કોટિયું : કચ્છમાં બંધાતું ઝડપી વહાણ. ટકાઉપણા માટે તે જાણીતું છે. કોટિયું શબ્દ ‘કોટિ’ કે કોટર ઉપરથી બન્યો હશે એમ મનાય છે. આ વહાણ ખોખા જેવું હોવાથી લાકડાં અને નળિયાં ભરવા માટે વધારે અનુકૂળ હોય છે. 80થી 225 ખાંડીનાં આ વહાણોમાં 2 સઢ અને 12 ખલાસીઓ હોય છે. આરબ વહાણો કરતાં કોટિયામાં ઓછા ખલાસીઓની જરૂર પડે છે.

કોટિયું
આ વહાણ ચોમાસાનાં તોફાનો સહન કરી શકે છે. કચ્છ-સૌરાષ્ટ્રનાં કોટિયાં કૉલકાતા, મલાક્કા, બસરા, એડન, ઝાંઝીબાર વગેરે સ્થળોની લાંબી ખેપ કરી શકે છે. કોટિયું આરબ ‘બગલા’ને મળતું છે, તે ઈરાની અખાતનાં બંદરોની વરસમાં બે વાર ખેપ કરે છે, જ્યારે કચ્છ અને મલબાર વચ્ચે ત્રણ ખેપ કરે છે. તેમાં યંત્રો બેસાડીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેનો યુદ્ધજહાજ તરીકે ઉપયોગ થયો હતો. આ વહાણમાં વપરાતા ત્રિકોણિયા સઢ દાખલ કરવાનું માન ગુજરાતીઓને છે.
શિવપ્રસાદ રાજગોર