કોચાનેક, સ્ટેન્લી એ. (જ. ?; અ. ?) : ભારતના કૉંગ્રેસ પક્ષ ઉપર પીએચ.ડી.નો મહાનિબંધ લખીને ખ્યાતનામ થયેલા અમેરિકાના રાજ્યશાસ્ત્રી. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તે પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા; હાલ પણ તે ત્યાં જ કામ કરે છે.
દક્ષિણ એશિયાના અભ્યાસક્ષેત્રના નિષ્ણાત તરીકે તેમણે આ વિસ્તારના રાજકીય વિકાસનો અભ્યાસ કરવા ફુલબ્રાઇટ સ્કૉલર તરીકે ભારત, પાકિસ્તાન વગેરે દેશોની મુલાકાતો લીધી છે. કૉંગ્રેસ વિશેના મહાનિબંધમાં તેમણે પ્રભાવક પક્ષ તરીકે કૉંગ્રેસની ખૂબીઓ તપાસી છે. આ પક્ષના નેતૃમંડળ(high command)નાં સ્વરૂપ, કાર્યશૈલી અને આંતરસંબંધોનો તેમનો વ્યાપક અભ્યાસ ઊંડી સમજ આપે તેવો પુરવાર થયો હતો. કૉંગ્રેસ પ્રમુખો અને તેના વડા પ્રધાનો વચ્ચેના બદલાતા સંબંધોની ગતિવિધિ સમજવા માટેનો તથા સ્વરાજપ્રાપ્તિના પહેલા બે દાયકા દરમિયાન ભારતીય લોકશાહીમાં અવિભાજિત કૉંગ્રેસે ભજવેલી વિધાયક ભૂમિકાનું મૂલ્યાંકન કરતી આ કૃતિ રાજકીય પક્ષોના વર્તનલક્ષી અભ્યાસ-અભિગમનો આદર્શ નમૂનો બની રહી હતી. તેમના બીજા બે મહત્વના ગ્રંથો છે : ‘બિઝનેસ ઍન્ડ પૉલિટિક્સ ઇન ઇન્ડિયા’ (1974) તથા ‘ઇન્ટરેસ્ટ ગ્રૂપ્સ ઍન્ડ ડેવલપમેન્ટ – બિઝનેસ ઍન્ડ પૉલિટિક્સ ઇન પાકિસ્તાન’ (1983).
રાજકીય વિકાસ અંગેના ભારતસંબંધિત સાહિત્યમાં રાજકીય પક્ષો અને ચૂંટણી-રાજકારણને અપાતી અગ્રતાને સ્થાને વિકસતા દેશોમાં સમાજના વિવિધ વિભાગોની રાજકીય ભાગીદારી વધે તે માટે હિતજૂથોની ભૂમિકાનો પદ્ધતિસર અને વસ્તુલક્ષી અભ્યાસ કેવી રીતે થાય તે કોચાનેકે બતાવ્યું છે. આ તેમનું રાજકીય અર્થકારણ અને વિકાસના ક્ષેત્રનું નોંધપાત્ર પ્રદાન છે.
કોચાનેક બતાવે છે કે જે તે રાજ્યપ્રથામાં રાજકારણ, સરકાર અને સમાજનાં માળખાગત લક્ષણોની અસર ત્યાંનાં હિતજૂથોનાં સ્વરૂપ અને ક્ષમતા પર થાય છે. જે પરિવેશ(environment)માં હિતજૂથો કામ કરે છે તે પ્રમાણે તેમનાં સંગઠન અને કાર્યશૈલી વિકસે છે. તેમણે આવાં ચાર પરિબળો ઓળખી બતાવ્યાં છે. સમાજના આધુનિકીકરણની કક્ષા અને પ્રક્રિયા; તેની રાજકીય સંસ્કૃતિ; શાસક તંત્રનાં નિર્ણયકર્તા વિવિધ કક્ષાનાં મંડળો તથા જાહેર રાજનીતિ એવાં ચાર પરિબળો છે. ભારત અને પાકિસ્તાનમાં વ્યાપારી ઉદ્યોગજૂથોની જાહેર નીતિના ઘડતર પર થતી અસરો તથા તેની મર્યાદાઓ ત્યાંની રાજ્યપ્રથાના પરિપ્રેક્ષ્યમાં બતાવીને કોચાનેકે રાજકીય ગતિશીલતાના અભ્યાસ અંગે અનુભવલક્ષી સૈદ્ધાન્તિક ર્દષ્ટાન્ત પૂરું પાડ્યું છે.
પ્રવીણ ન. શેઠ