કોટરયુક્ત સંરચના (vesicular structure) : ખડકમાં નાનાંમોટાં અસંખ્ય કોટરોવાળી સંરચના. આવા ખડકને કોટરયુક્ત ખડક કહેવાય. પ્રસ્ફુટન સમયે ઘણા લાવા વાયુસમૃદ્ધ હોય છે. ઠરવાની અને સ્ફટિકીકરણની પ્રવિધિ દરમિયાન દબાણ ઘટી જવાથી વાયુઓ નાનામોટા પરપોટા સ્વરૂપે ઊડી જતા હોય છે અને તેને પરિણામે ઠરતા જતા લાવાના જથ્થામાં ગોળાકાર, લંબગોળાકાર, નળાકાર કે અનિયમિત આકારોવાળાં તેમજ વિવિધ કદવાળાં કોટરોની રચના ઉત્પન્ન થતી હોય છે. પછીથી જ્યારે તે કોઈક ખનિજોથી પુરાઈ જાય ત્યારે એવી સંરચના બદામાકાર સંરચના તરીકે ઓળખાય છે. આ પ્રકારનાં અસંખ્ય કોટરો ધરાવતા લાવા ખડકો પૈકી પ્યુમિસ (acid lava) અને સ્કોરિયા (basic-lava) તેમજ બેસાલ્ટ તેનાં ઉત્તમ ઉદાહરણો છે. જ્યારે લાવા ઉપરાઉપરી ઊભરાઈને ફેલાતો જાય ત્યારે એની અંતિમ સ્થિતિમાં લાવાની પીગળેલી સ્થિતિવાળું ફીણ બને છે, તેમાંથી અસંખ્ય કોટરોવાળો પ્યુમિસ ખડક બને છે. એ જ પ્રમાણે જે ખડકમાં અસંખ્ય અનિયમિત આકારવાળાં વાયુકોટરો હોય તેને સ્કોરિયા કે સ્લૅગ કહે છે. દખ્ખણના લાવાના ઉચ્ચસપાટપ્રદેશમાં તેમજ પાવાગઢમાં કોટરયુક્ત બેસાલ્ટ મળી આવે છે.

ફાટ-પ્રસ્ફુટન દરમિયાન જેટલી જગા મારફતે લાવા પ્રસ્ફુટિત થતો હોય તે લંબસ્થિતિમાં ઊભી સાંકડી હોય ત્યારે એવા લાવાપ્રવાહને તળિયે ક્યારેક નલિકા આકારનાં કે પોલી ભૂંગળી જેવાં લાંબાં કોટરો જોવા મળે છે. નિક્ષેપોથી બનેલા તળ ઉપર પથરાતા જતા લાવાની ગરમીને કારણે લાવામાંથી વાયુઓ ઊડી જવાની ક્રિયામાં અવ્યવસ્થિતતા આવી જાય છે. તેથી ભૂંગળી આકારનાં કાણાં તૈયાર થતાં હોવાનું સૂચવાયેલું છે. આવી ભૂંગળીઓને કોટરનલિકા (pipe vesicles) અને જો તે ખનિજોથી પુરાઈ ગયેલાં હોય તો તેને બદામાકાર નલિકા (pipe amygdales) કહે છે. સંરચનાની આ પ્રકારની સ્થિતિ તે લાવા સીધેસીધી સ્થિતિમાં જ પથરાયેલો છે કે કેમ, તેનો નિર્ણય કરવામાં સ્તરવિદ્યાની ર્દષ્ટિએ ખૂબ જ ઉપયોગી બની રહે છે.

ગિરીશભાઈ પંડ્યા