિક ઍસિડ (C20H30O4) રહેલ છે.
મનીલા કોપાલ : ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા વગેરેમાં થતા પાઇન ઝાડમાંથી આ મળે છે. તે આલ્કોહૉલમાં દ્રાવ્ય છે. તેનું વિશિષ્ટ ગુરુત્વ 1.06થી 1.08 છે. તેનો ઍસિડ આંક 125થી 150 તથા સાબુનીકરણ આંક 145થી 190 છે. તેનો ઉપયોગ કાગળ, લાકડાના વાર્નિશ, લૅકર, મીણ, પાયસ (emulsion) વગેરેમાં થાય છે. તે લાખને બદલે વાપરી શકાય છે. કોપાલનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય.
- મનીલા : પોચા રેઝિન છે. સ્પિરિટમાં, અર્ધ સખત સ્પિરિટમાં, અને ફિલિપાઇન મનીલા સ્પિરિટ અને તેલમાં દ્રાવ્ય છે. પોટીઆનક સખત અને સ્પિરિટ તથા ઑઇલમાં દ્રાવ્ય છે. બોઈઆ સખત અને તેલમાં દ્રાવ્ય છે.
- કૉંગો : આફ્રિકન અશ્મીભૂત; સખત અને તેલમાં દ્રાવ્ય છે. સફેદ, હાથીદાંત જેવા, ઘાસ જેવા, ઝાંખા અને એમ્બર જેવા હોય છે.
- કૌરી : ન્યૂઝીલૅન્ડ અશ્મીભૂત; સખત અને તેલમાં દ્રાવ્ય છે. (1) ઝાંખા અને કથ્થાઈ, (2) છોડ જેવા.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ