કોટક, ઉદય (જ. 15 માર્ચ 1959, મુંબઈ) : ભારતના અગ્રણી અને સૌથી ધનિક બેંકર. દેશમાં ખાનગી ક્ષેત્રની ટોચની કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક. પરિવાર મધ્યમ વર્ગીય ગુજરાતી. સંયુક્ત પરિવારમાં ઉછેર થયો. પિતા સુરેશ કોટક અને માતા ઇન્દિરા કોટક. પરિવાર કપાસ અને અન્ય ખેત ઉત્પાદનોના વેપારમાં સંપૂર્ણપણે સંકળાયેલો છે. સુરેશ કોટક ‘કોટન મૅન ઑફ ઇન્ડિયા’ તરીકે કપાસ ઉદ્યોગમાં પ્રસિદ્ધ છે. એમણે પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં હિંદી વિદ્યાભવનમાં મેળવ્યું. મુંબઈની પ્રતિષ્ઠિત સિડનહામ કૉલેજમાંથી વાણિજ્ય શાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમ.બી.એ. (માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન) પૂર્ણ કર્યું.
બાળપણથી ક્રિકેટનો શોખ અને શાળામાં ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. એ પછી રમાકાંત આચરેકરની તાલીમ હેઠળ ક્રિકેટની વિધિવત તાલીમ મેળવી અને કાંગા લીગમાં કોલેજની ટીમનું નેતૃત્વ કર્યું. પાછળથી રમાકાંત આચરેકર ભારતીય ક્રિકેટ ટીમના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ગુરુ તરીકે પ્રસિદ્ધ થયા. ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તરફથી રમવાની ઇચ્છા, પરંતુ મુંબઈની પ્રસિદ્ધ કાંગા ક્રિકેટ લીગમાં એક મેચ દરમિયાન બોલ માથા પર વાગવાથી ગંભીર ઇજા થવાથી ક્રિકેટને કાયમ માટે તિલાંજલી આપવાની ફરજ પડી.
જમાનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટમાંથી એમ.બી.એ. પૂર્ણ કર્યા પછી પરિવારના સભ્યોએ ઉદય કોટકને કપાસના વેપારમાં જોડાવાનો આગ્રહ કર્યો, પરંતુ ઉદયને મેનેજમેન્ટ અને ફાઇનાન્સમાં વધારે રસ હતો. પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી 1982માં કોટક કેપિટલ મેનેજમેન્ટ ફાઇનાન્સ લિમિટેડની સ્થાપના કરી, જેણે બિલ ડિસ્કાઉન્ટ સર્વિસની શરૂઆત કરી. જ્યારે દેશમાં ખાનગી ક્ષેત્ર પા પા પગલી માંડતા હતું, ત્યારે ઉદય કોટક ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ માટે બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રની મોટી ભૂમિકાને લઈને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા. તેમની આવડત અને કુશળતાથી પ્રભાવિત થઈને દેશમાં ટ્રેક્ટર અને ઓટોમોબાઇલ ઉદ્યોગના અગ્રણી આનંદ મહિન્દ્રાએ 1985માં ઉદય કોટક સાથે જોડાણ કર્યું. બંને મિત્રોએ ભાગીદારીમાં 1986માં કોટક મહિન્દ્રા ફાઇનાન્સ લિમિટેડની સ્થાપના કરી. આ એક નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એન.બી.એફ.સી.) હતી. તેની શરૂઆત ફક્ત રૂ. 30 લાખની મૂડી સાથે થઈ.
બિલ ડિસ્કાઉન્ટની કામગીરી સાથે શરૂ થયેલી કંપનીએ પછી લોન પોર્ટફોલિયો, સ્ટોક બ્રોકરિંગ, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, વીમો અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામગીરીનું વિસ્તરણ કર્યું. ત્યારબાદ વર્ષ 2003માં ભારતીય રિઝર્વ બેંકે આ એનબીએફસીને સંપૂર્ણ બેંક તરીકે માન્યતા આપી અને કામ કરવાનું લાઇસન્સ આપ્યું. પછી એનું નામ બદલાઈને કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ થયું. ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં આ પ્રથમ એનબીએફસી કંપની હતી, જેને ભારતીય રિઝર્વ બેંક પાસેથી બેંકિંગ કામગીરીનું લાઇસન્સ મળ્યું હતું.
માર્ચ, 2003થી 20 વર્ષથી વધારે સમય કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ – મુખ્ય કાર્યકારી અધિકારી) તરીકે જવાબદારી અદા કરી. હાલ બેંક ભારતમાં 1752થી વધારે શાખાઓ અને 30,000થી વધારે કર્મચારીઓ ધરાવે છે. બેંકનું બજાર મૂલ્ય આશરે 3 અબજ ડોલરથી વધારે છે. વર્ષ 2014માં ઉદય કોટકના નેતૃત્વમાં કોટક મહિન્દ્રા બેંકે એની હરિફ આઇએનજી વૈસ્ય બેંકને 2.4 અબજ ડોલરમાં ખરીદી લીધી. વર્ષ 2015માં કોટકે સાધારણ વીમા વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને ભારતીય ટેલીકોમ ક્ષેત્રના દિગ્ગજ અને ભારતી એરટેલના સ્થાપક સુનિલ મિત્તલ સાથે સ્મોલ પેમેન્ટ બેંકની સ્થાપના કરવા જોડાણ કર્યું. ઓગસ્ટ, 2023માં કોટકના અલ્ટરનેટ ફંડ મેનેજમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી વ્યવસાયોનું કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ (કેએએએમ) નામની નવી કંપનીમાં વિલિનીકરણ કર્યું. આ કંપની 18 અબજ ડોલરની એએમયુ (એસેટ અંડર મેનેજમેન્ટ) સાથે ભારતમાં સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે.
કોટક મહિન્દ્રા બેંકમાં ઉદય કોટકનો પાયાનો મંત્ર છે – ભારતમાં કામગીરી વધારવા ધ્યાન કેન્દ્રિત કરવું અને વિવિધ પ્રકારની નાણાકીય સેવાઓ પૂરી પાડવી. તેઓ બેંકિંગ મારફતે સામુદાયિક વિકાસ અને નાણાકીય સર્વસમાવેશકતાને પ્રાથમિકતા આપે છે. તેઓ મૂડીવાદ મારફતે સમાજવાદને ફેલાવવામાં માન્યતા ધરાવે છે. તેઓ ભારતના વિકાસ માટે શિક્ષણને સૌથી મહત્વપૂર્ણ પરિબળ માને છે. કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્થાપના કરીને તેઓ વંચિત સમુદાયના બાળકોની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરી રહ્યાં છે.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા નવા નિયમોને પગલે ઉદય કોટકે સપ્ટેમ્બર, 2023માં કોટક મહિન્દ્રા બેંકમાં બંને હોદ્દાઓ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. હાલ તેઓ બેંકના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.
વર્ષ 2013માં ભારત સરકારે ઉદય કોટકને બેંકિંગ ક્ષેત્રમાં નવીન અભિગમ લાવવા અને નાણાકીય સર્વસમાવેશકતાને વેગ આપવા બદલ સર્વોચ્ચ ભારતીય નાગરિક સન્માનો પૈકીનાં એક ‘પહ્મભૂષણ’ એનાયત કર્યું હતું. વર્ષ 2020-21માં ઉદય કોટક ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઇઆઇ)ના પ્રમુખ બન્યા હતા. ઇ. 2014ના જૂન મહિનામાં ‘અર્નેસ્ટ એન્ડ યંગ વર્લ્ડ આંતરપ્રિન્યોર ઓફ ધ યર’ તરીકે સન્માન મળ્યું. ઇ. 2015માં ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા બિઝનેસ ‘લીડર ઓફ ધ યર’ એવોર્ડ સાથે સન્માન થયું. ઇન્ડિયા ટૂડે મેગેઝિને વર્ષ 2017ની દેશની સૌથી પાવરફૂલ 50 હસ્તીઓમાં તેમને 8મું સ્થાન આપ્યું.
ઉદય કોટક બેંકિંગ વ્યવસાયમાં સફળતા માટે આ સૂત્રો આપે છેઃ (1) બેંક માટે પાત્રતા ધરાવતી વ્યક્તિ કે કંપનીને રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. ધિરાણમાં દરેક પાસાંની ગણતરી કરીને ઉચિત રકમનું જ ધિરાણ કરવું જોઈએ. વ્યક્તિ કે કંપનીની પાત્રતાથી એક પણ રૂપિયાનું વધારે રોકાણ બેંક માટે જોખમરૂપ છે. (2) કોઈ પણ બેંકએ પોતાની બેલેન્સ શીટ સ્પષ્ટ અને સારી રાખવી જોઈએ. નફાને વધારી શકાય છે, નુકસાનને ઘટાડી શકાય છે. પણ ખરાબ બેલેન્સ શીટ બેંકની સાખ બગાડે છે. (3) તેજીમંદીના ચક્રમાંથી પસાર થતાં ક્ષેત્રોને ધિરાણ આપવામાં અતિ કાળજી રાખવી. જેમ કે રિયલ એસ્ટેટ. (4) સફળ મેનેજરમાં જોખમનો તાગ મેળવવાની ક્ષમતા સારી હોય છે. તે જોખમને સારી રીતે ટાળી શકે છે. (5) ખરાબ કામગીરીને તાત્કાલિક ધોરણે સુધારવી. (6) બેંકમાં જાહેર જનતાનાં રૂપિયા હોય છે. બેંક એક એક પૈસાનો હિસાબ આપવા બંધાયેલી છે. (7) પરિવર્તનનો સ્વીકાર કરો અને એને અનુરૂપ ફેરફારો કરો.
કેયૂર કોટક