કોન્તિ નિકોલો દ

January, 2008

કોન્તિ, નિકોલો દ (જ. 1395, કેઓગા; અ. 1469, વેનિસ?) : પંદરમી સદીમાં ભારત તથા એશિયાના ઘણા દેશોની મુલાકાત લેનાર વેનિસનો યાત્રી. દમાસ્કસમાં તે અરબી ભાષા શીખ્યો. 1414માં બગદાદની મુલાકાત લઈ તે બસરા અને ઓર્મુઝ ગયો. ત્યાંથી મહાન વિક્રયકેન્દ્ર કલકશિયા પહોંચી, ત્યાંનાં ભાષા અને પહેરવેશ અપનાવી ઈરાનના વેપારીઓ સાથે ભારત અને ઈસ્ટ ઇન્ડીઝ જવા નીકળ્યો. તેણે ખંભાત, વિજયનગર, મલિયાપુર, સિલોન (શ્રીલંકા), સુમાત્રા, બંગાળમાં બર્દવાન, આરાકાન, પેગુ અને જાવાની મુલાકાત લીધી હતી. તે પછી ક્વિલોન ગયો. યુરોપ પાછા ફરતાં તેણે કોચીન, કાલિકટ, ખંભાત, સોકાત્રા, એડન અને જિદ્દાની મુલાકાત લીધી હતી. જમીનમાર્ગે તે કૅરો ગયો અને 1444માં વેનિસ પહોંચ્યો.

તેનું અવસાન થયું ત્યાં સુધી તેણે વેપાર કર્યો. મુસાફરી દરમિયાન ખ્રિસ્તી ધર્મનું પાલન નહોતું કર્યું. તેના પ્રાયશ્ચિત્તરૂપે પોપ ઍન્ગેનિયસ ચોથાએ તેને સેક્રેટરી પોગ્ગિઓ બ્રાક્કિઓલિનીને પોતાની વાત લખાવવા જણાવ્યું. તેના આ વર્ણનમાં પંદરમી સદીના દક્ષિણ એશિયાની માનવભૂગોળ અને સંસ્કૃતિનાં વિવિધ પાસાં જેવાં કે ભારતીય જીવન, ધર્મ, રીતરિવાજો અને બીજી અનેક બાબતોનો સમાવેશ થાય છે. તેનો મૂળ ગ્રંથ લૅટિનમાં લખાયો છે (1447) અને તેનો અંગ્રેજી અનુવાદ થયો છે (1857).

યતીન્દ્ર  દીક્ષિત