કોઢ (vitiligo) : ચામડીનો રંગ નિશ્ચિત કરતા રંજક (વર્ણક) દ્રવ્ય (pigment) ધરાવતા કોષોની ઊણપથી થતો સફેદ ડાઘવાળો રોગ. સામાન્ય ચામડીનો રંગ લોહીમાંના હીમોગ્લોબિન તથા ચામડીમાંના કેરેટિન (પીતદ્રવ્ય) અને મેલેનિન(કૃષ્ણદ્રવ્ય)ને આભારી છે. પીતદ્રવ્ય (પીળો રંગ) અને કૃષ્ણદ્રવ્ય(શ્યામ રંગ)નું સાપેક્ષ પ્રમાણ ચામડીને શ્યામ, પીળી, શ્વેત કે ઘઉંવર્ણી બનાવે છે. આ પ્રકારનો તફાવત જાતિ (race) પર આધારિત છે. ચામડીમાં આવેલા કૃષ્ણકોષો(melanocytes)માં કૃષ્ણદ્રવ્ય આવેલું છે. શરીરમાં પણ વિવિધ વિસ્તાર પરની ચામડીમાં કૃષ્ણકોષોની સંખ્યા જુદી જુદી હોય છે. શરીરમાં ટાયરોસિન નામના ઍમિનો ઍસિડમાંથી કૃષ્ણદ્રવ્ય બને છે. કૃષ્ણદ્રવ્યનું ઉત્પાદન પીયૂષિકા (pituitary) ગ્રંથિના કૃષ્ણકોષ ઉત્તેજી અંત:સ્રાવ (melanocyte stimulating hormone) દ્વારા નિયંત્રિત છે. તેનું ઉત્પાદન એ.સી.ટી.એચ. નામના પીયૂષિકા ગ્રંથિના અંત:સ્રાવના ઉત્પાદન સમયે થાય છે.
કૃષ્ણદ્રવ્ય માણસને પારજાંબલી કિરણોની ખરાબ અસરોથી બચાવે છે એવું મનાય છે. તેને કારણે સૂર્યનાં સીધાં કિરણોવાળા વિષુવવૃત્તીય પ્રદેશોમાં વસતી જાતિઓમાં તેનું પ્રમાણ વધુ હોય છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં વસતા શ્વેત યુરોપિયનોમાં ચામડીનું લાદીસમ અધિચ્છદીય કોષ-કર્કાર્બુદ (squamous cell carcinoma) નામનું કૅન્સર વધુ પ્રમાણમાં થાય છે. જોકે કૃષ્ણદ્રવ્યની હાજરીને કારણે ચામડીમાં બનતા વિટામિન-ડીના ઉત્પાદનને અસર પહોંચે છે અને તેથી હબસીઓમાં કુપોષણથી થતા સુકતાનના રોગની તીવ્રતા અને રોગીઓની સંખ્યા વધે છે.
કૃષ્ણદ્રવ્ય કે કૃષ્ણકોષોની અલ્પતા કે અધિકતાથી વિવિધ વિકારો અને રોગો થાય છે. કૃષ્ણદ્રવ્યની અલ્પતાથી ત્વકીય અવર્ણકતા (albinism) નામનો રોગ થાય છે. તે દેહસૂત્રીય પ્રચ્છન્ન (autosomal recessive) પ્રકારનો વારસાગત રોગ છે.
કોઢ કૃષ્ણકોષોની ઊણપથી થતો બહુજનીનીય (polygenic) રોગ છે. તે દરેક જાતિમાં જોવા મળે છે અને વિશ્વની 1 % વસ્તી તેનાથી અસરગ્રસ્ત છે. શ્યામ પ્રજાઓમાં તેનું પ્રમાણ વધુ હોવાનું મનાય છે. જોકે તેનાં સ્ત્રી દર્દીઓ વધુ નોંધાયા છે પરંતુ તે સ્ત્રી-પુરુષમાં સમાન પ્રમાણમાં થાય છે. 30 %થી 40 % દર્દીઓનાં કુટુંબમાં અન્ય વ્યક્તિઓને પણ આ રોગ થાય છે. તેથી તે થવામાં જનીનીય (genetic) પરિબળ ભાગ લે છે એવું નિશ્ચિતપણે મનાય છે. તે મોટે ભાગે દેહસૂત્રીય પ્રભાવી (autosomal dominant) જનીન અનિયમિતપણે કાર્યશીલ થવાથી થાય છે. ઘણી વખત કોઢ ઉપરાંત આ દર્દીઓને અન્ય રોગો પણ થાય છે. જેમ કે થાયરૉઇડ ગ્રંથિના વિકારો, ઍડિસનનો રોગ, મધુપ્રમેહ વગેરે. તેને કારણે મનાય છે કે કોઢ એક સ્વકોષઘ્ની પ્રતિરક્ષાલક્ષી (autoimmune) વિકાર છે જેમાં પોતાના જ કૃષ્ણકોષોને મારતાં પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. દર્દીના લોહીમાંની આ પ્રકારનાં પ્રતિદ્રવ્યોની હાજરી દર્શાવાયેલી છે. ચેતાતંતુઓ(nerve fibres)ના છેડાઓના વિકારને કારણે કોઢ થાય છે એવું મનાતું હતું પરંતુ તેવું સાબિત થયેલું નથી. કોઢ ‘કુષ્ઠરોગ’(leprosy)થી અલગ રોગ છે. તે ચેપી રોગ નથી. તેવી જ રીતે દરેક સફેદ ડાઘ (leucoderma) કોઢ નથી.
કોઢ કોઈ પણ ઉંમરે શરૂ થાય છે પરંતુ 50 %થી વધુ કિસ્સાઓમાં તે 20 વર્ષ પછીની ઉંમરે જોવા મળે છે. તે ધીમે ધીમે વધે છે. શરૂઆતમાં સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા ચામડીના વિસ્તારો (ચહેરો, હથેળીનો પાછલો ભાગ વગેરે) પર સફેદ ડાઘા દેખાય છે. આ જગ્યાની ચામડી સૂર્યપ્રકાશમાં દાઝી જાય છે. ક્યારેક ખૂજલી થાય છે. સામાન્ય ચામડીને ઈજા થાય ત્યારે ત્યાંનો ચામડીનો રંગ ઘટે છે. ક્યારેક તણાવ(stress)ને કારણે આવો રંગનો ઘટાડો પણ વધવા માંડે છે. ચામડીના જે ભાગ ગાઢા રંગના હોય (દા.ત., ચહેરો, બગલ, જનનેન્દ્રિયો, સ્તનની ડીંટડીની આસપાસ વગેરે) તથા જેનો વધુ પ્રમાણમાં ઘસારો થતો હોય અથવા જેમને વારંવાર ઈજા થતી હોય તેવા ભાગો (દા.ત., હથેળીનો પાછલો ભાગ, પાદ (foot), ઢીંચણ, કોણી વગેરે) પર અકૃષ્ણકોષી (amelanotic) સફેદ દાણા જેવા ડાઘ થાય છે. ક્યારેક આવા ડાઘા બંને બાજુ એકસરખા થાય છે અને ક્યારેક તેમાં કોઢ વિકસે છે. આ સફેદ દાણા જેવા ડાઘા (macules) પહોળા થાય છે અને આસપાસના સફેદ દાણાદાર ડાઘા એકબીજા સાથે ભળીને સંકુલ આકૃતિઓ સર્જે છે. ડાઘાવાળા વિસ્તારના વાળ કાળા રહે છે અથવા સફેદ થાય છે. ડાઘાની કિનારી ગાઢા રંગની બને છે. દેખાવની કદરૂપતા અને ક્યારેક સૂર્યપ્રકાશમાં દાઝી જવું એ મુખ્ય તકલીફો હોય છે. થોડા મહિના ડાઘાનો ફેલાવો થાય છે અને ત્યારપછી તે અટકી જાય છે. 10 %થી 20 % યુવાન દર્દીઓના કિસ્સાઓમાં ફરીથી ચામડીનો મૂળ રંગ આપોઆપ આવે છે.
કોઢના ઘણા પ્રકાર છે : (1) આખા શરીર પર ઝડપથી ફેલાતો કોઢ, (2) કોઈ એક જગ્યાએ કાયમ રહેતો કોઢ, (3) કોઈ એક ચેતાતંતુના ચામડી પરના વિસ્તાર (ચર્મપટ્ટા) પર થતો કોઢ, (4) મોં અને જનનેન્દ્રિય પર થતો કોઢ.
દરેક સફેદ ડાઘ કોઢ હોતો નથી. ઘણી વખત કોઈ ચામડીનો રોગ મટે તે પછી પણ સફેદ ડાઘા થાય છે. વળી સફેદ રંગનું લાખું પણ હોય છે.
કોઢના રોગની સારવાર પૂરેપૂરી સંતોષકારક હોતી નથી. મોટાભાગના કિસ્સામાં ડાઘાવાળી ચામડીને ઢાંકવાની સૌંદર્યલક્ષી રીતની સલાહ અપાય છે. બપોરે મોં વાટે 4, 5,’ 8-ટ્રાયમિથાઇલસોરલેન લીધા પછી સૂર્યપ્રકાશ કે પારજાંબલી કિરણોમાં ડાઘાવાળો ભાગ રાખવાનું સૂચવાય છે. 6 મહિનાથી થોડાં વર્ષો સુધીની સારવાર અપાય છે. સોરલેનનો મલમ લગાવવાથી ફોલ્લા થઈ જવાનો ભય રહે છે. કેટલાક દર્દીઓમાં બીટામિથેસોન અને ક્લોબેટેસોલ પ્રોપિઓનેટનો મલમ પણ ફાયદાકારક રહે છે. ક્યારેક કોઢ વધી ગયો હોય ત્યારે બાકી રહેલી કાળી ચામડીના રંગને દૂર કરાય છે.
માણસ કે પ્રાણીની ઓર(placenta)માંથી મેલાજેનીન નામનું દ્રવ્ય તૈયાર કરવામાં આવેલું છે. તેનાથી ચામડીનો મૂળ રંગ ઝડપથી પાછો આવે છે એવું મનાય છે. કોઈ વિશિષ્ટ ખોરાક અને કોઢના થવા વચ્ચે સંબંધ સ્થાપિત થયેલો નથી. છતાં ખાટાં ફળો તથા તેવો ખોરાક ન લેવાની દર્દીને સલાહ અપાય છે. કોઢવાળી ચામડીમાં તથા દર્દીને સ્નાયુમાં ઘણી વખત કૉર્ટિકોસ્ટીરૉઇડનાં ઇંજેક્શન આપવાથી ફાયદો થાય છે. દર્દીની પોતાની જ રંગવાળી ચામડીનું કોઢવાળી જગ્યાએ નિરોપણ કરવાની પ્લાસ્ટિક શસ્ત્રક્રિયા વિકસી રહી છે. તેવી જ રીતે વર્ણકકણોવાળા કોષોનો કૃત્રિમ ઉછેર કરીને તેમનો ઉપયોગ કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. જોકે આ બધી જ પદ્ધતિઓ વર્ષો સુધી સ્થિર રહેલા કોઢ માટે ઉપયોગી થાય, પરંતુ તે ઝડપથી ફેલાતા કોઢમાં ખાસ સફળ થતી નથી.
શિલીન નં. શુક્લ
રંજન એમ. રાવલ