કોઠારી, ભાઈલાલ પ્ર. (જ. 15 જુલાઈ 1905, બરકાલ; અ. 14 જુલાઈ 1983, વડોદરા) : ગુજરાતના એક સન્નિષ્ઠ અધ્યાપક અને લેખક. પિતા પ્રભાશંકર ને માતા ચંચળબા.
બાલ્યાવસ્થાથી જ પિતાનું છત્ર ગુમાવી બેઠેલા ભાઈલાલભાઈ, માતાની હૂંફ અને પ્રેરણાથી વડોદરાની સયાજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી મૅટ્રિક થયા ને કુટુંબને આર્થિક ટેકા માટે ઑક્ટ્રૉય ક્લાર્કની નોકરી સ્વીકારી. લગભગ એકાદ દાયકા બાદ ફરી અભ્યાસ શરૂ કરી, ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા અને સર પ્રતાપસિંહરાવ કૉમર્સ કૉલેજમાં અધ્યાપક થયા. સમય જતાં, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ આર્ટ્સના ગુજરાતી વિભાગમાં સિનિયર લેક્ચરર થયા ને 1958માં મ. સ. યુનિ.માંથી નિવૃત્ત થઈ, ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન ડભોઈની આર્ટ્સ-સાયન્સ કૉલેજ, ધોળકાની આર્ટ્સ-કૉમર્સ કૉલેજ અને મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિ. દ્વારા શરૂ થયેલી ઉમરેઠ મહિલા આટર્સ કૉલેજના પ્રિન્સિપાલ-પદે રહી, આયુષ્યના તોંતેરમા વર્ષે નિવૃત્ત થયા.
અતંદ્ર જાગૃતિ, કર્તવ્યનિષ્ઠા અને વ્યવહાર તેમજ વહીવટી દક્ષતાને કારણે સામાન્ય ક્લાર્કમાંથી તે આચાર્યના ઉચ્ચ પદે પહોંચી શક્યા. ગુજરાતી-અંગ્રેજીના તે સવ્યસાચી વિદ્વાન હતા. સાહિત્યપ્રીતિ, વ્યાયામપ્રીતિ ઉપરાંત શાસ્ત્રીય સંગીતની તેમની સૂઝ-સમજ સારી હતી. ચોખ્ખાઈ ને ચોકસાઈ એમના ગુણો હતા.
રમણીક ત્રિવેદીના સહયોગથી તેમણે લખેલું ‘જીવન અને વિજ્ઞાન’ પુસ્તક 1939માં પ્રગટ થયું. ચાર વિભાગમાં વિભાજિત આ ગ્રંથના પ્રથમ વિભાગમાં વિજ્ઞાનની પશ્ચાદભૂ રચી, બીજા-ત્રીજા વિભાગમાં અનુક્રમે વ્યક્તિજીવન અને સમાજજીવનને સ્પર્શતી વિજ્ઞાન-પ્રવૃત્તિનો ખ્યાલ આપી, ચોથા વિભાગમાં વિજ્ઞાનના વણઊકલ્યા પ્રશ્નોની ચર્ચા કરી છે. વિજ્ઞાન માટે રસ કેળવીને, વૈજ્ઞાનિક ર્દષ્ટિ વિકસાવી નૈસર્ગિક જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય તેવી સરળ શૈલીમાં લખાયેલું આ પુસ્તક અતિ ઉપયોગી છે. વર્ષો સુધી તે યુનિવર્સિટી-અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક હતું.
1935થી 1960 સુધીનાં વર્ષોમાં સંશોધકની ઝીણી ર્દષ્ટિ ને પૂરા પરિશ્રમથી લખાયેલા તેમજ ‘પ્રસ્થાન’, ‘માનસી’ ને ‘સંસ્કૃતિ’ જેવાં પ્રશિષ્ટ માસિકોમાં પ્રગટ થયેલા, વિવિધ વિષયો પરના સોળ આલોચનાત્મક અભ્યાસલેખોનો સંગ્રહ તે પ્રો. કોઠારીનો ‘વિવેચનસંચય’ ગ્રંથ. તેમાં ‘ભુલાઈ જતાં સ્વજનો’, ‘વેદાન્તી કવિ અખો’ અને હાસ્ય સંબંધેના લેખ ખાસ નોંધપાત્ર છે.
પશ્ચિમના સાહિત્યના પ્રશિષ્ટ નાટ્યકારોની રચનાઓનાં રૂપાન્તરો ‘ઉછીનો વર અને બીજાં નાટકો’માં સંગ્રહાયાં છે.
રણજિત પટેલ